નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ આજે વહેલી સવારે રાજકોટ–ચોટીલા હાઈવે પર એક ખાનગી બસમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બસમાં અચાનક આગ લાગતા બસમાં સુઈ રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસ ચાલકે બસને ઊભી રાખી દેતા તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા, પરંતું બસમાં આગ લાગવાની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ-ચોટીલા હાઇવે પર પસાર થઈ રહેલી એક પ્રાઈવેટ કંપનીની સ્લીપીંગ કોચ બસ ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે પહોંચી હતી, તે દરમિયાન અચાનક બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતા મુસાફરોની ચીચયારીઓથી બસ ગુંજી ઊઠી હતી. બસના ડ્રાઈવરે બસને ઊભી રાખી દેતા તમામ મુસાફર જીવ બચાવવા બસમાંથી ઉતરી ગયા હતા. જોકે બસમાંથી નીકળતા એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ મુસાફરો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
બસમાં આગ લાગવાની ઘટના બનતા ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જે બસમાં આગ લાગી હતી તે સુરત તરફ જઈ રહી હતી. બસમાં આગની લપેટમાં આવેલી મૃતક વૃદ્ધ મહિલા નોઈડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બસમાં આગ કયા કારણોસર લાગી હતી તે હજી સુધી સામે આવ્યું નથી, પરંતું FSLની તપાસ બાદ આગનું કારણ બહાર આવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








