પ્રશાંત દયાળ નવજીવન: ગાંધીની હત્યા પછી આટલા વર્ષે વિશ્વ આખુ ગાંધીને ભુલી શકયુ નહીં કારણ ગાંધી એક નામ અથવા શરિર નહીં પણ ગાંધી એક વિચાર છે, તેવી જ રીતે ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે પણ એક શરિર નહીં પણ એક માનસીકતા હોવાને કારણે આજે પણ ગોડસેના સમર્થકોની સંખ્યા નાની છે, પણ પ્રારંભમાં જ એક સ્પષ્ટ કરી દેવુ જોઈએ કે જો તમે ગાંધી અને ગાંધી વિચારના સમર્થક હોવ તો તમે ગોડસે અને ગોડસેની માનસીકતાને સમર્થન આપતા લોકોને પણ તીરસ્કારી શકો નહીં. ગાંધી અને ગોડસેના સમર્થકોમાં ફેર એટલો જ છે કે ગાંધીના સમર્થકો ગોડસે એક દુખદ સ્વપ્ન હતું તેમ માની ગોડસેની ચર્ચા કરવાનું ટાળે છે, જયારે ગોડસેના સમર્થકો ગાંધીના આકરા ટીકાકાર છે, ગુજરાત ભલે ગાંધી અને સરદારના નામે ઓળખાતુ હોય છતાં ગોડસેના સમર્થકોની સંખ્યા પણ અહિયા નોંધપાત્ર છે. એટલે જ જામનગરના એક આશ્રમની જમીન ઉપર સોમવારના રોજ ગોડસેની પ્રતિમા મુકી તેનુ અનાવરણ કરવામાં આવ્યુ હતું.
ગોડસેએ ગાંધીની હત્યા કરી તેવા દ્રષ્ટીકોણથી ગોડસે અને ગાંધીને સમજવા કરતા ગોડસે અને ગાંધીના મુળમાં શુ પડયુ છે તે રીતે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ તો મનમાં ધીક્કારની લાગણી કદાચ ઓછી થશે, ગાંધી અને ગોડસે બંન્ને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરવા માગતા હતા, ગાંધીને હિંસાનો માર્ગ પસંદ ન્હોતો અને ગોડસે અહિંસા પસંદ ન્હોતી, બંન્નેનો મત જુદો હતો, આ બહુ જ સ્વભાવીક છે, પરંતુ ગોડસેનો મત હતો કે ગાંધી અહિંસાના પુજારી ભલે હોય પણ તેમનો ઝુકાવ મુસ્લીમ તરફી છે ખાસ કરી પાકિસ્તાનના નિર્માણ માટે ત્યાર પછીની ઘટના માટે ગાંધી જ જવાબદાર છે તેવુ ગોડસેનું માનવુ હતું, પણ ઈતિહાસના પાના ઉથલાવીએ તો ભારતના ભાગલા થાય તે માટે ગાંધી હરગીજ તૈયાર ન્હોતા ખરેખર તો ભીન્ન વિચાર ધરાવતા સરદાર અને નહેરૂ પાકિસ્તાન અલગ થાય તે મુદ્દે એક હતા.

આમ ઈતિહાસના પાના કહે છે ગાંધીની અનિચ્છા છતાં પાકિસ્તાનનું નિર્માણ થયુ , ગાંધીને ખબર અને ગાંધીએ કહ્યુ હતું તે વિભાજન લોહીયાળ સાબીત થશે અને તેવુ જ થયુ, એક તરફ ગાંધી વ્યથીત હતા, દેશના પહેલા ગૃહમંત્રી સરદાર સાહેબને જાણકારી મળી હતી કે ગાંધી ઉપર હુમલો થશે એટલે તેમણે ગાંધીને સલાહ આપી હતી કે પોલીસ રક્ષણ લેવામાં આવે, પણ ગાંધી મારા જ દેશમાં મારા જ લોકો વચ્ચે રક્ષણ લેવુ પડે તેવુ કહી રક્ષણ લેવાનો ઈન્કાર કર્યો હતો, સરદારની આશંકા સાચી ઠરી અને ગાંધીની હત્યા થઈ, જો કે તેનો સૌથી વધારે આધાત અે વેદના સરદારને થઈ કારણ અંદરથી સરદાર આખી ઘટના માટે પોતાને જવાબદાર માની રહ્યા હતા. જયારે ન્યાયની અદાલતમાં ગાંધી હત્યાનો મામલો પહોંચ્યો ત્યારે ગાંધીના સંતાનોએ ગોડસેને ફાંસી ન થવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો, આમ પોતાના પિતાની હત્યા કરનાર સામે તેમના મનમાં ઘૃણા અને ગુસ્સો ન્હોતો કારણ તે ગાંધીનો વિચાર અને સંસ્કાર હતા. મઝાની વાત એવી છે કે ગોડસે અને ગોડસેના સમર્થકો માને છે કે ગાંધી મુસ્લિમ તરફી હતા, પણ ગાંધીની હત્યા પછી પાકિસ્તાનના સ્થાપક મહંમદઅલી જીણાએ એક લીટીમાં શ્રધ્ધાંજલી આપતા કહ્યુ હતું કે ભારતે એક સારો હિન્દુ ગુમાવ્યો છે, આમ જીણા ગાંધીને હિન્દુ તરફી માનતા હતા.
જો વિચારમાં દમ હોતો નથી, તે કાળક્રમે નાશ પામે છે પણ ગાંધીમાં તેવુ થયુ કારણ ગાંધી તો વિચાર છે, ગાંધીનો રસ્તો અઘરો છે કારણ અહિંસાના રસ્તે ચાલવુ સહેલુ અને બધાને પરવડે તેમ નથી, જયારે ગોડસેનો રસ્તો હિંસાનો, જે સહેલો પણ તે રસ્તો દુર સુધી જતો નથી આપણે ગાંધી સાથે સો વાંધા હોય તો પણ હિંસાનું સમર્થન થઈ શકે નહીં, જો આપણે ગોડસેની માનસીકતાનું સમર્થન કરીએ છીએ તો આપણને મુંબઈ ઉપર હુમલો કરનાર કસાબ સામે પણ નારાજગી હોવી જોઈએ નહીં કારણ ગોડસે અને કસાબે પોતાનો વિરોધ મત ધરાવનાર સામે હથિયાર ઉપાડયુ હતું. હવે આ મુદ્દે રાજકિય વિવાદ ફરી ઉભો થશે ખરેખર ગાંધીના મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામ સામે આવશે કારણ આપણને ઈંડા-નોનવેજ અને ગાંધી-ગોડસે જેવા વિષય ઉપર વિવાદ કરવાની મઝા પડે છે.

પણ આ મુદ્દે સરકારનો શુ મત છે તે જાણવાનો પ્રયત્ન અમે કર્યો આ મામલે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીને પુછતાં તેમણે જણાવ્યુ કે ગોડસેની પ્રતિમા મુકવાની ઘટના તેમના ધ્યાનમાં આવી છે તેઓ આ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી જલદી કાર્યવાહી કરશે જયારે જામનગરના ધારાસભ્ય અને મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે તેઓ હાલ ગાંધીનગર છે, તેમને અખબારોના સમાચાર દ્વારા જાણકારી મળી તેમણે આ મામલે જામનગરમાંથી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો તેમજ જામનગરના પોલીસ વડા દિપેન ભદ્રનને પુછતાં તેમણે જણાવ્યુ કે મને જાણકારી મળી છે હું અમદાવાદ હતો અને હાલમાં જામનગર પરત ફરી રહ્યો છુ ત્યાં પહોંચી તમને જાણ કરીશ, છેલ્લાં જામનગરના કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો કે તેમના કાર્યકરોએ ગોડસેની પ્રતિમા તોડી પાડી છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









