કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સાગરીકા ભટ્ટાચાર્ય (Sagarika Bhattacharya)– ભારતીય મૂળની આ મહિલાનું નામ અત્યારે ફરી ચર્ચામાં છે. કારણ છે તેમના જીવનના એક હિસ્સા પરથી બનેલી ફિલ્મ : ‘મિસિસ ચેટર્જી વિ. નોર્વે’. (Mrs Chatterjee Vs Norway) ફિલ્મનું ટાઇટલ જ આશ્ચર્ય કૌતુક પમાડે તેવું છે, ટાઇટલમાં ભટ્ટાચાર્ય અટક બદલીને ચેટર્જી કરવામાં આવી છે અને સામે નોર્વે સરકાર (Norway)છે. સાગરીકા ભટ્ટાચાર્ય અને નોર્વે સરકાર સામસામે આવ્યા તેનું કારણ હતું સાગરીકાના બે બાળકો. કથાવસ્તુ એવી છે કે 2007માં અનુરૂપ ભટ્ટાચાર્ય અને સાગરિકા ભટ્ટાચાર્યના લગ્ન થયાં અને તેઓ નોર્વેમાં સેટલ થયા. અહીં તેમને એક વર્ષમાં અવિગ્યાન નામે દીકરો જન્મ્યો અને 2010માં તેમના ઘરે ઐશ્વર્યા નામે દીકરી જન્મી. આ બંને બાળકોના જન્મ પછી પરિવાર ખુશહાલી હતી. નોર્વે જેવો અતિ સમૃદ્ધ દેશ, ઘરમાં અવતરેલા નવાસવા મહેમાનો અને સાથે સાથે અનુરૂપ ભટ્ટાચાર્યની આર્થિક સુરક્ષિતતા. આ દરમિયાન દીકરા અવિગ્યાન ઓટિઝમ બીમારીના કેટલાંક લક્ષણો દેખાવા માંડ્યા. આ બીમારી મુખ્યત્વે બાળકનું મસ્તિષ્ટ સામાન્ય સંજોગો મુજબ નથી વિકસતું. આ બીમારીના કારણે ભટ્ટાચાર્ય દંપતીએ અવિગ્યાનને પોતાના જ ઘરની નજીક આવેલા એક પરિવાર પાસે કિંડરગાર્ડનમાં મૂક્યો. અહીંથી સાગરીકા ભટ્ટાચાર્યની મુશ્કેલીઓ ઊભી થાય છે અને શરૂ થાય છે વર્ષો સુધીની સાગરીકાની નોર્વે સરકાર સાથેની લડત.

સાગરીકા ભટ્ટાચાર્યના જીવનનાં હિસ્સા એક હિસ્સા પરથી ફિલ્મ બની તેમાં સાગરીકાની લડત છે; ઉપરાંત તેમાં સામે પક્ષે ‘નોર્વેયિઅન ચાઇલ્ડ વેલ્ફેર સર્વિસ’ની માહિતી છે. બાળ સુરક્ષાના કાયદા ભારતમાં છે અને વિકસિત દેશોમાં બાળ સુરક્ષા માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પરંતુ સામાન્ય સંજોગોમાં આપણા દેશમાં પરિવાર કે માતા-પિતા બાળકોનો ઉછેર કેવી રીતે કરે છે તેના પર સરકાર ધ્યાન આપતી નથી. નોર્વેમાં એવું નથી; ત્યાં બાળકોના પાલનપોષણને લઈને કડક કાયદા છે. કેટલાંક કિસ્સામાં તેઓ છુપી રીતે તપાસેય કરે છે કે માતા-પિતા તેમના બાળકોનું પાલનપોષણ કેવી રીતે કરે છે. આ કિસ્સામાં તેમને સંતોષ ન થાય તો તેઓ કસ્ટડી લેવા સુધીની કાર્યવાહી કરે છે. આ બાબતે નોર્વેના ચાઇલ્ડ વેલ્ફેર સર્વિસની ખૂબ ટીકા પણ થઈ છે. સાગરીકા ભટ્ટાચાર્યના બાળકોની આ રીતે નોર્વેની સરકાર દ્વારા કસ્ટડી લઈ લેવામાં આવી અને બાળકોને મેળવવા માટે સાગરીકાએ વર્ષો સુધી નોર્વે સરકાર સામે ઝઝુમવું પડ્યું. આ માત્ર સાગરીકાની લડાઈ હતી અને તેથી તેના પતિ અનુરૂપ ભટ્ટાચાર્યનું નામ ફિલ્મનાં ટાઇટલમાં નથી. સાગરીકા અને અનુરૂપના ડિવોર્સ થઈ ચૂક્યા છે.
2008માં ભટ્ટાચાર્ય દંપત્તીના ઘરે અવિગ્યાનનો જન્મ બાદ સાગરીકા તેની સારસંભાળ લેતી હતી. આ દરમિયાન તે ફરી પ્રેગનન્ટ થઈ અને અવિગ્યાનને ઓટીઝમના લક્ષણો દેખાયા એટલે થોડી રાહત માટે અવિગ્યાનને કિંડરગાર્ડનમાં મૂક્યો. એ સમયે પતિ અનુરૂપનું કામકાજ દિવસરાત ચાલતું અને અવિગ્યાનની બધી જવાબદારી સાગરીકા પર હતી. આ દરમિયાન એક નર્સે નોર્વે ચાઈલ્ડ વેલ્ફેર સર્વિસમાં એમ ફરિયાદ કરી કે સાગરીકા તેના બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી રહી નથી. અને લાગણીથી તે બાળક સાથે જરાય એટેચ નથી. નર્સના કહેવા મુજબ માતા કરતાં પિતા વધુ જવાબદારીપૂર્વક બાળકોનું ધ્યાન રાખી રહ્યા છે.
આ ફરિયાદના કારણે ભટ્ટાચાર્ય પરિવાર પર નોર્વે ચાઇલ્ડ વેલ્ફેર સર્વિસ દ્વારા તપાસ થવા માંડી. તપાસના અર્થે છૂપી રીતે તેમનું વર્તન-વ્યવહાર જોવામાં આવ્યું. લાંબા સમય સુધી તપાસ ચાલી ત્યાર પછી એક દિવસ અચાનક વેલ્ફેર સર્વિસે બંને બાળકોની કસ્ટડી લીધી. કસ્ટડી લીધા પછી કાયદાકીય કાર્યવાહી થઈ અને ભટ્ટાચાર્ય દંપત્તી સામે કારણો મૂકવામાં આવ્યા કે કેમ સરકારે બાળકોની કસ્ટડી લીધી છે. આ કારણોમાં એક હતું કે સાગરીકા પોતાના બાળકને ચમચી દ્વારા દૂધ પીવડાવતી હતી. જે નોર્વેમાં કાયદા મુજબ જબરજસ્તી દૂધ પીવડાવાની રીત છે. આ સિવાય નોર્વેના ચાઇલ્ડ વેલ્ફેરે એવો પણ પ્રશ્ન ઊઠાવ્યો કે બાળકોને માતા-પિતા સાથે એક જ બેડ પર ઊંઘાડવામાં આવે છે. સાગરીકાએ દીકરાને મારેલી એક થપ્પડ અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો. નોર્વેની સરકાર જે પ્રશ્નો ઊઠાવ્યા, તે કોઈ પણ રીતે આપણા દેશમાં અત્યાંતિક પગલાંમાં ન ખપે. સામાન્ય સંજોગોમાં આ બધું થાય છે. પરંતુ નોર્વેમાં આ વાતની ગંભીર નોંધ લેવામાં આવી અને બાળકોની કસ્ટડી સુધ્ધા સરકારે લીધી. સાગરીકા અને અનુરૂપે તેમના પાલનપોષણને યોગ્ય ગણાવી તેને ‘સાંસ્કૃતિક ભેદ’ ગણાવ્યો તો તે તર્ક પણ નોર્વેના ચાઇલ્ડ વેલ્ફેર દ્વારા યોગ્ય ન ગણાવ્યો.
નોર્વેનું ચાઇલ્ડ વેલ્ફેર સર્વિસ નાની-નાની બાબતે આવું કરે છે અને તેના પર ગંભીર આરોપ એ પણ લાગ્યો છે કે તેઓ ‘સ્ટેટ કિડનેપિંગ’ કરે છે. આ સર્વિસ પાસે ઘણું ભંડોળ છે એટલે તેને ઘણાં નિષ્ણાતો જોખમી ગણે છે, જેમની પાસે ભંડોળ ઘણું છે. આ સર્વિસ દ્વારા મહદંશે બાળકોની કસ્ટડી લેવાના જે કિસ્સા બને છે તેમાં સ્થાનિક કરતાં ચાર ગણા કિસ્સા ઇમિગ્રેન્ટ થયેલા દંપત્તીના હોય છે. સ્ટેટ કિડનેપિંગને લઈને નોર્વે ચાઇલ્ડ વેલ્ફેર પર ગંભીર આરોપ લાગતા રહ્યા છે. 1945થી 1980 સુધી તેઓએ આ રીતે 4000 બાળકોને પોતાના કસ્ટડીમાં રાખ્યા હતા. પરંતુ તેમની જ કસ્ટડીમાં આ બાળકો પર અત્યાચાર થયા. આને લઈને નોર્વેના ચાઇલ્ડ વેલ્ફેરના અધિકારીઓ પર કેસ ચાલ્યો અને તે સાબિત પણ થયું અને નોર્વે સરકારે મસમોટું વળતર તે બાળકોને આપવું પડ્યું. નોર્વેના ચાઈલ્ડ વેલ્ફેરને લઈને ‘યુરોપિયન કાઉન્સિલ ઓફ હ્યુમન રાઈટ્સ’માં પણ કેસ દાખલ થયા છે.
સ્વાભાવિક છે કે જ્યારે ભટ્ટાચાર્ય દંપત્તી સાથે આવું થયું તો નોર્વેના અન્ય ભારતીય મૂળના લોકોને પણ તેનો ડર પેસ્યો. આ પૂરા કેસને લઈને ભારત સરકાર પણ હરકતમાં આવી. 2012માં ભારત સરકાર વતી ઉચ્ચ અધિકારી નોર્વેના તત્કાલિન વિદેશ મંત્રીને મળવા ગયા હતા. આ અંગે કેટલાંક નોર્વેવાસીઓએ પણ વિરોધ કર્યો અને નોર્વેમાં માનવ અધિકારના તત્કાલીન પ્રમુખ બેરીટ આર્સેટે સુધ્ધા આ ઘટનાને ‘સ્ટેટ કિડનેપિંગ’ સાથે સરખાવી. તેમનું કહેવું હતું કે નોર્વેમાં આ સમયાંતરે થતું આવ્યું છે. અને જ્યારે નોર્વેયિન અન્ય કોઈ દેશના નાગરિક સાથે લગ્ન કરે ત્યારે તેમના બાળકો સાથે નોર્વેયિન ચિલ્ડ્રન વેલ્ફેર સર્વિસ ખાસ આવું કરે છે. આ યોગાનુયોગ ન હોઈ શકે. અને તેમાં પણ જ્યારે નોર્વે સરકાર બાળકોને આ રીતે કસ્ટડી લે છે ત્યારે તેમના માતા-પિતાની માનસિક સ્થિતિ અંગે પ્રશ્નાર્થ કરે છે. નોર્વે ચાઇલ્ડ વેલ્ફેર સર્વિસ પર આવાં આરોપની કહાની લાંબી છે.
નોર્વેમાં આ રીતે થઈ રહેલી બાળકોની સારસંભાળ યુરોપના દેશોમાં સામાન્ય છે, પણ જ્યારે તેમાં આ પ્રકારના વિવાદ ઊભા થાય છે ત્યારે સાગરીકા ભટ્ટાચાર્ય જેવી વ્યક્તિના મહામૂલા વર્ષો બાળકના ઉછેરના બદલે કાયદાની આંટીઘૂંટીમાં જતા રહે છે. કેટલાંક કિસ્સામાં નોર્વેમાં સરકારની કસ્ટડીમાંથી છોડાવવા માટે ખાનગી ડિટેક્ટીવની પણ મદદ લે છે. રશિયન છોકરાઓ માટે એક ખાનગી ડિટેક્ટીવે આ કામ કર્યું હતું અને ફરી તે બંનેને પોતાના માતા-પિતા સાથે ભેટો કરાવી આપ્યો હતો. રશિયન છોકરાને અહીંયા તેના માતા-પિતાને મેઇલ કરવાથી પણ અટકાવવામાં આવતો. છેલ્લે ડિટેક્ટિવ દ્વારા તેને રશિયામાં પહોંચાડી શકાયો.
સાગરીકા ભટ્ટાચાર્યના દીકરા અભિગ્યાન અને દીકરી ઐશ્વર્યાનો મુદ્દો જ્યારે ખૂબ ચર્ચિત બન્યો ત્યારે નોર્વેની સરકારે સમાધાનકારી વલણ અપનાવી, બંને બાળકોની કસ્ટડી બાળકોના કાકાને સોંપી. બાળકો ભારત આવ્યા તે પછી પણ સાગરીકાની લડાઈ તેમના બાળકો મેળવવાની રહી, હવે સામે પરિવાર જ હતો. છેવટે પશ્ચિમ બંગાળની બુરદવાન ચાઇલ્ડ વેલ્ફેર કમિટિએ સાગરિકાને બાળકો સોંપ્યા. આજે તે બાળકો માતા સાથે રહી રહ્યા છે અને સાથે સાગરીકાએ માસ્ટર ડિગ્રીમાં એડમશિન મેળવ્યું. ઉપરાંત તેમના આ પીડાદાયક સફરની ‘જર્ની ઓફ અ મધર’ નામે પુસ્તક પણ લખ્યું. હવે સાગરીકાની આ સફર ફિલ્મી પડદે આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796