Tuesday, June 30, 2026
HomeGeneral‘સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધનને સહાયરૂપ થવા રૂ. 1,200 કરોડ તારવવામાં આવ્યાં’: DRDOના ચેરમેન...

‘સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધનને સહાયરૂપ થવા રૂ. 1,200 કરોડ તારવવામાં આવ્યાં’: DRDOના ચેરમેન ડૉ. જી. સતીષ રેડ્ડીએ ADW 3.0માં જણાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલા તેના વિશાળ સંકુલમાં યોજવામાં આવેલ અમદાવાદ ડીઝાઇન વીક (ADW) 3.0ના બીજા દિવસે સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ DRDO ટાઉનહૉલ ખાતે સંરક્ષણ ક્ષેત્રમાં નવીનીકરણ અને ડીઝાઇન પર ભાર મૂક્યો હતો અને સ્ટાર્ટ-અપ્સને સંરક્ષણ સંબંધિત પડકારોને ઉકેલવા માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ચેરમેન ડૉ. જી. સતીષ રેડ્ડીએ DRDO ટાઉનહૉલમાં મુખ્ય સંબોધન કર્યું હતું, જે ADW 3.0ના બીજા દિવસનું મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ડીફેન્સ R&Dના સચિવ ડૉ. રેડ્ડીએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, DRDOએ સંરક્ષણ ક્ષેત્રમાં શૈક્ષણિક સંશોધન માટે લગભગ રૂ. 1,200 કરોડ જેટલી રકમ તારવી છે.



DRDOના ચેરમેન મુજબ, સંરક્ષણ ક્ષેત્રમાં નવીન ઉત્પાદનો પર કામ કરવા માટે યુવાનો માટે વિશાળ અવકાશ છે. ડૉ. જી. સતીષ રેડ્ડીએ જણાવ્યું કે, ‘યુનિવર્સિટી એ ટેકનોલોજીના વિકાસનો મૂળભૂત પાયો છે. ડીઆર઼ડીઓ શૈક્ષણિક સંશોધન કાર્યક્રમ માટે 300 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામ કરી રહી છે અને 1,200 જેટલા વિદ્વાનો સંરક્ષણ સંશોધન સાથે સંકળાયેલા છે. આ સંસ્થાઓને સમર્થન પૂરું પાડવા માટે રૂ. 1,200 કરોડ ફાળવવામાં આવ્યાં છે, ગુજરાત યુનિવર્સિટી તેમાંની એક છે.’

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર ભાર મૂકતાં સતીષ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘આપણે ફક્ત ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આત્મનિર્ભર બનાવવું જોઇએ. આ માટે આપણે ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક બનવું પડશે, જેથી કરીને સારી ગુણવત્તાના ઉત્પાદનો પેદા કરી શકાય.’

અમદાવાદ ડીઝાઇન વીક 3.0ના બીજા દિવસે બૌદ્ધિકો દ્વારા ઊંડાણપૂર્વકના સેશનો યોજવામાં આવ્યાં હતાં, જેમાં DRDOના ખ્યાતનામ અધિકારીઓ, સંરક્ષણ અધિકારીઓ અને ઉદ્યોગજગતની પ્રતિભાઓએ પોતાના વિચારો રજૂ કરી સહભાગીઓને સંરક્ષણના ક્ષેત્રમાં ડીઝાઇન અને નવીનીકરણના મહત્ત્વ પર એક દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો હતો.

- Advertisement -

વિદ્યાર્થીઓને સંબોધતા IIT-ગાંધીનગરના કાર્યકારી-ડિરેક્ટર ડૉ. અમિત પ્રશાંતે જણાવ્યું હતું કે, ‘ડીઝાઇન અને ટેકનોલોજી એ એક જ સિક્કાની બે બાજુ છે. ધ્યાનનું કેન્દ્રીકરણ શૈક્ષણિક ક્ષેત્ર મારફતે નવીનીકરણ કરવા પર છે. આપણે ઉદ્યોગજગત, શૈક્ષણિક ક્ષેત્ર અને સરકાર સાથે સહયોગ સાધીને આપણી શક્તિ વધારવા તથા ઉકેલો શોધવા પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.’



ઘરેડમાંથી બહાર વિચારવાની જરૂરિયાત પર ભાર મૂકીને એર માર્શલ (નિવૃત્ત) અજિત ભોંસલેએ જણાવ્યું હતું કે, ‘સર્જનાત્મકતાને કોઈ અવરોધો હોતા નથી. તમારે સર્જનાત્મક અને નવપ્રવર્તક બનવા માટે એન્જિનીયર બનવાની જરૂર નથી. હું વિદ્યાર્થીઓને બહાર નીકળવા અને ફક્ત ભારતના સંરક્ષણ ઉદ્યોગો પર જ નહીં પરંતુ ભારતની બહાર પણ નજર દોડાવવા માટે તથા તમારા વાલીઓ, શિક્ષકો અને ભારતને ગર્વ અપાવવાની વિનંતી કરીશ.’

બિહાર અને ઝારખંડ એનસીસીના એડિશનલ ડિરેક્ટર જનરલ મેજર જનરલ એમ. ઇન્દ્રબાલાનએ ફીલ્ડ પરના તેમના અનુભવો જણાવ્યાં હતાં અને એ બાબત પર ભાર મૂક્યો હતો કે, સર્જનાત્મકતા એ શિક્ષણનું સર્વોચ્ચ શિખર છે.

હોલોસ્યૂટના સીઇઓ હર્ષ કીકકરીએ તેમની રજૂઆત દરમિયાન ઑગ્મેન્ટેડ રીયાલિટી અને વર્ચ્યુઅલ રીયાલિટી અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘યુઝરોને ઊંડાણપૂર્વકનો અનુભવ પૂરો પાડવા માટે અમે કૉર ટેકનોલોજીઓનું નિર્માણ કરી રહ્યાં છીએ. એક રીતે જેમ ફેસબૂકે મનોરંજન માટે કામ કર્યું છે તેમ અમે સમય અને સ્થળના અવરોધોને દૂર કરીને હેલ્થકૅર, શિક્ષણ, કૌશલ્યવિકાસ અને તાલીમની દિશામાં કામ કરી રહ્યાં છીએ.’

લેફ્ટેનેન્ટ જનરલ બી. એસ. જસવાલ કે જેમણે ટૂંકા સેશનને સંબોધિત કર્યું હતું, તેમણે પણ સંરક્ષણ ઉત્પાદનમાં આવી રહેલા ધરમૂળથી પરિવર્તન અંગે વાત કરી હતી અને ભવિષ્યના જોખમો સંબંધિત વિશ્લેષણ અને વૈશ્વિક સંરક્ષણ ખર્ચ પર ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આપણી ક્ષમતા અને સામર્થ્યને સુધારવા માટે આપણે આત્મનિર્ભર ભારતની જરૂર છે. આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અગ્રેસર છીએ.’



AVSM (નિવૃત્ત), નેવલ ગ્રૂપ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રીયર એડમિરલ રાહુલ કુમાર શ્રાવતએ જણાવ્યું હતું કે, ‘ઇન્ડિયન નેવીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાઇબર સિક્યુરિટી જેવી આધુનિક ટેકનોલોજીઓ માટે ઘણો અવકાશ છે. ભારત જહાજોના નિર્માણના મામલે આત્મનિર્ભર બની ગયો છે. હાલમાં ભારતીય જહાજવાડાઓમાં 40 જેટલા જહાજોનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.’

- Advertisement -

જાહેરખબરોના ટોચના નિર્માતા પ્રહ્લાદ કક્કડે જાહેરખબરો બનાવવામાં ડીઝાઇનની ભૂમિકા અંગે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘અમે વિઝ્યુઅલ આર્ટમાં ડીઝાઇન શીખવીએ છીએ. ડીઝાઇન એટલે લોકોને જકડી રાખનારું તત્ત્વ. અને આ પ્રકારનું જકડી રાખનારું તત્ત્વ પરસ્પર સંવાદાત્મક હોવું જોઇએ. ડીઝાઇનમાં જે સૌથી મહત્ત્વનું પાસું છે, તે મૂલ્યવર્ધન છે, એક સ્વતંત્ર વિચારક તરીકે મૂલ્યનું સર્જન કરો અને ડીઝાઇન મારફતે મૂલ્યવર્ધન કરો.’

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના પૉલિસી એન્ડ બિઝનેસમાં સ્પેસ લીડરશિપના ક્લિનિકલ પ્રોફેસર ડૉ. ગ્રેગ ઑટ્રી, ડીઝાઇન – પેટીએમના એસોશિયેટ વાઇસ પ્રેસિડેન્ટ ક્ષિતિજ આનંદ, સ્કેરક્રો કમ્યુનિકેશન્સના સ્થાપક, ડિરેક્ટર મનિષ ભટ્ટ અને બંદના જૈન સ્ટુડિયોના સ્થાપક સુશ્રી બંદના જૈન જેવા ઉદ્યોગજગતના દિગ્ગજોએ સહભાગીઓને ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી હતી.

સંરક્ષણ અને ડીઝાઇન સંબંધિત વૈવિધ્યપૂર્ણ વિષયો પરના વક્તાઓના ઊંડાણપૂર્વકના અને વિગતવાર સેશનો ઉપરાંત, ADW 3.0ના બીજા દિવસે અચ્યુત પાલવ દ્વારા ‘કેલિગ્રાફી’ તથા ચંદ્રકાંત સોનાવણે દ્વારા કોસ્ચ્યુમ ડીઝાઇનિંગ પરની વર્કશોપની શ્રેણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક કલાકારોએ તેમની કલા અને હસ્તકલાને પણ રજૂ કરી હતી.



શાહ રશીદ અહેમદ કાદરી બિદ્રી હસ્તકલા સાથે સંકળાયેલા જાણીતા પરિવારમાંથી આવે છે. ‘બિદ્રીવેર’ શબ્દ બિદર ટાઉનશિપમાંથી ઉદ્ભવ્યો છે, જે હજુ પણ વિશિષ્ટ પ્રકારના ધાતુના વાસણોના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. તેની ખૂબ જ આકર્ષક જડતર કલાકૃતિને કારણે બિદરીવેર એ ભારતમાંથી નિકાસ થતી મહત્ત્વ હસ્તકલા છે અને તે સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે.

- Advertisement -

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા જયપુર સ્થિત કમલેશ જાંગિડ ઘઉંના દાણા જેટલા નાના છીપલા પર મહાન ઇતિહાસકથાઓ અને દંતકથાઓને ઉત્કીર્ણ કરીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. કચ્છના વણકર, વણકર સુરેશ પરબતે તેમના કાર્યને રજૂ કરીને ‘કચ્છના વણાટકામ’ની સુંદર અને બારીક હસ્તકલાને રજૂ કરી હતી. તો કચ્છના અબ્દુલ જબ્બાર ખત્રીએ બ્લૉક પ્રિન્ટ કરેલા કપડાં પર પરંપરાગત અને ખૂબ જ પ્રચલિત અજરખ પ્રિન્ટિંગને પ્રદર્શિત કર્યું હતું.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular