Friday, April 17, 2026
HomeGujaratમારી 10 વર્ષની ઉમંરે દ્રઢ માન્યતા હતી કે મુસ્લિમો ઉપર ભરોસો થાય...

મારી 10 વર્ષની ઉમંરે દ્રઢ માન્યતા હતી કે મુસ્લિમો ઉપર ભરોસો થાય જ નહીં

- Advertisement -

આપણે હાલમા જે કઈ માનીએ છીએ, મોટા ભાગે તે મત આપણો હોતો નથી, પછી તે કોઈ વ્યકિત માટે, કોઈ વિચારધારા માટે હોય , કોઈ સંસ્થા માટે હોય, કોઈ સરકાર માટે હોય કે પછી કોઈ પોતાના પ્રિયજન માટેનો હોય આપણી આસપાસનું વાતાવરણ અને આપણી આસપાસનો ધોંધાટ આપણો મત તૈયાર કરતો હોય છે, હું અવાજને બદલે ઘોંઘાટ શબ્દનો પ્રયોગ એટલે માટે કરુ છુ કારણે એક વ્યકિતની વાત હોય તો તે અવાજ બને છે, પરંતુ આપણે ત્યાં એક સરખી વાત અનેક લોકો કરતા હોય છે જેના કારણે તે ઘોંઘાટ બને છે, જરા સ્પષ્ટ રીતે હું મારી વ્યકિતગત વાત કરૂ તો મારો જન્મ વડોદરા થયો, ત્યાર બાદ પાંચ વર્ષ સુધી હું મારા માતા પિતા પાસે અમદાવાદ રહ્યો ત્યાર બાદ પાંચ વર્ષ મારા દાદા દાદી પાસે અમરેલી રહ્યો અને ફરી અમદાવાદ આવ્યો, આમ મારી દસ વર્ષની ઉમંર સુધી હું કોઈ પણ મુસ્લિમને મળ્યો જ ન્હોતો,વાત સુધ્ધા કરી ન્હોતી, પરંતુ દસ વર્ષની ઉમંરે મારા મનએ સ્વીકારી લીધુ કે મુસ્લીમ ઉપર ભરોસો કરાય નહીં, આવુ કેમ બન્યુ ? સ્કુલ અને ઘરે આંગળી પકડી એકડો ધુટાવતી મારી માં અને મારા શિક્ષકે મારો કાન પકડી મુસ્લીમો અંગે આવી સમજ તો આપી ન્હોતી છતાં હું માનતો થઈ ગયો કે મુસ્લિમ ઉપર ભરોસો થાય નહીં.



હું અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મોટો થયો તેના પાંચ કિલોમીટર વિસ્તારમાં મુસ્લિમની વસાહત ન્હોતી અને નથી અને મુસ્લિમની દુકાન પણ ન્હોતી, હું મારી ઉમંરના 17માં વર્ષે પહેલી વખત કોઈ મુસ્લિમને મળ્યો તો તે મારી લાલદરવાજા આવેલી સીટી આર્ટસ કોલેજ હતી મારી સાથે અનેક મુસ્લિમો અભ્યાસ કરતા હતા, પણ તેમનો કોઈ ખરાબ અનુભવ થયો નહીં અને મેં તેમને અને તેમણે મને કયારેય નુકશાન પહોંચાડયુ નહીં છતાં મારા મનમાં મુસ્લિમોનો ભરોસો કરવો નહીં તેવી દ્રઢ માન્યતા હતી. આજે મને સમજાય છે કે માત્ર હું જ નહીં મારી સાથે અભ્યાસ કરતા મુસ્લિમો પણ માનતા હશે કે હિન્દુઓ ઉપર ભરોસો થાય નહીં, આવુ બંન્ને પક્ષે કહેવા કરતા કહીશ કે તમામ પક્ષે છે, આવુ માત્ર મુસ્લિમો અને હિન્દુ માટે છે તેવુ નથી આપણી અંદર જ્ઞાતિ વ્યવસ્થા પણ એવી ઠાંસી ઠાંસી ભરી છે કે આપણે પોતાની જ્ઞાતિને બીજી જ્ઞાતિ કરતા ઉચ્ચ જ્ઞાતિની માની બેસવાની ભુલ કરીએ છીએ, 1915માં ભારત આવેલા ગાંધીને સમજાયુ કે આઝાદીનો મુદ્દો એક તરફ છે ખરેખર તો આપણે અશ્પૃષ્યતાની ગુલામીમાં એટલા જકડાયેલા છીએ કે તેમાંથી મુકત થતાં વર્ષો નિકળી જશે.

આજે પણ પોતે સુધારાવાદી હોવાનો દાવો કરતા લોકો કહે કે અમને કોઈ જાત-ધર્મ અને જ્ઞાતિ સાથે સાથે વાંધો નથી પણ તેઓ પોતાના દિકરા અને દિકરીને દલીત-મુસ્લિમ તો દુરની વાત પણ પોતાની જ્ઞાતિ કરતા અલગ જ્ઞાતિમાં લગ્ન કરવા પણ તૈયાર નથી, તો આ વૈચારિક પ્રદુષણનો ભોગ આપણે કેવી રીતે બન્યા તે અંગે આપણે વિચારતા જ નથી, આપણને આવી અનેક માન્યતાઓ આપણા ઘર-સોસાયટી-મિત્રો અને કામકાજના સ્થળેથી મળે છે, જે આપણી જાણ બહાર આપણા મનમાં ઘર કરી જાય છે, બીજાની સાંભળેલી માન્યતાઓના ઘરના પાયા એટલા ઉંડા અને મજબુત હોય છે કે આપણે આવનારી પેઢીને પણ વારસામાં આપણે તે માન્યતાઓ આપતા જઈએ છીએ , કોઈ માને છે મુસ્લિમ ઉપર ભરોસો થાય નહીં, કોઈ માને કે હું દલિત કરતા ઉપરની જ્ઞાતિનો છુ, કોઈ માને કે માંસાહાર કરનાર ક્રુર છે, કોઈ માને છે ફલાણી સરકાર અને પક્ષ અને તેના તેના ભ્રષ્ટ છે તો આવુ માનવાનો પુરો અધિકારી છે પણ સવાલ એટલો જ છે કે તમે જે કઈ માનો છો તે મત તમારો ફર્સ્ટ હેન્ડ હોવો જોઈએ, સેકન્ડ હેન્ડ મત આપણા જીવન માટે ખુબ જોખમી છે.



2002માં મારો દિકરો આકાશ પાંચ વર્ષનો હતો અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં તોફાનો ફાટી નિકળ્યા હતા, તે સ્કુલેથી આવ્યો અને મને કહ્યુ આજે આપણે મરી જઈશુ, મે આશ્ચર્ય સાથે પુછયુ કેમ તેણે મને કહ્યુ જુહાપુરાથી ટ્રક ભરી મુસ્લમાનો નિકળ્યા છે તે આપણને મારી નાખશે, મને આધાત લાગ્યો મેં પુછયુ તને કોણે કહ્યુ તેણે જવાબ આપ્યો મારા કલાસમાં મારા મિત્રો વાત કરતા હતા, હવે આકાશ પાંચ વર્ષનો તેના મિત્રો પણ પાંચ વર્ષના તો પછી આકાશના કલાસમાં ભણતા બાળકોના મનમાં આ વાત આવી કયાંથી મને લાગ્યુ કે મુસ્લિમ સારા કે ખરાબ તે મત આકાશનો પોતાનો હોવો જોઈએ મારો પણ નહીં , હું તેને ચાલુ તોફાનમાં મારી બાઈક ઉપર બેસાડી સળગતુ અમદાવાદ બતાવવા નિકળ્યો, તે નાનો હતો, છતાં તેને સમજાય તે ભાષામાં મેં મારી સમજ આપવાનો પ્રયત્ન કર્યો, મેં આકાશને ત્યારે પણ નહીં અને આજે પણ કહ્યુ નથી કે ફલાણી જ્ઞાતિ ધર્મના લોકો સારા કે ખરાબ મારી એટલી જ ઈચ્છા રહી છે મારા દિકરો આકાશ અને દિકરી પ્રાર્થનાનો જે મત હોય તે તેમનો પોતાનો હોય, આપણો મત ભુલ ભરેલો હોઈ શકે છે આજે આપણે જે માનીએ છીએ તેના કરતા વિપરીત માનતા હોઈશુ પણ જે કઈ વૈચારિક હશે તે આપણુ પોતાનું હશે.

- Advertisement -

ઘણી વખત આપણો પોતાનો સાચો કે ખોટો મત હોતો નથી જેના કારણે એવુ પણ બને છે આપણે આપણી આસપાસનો લોકોને જે પસંદ છે અથવા તેના કારણે પોતાના સ્વજન, પરિચીત અને મિત્રો રાજી થતાં હોય તો તત્કાલ આપણને પોતાનો મત બદલવામાં વાંધો આવતો નથી, અનેક વખત મેં જોયુ છે કે મારા અનેક મિત્રોને મુસ્લિમ અને દલીતો સાથે સારા સંબંધ છે, એકબીજાની ઘરે જવાના અને જમવાના સંબંધ છે, બંન્ને તરફ સંબંધોની સાનુકુળતા છે, આમ છતાં દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી જે માહોલ ઉભો થયો છે તેવી સ્થિતિ નિર્માણ થાય મારા મિત્રોને આખી મુસ્લિમ અને દલિત કોમ અંગે પોતે જેની સાથે સંમત્ત નથી તેવો વિચાર વ્યક્ત કરવા વાંધો આવતો નથી કારણ તેઓ માને છે જો સામેની વ્યકિત કરતા હું ભીન્ન મત વ્યકત કરીશ તો તેમની ગુડબુકમાંથી મારી બાદબાકી થશે એટલે તેઓ જાહેરમાં અને ખાનગીમાં અલગ અલગ મત ધરાવતા થઈ જાય છે, વાત માત્ર મુસ્લીમ દલીત નથી, સ્ત્રીઓ ભણવુ જોઈએ નહીં, શ્રાધ્ધ તો કરવુ જ પડે, સ્ત્રીએ બુરખો પહેરવો જ પડે. વગેરે અસંખ્યા માન્યતાઓ છે નક્કી આપણે કરવાનું કે આપણી પોતાની કઈ માન્યતા છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular