નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં આવતીકાલથી પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થઈ રહી છે. ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં વાહન લઈને બહાર નીકળતા લોકો સુરક્ષાની સાવધાની નહીં રાખે તો તેમના ખિસ્સામાં બોજ પડી શકે છે. પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં ટુ વ્હીર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેર્યુ હોય અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય દંડ ફટકારવામાં આવશે. સાથે જ ટ્રાફિકના નિયમ ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ માટે જાહેર કરવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, નામદાર સુપ્રીમ કોર્ટ સમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમિક્ષા બેઠક તેમજ રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં રોડ સેફ્ટીને લગતી કામગીરીની સમિક્ષા બેઠકમાં રાજ્ય ખાતે બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરવા અને સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.
રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા અને ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ અને સીટ બેલ્ટના ભંગના વધુમાં વધુ કેસ કરવા જણાવ્યું છે. જેથી રાજયમાં આગામી તા 6 માર્ચથી 15 માર્ચ સુધી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. આ સમય દરમિયાન જો કોઈ વાહન ચાલકે હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે. સાથે જ શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવાનો પોલીસને આદેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહામારી દરમિયાન પોલીસ દ્વારા માસ્કને લઈને સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવતી હતી. તે દરમિયાન લોકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. જો કે હવે મહામારી શાંત થઈ જતાં ટ્રાફીકના નિયમોના ભંગ અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |











