હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): થોડા દિવસ પૂર્વે પલસાણાના જોળવા ખાતે 11 વર્ષની એક કિશોરીનું અપહરણ કરી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરનારાને પોલીસે દબોચી તો લીધો પણ તે ગુનો કબૂલતો ન હતો. તેવા સમયે પોલીસે એવી ત્રણ વસ્તુ તેની સામે મૂકી કે આરોપી ગુનો કબૂલવા મજબૂર બન્યો. આખરે પોતે આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી.

સુરત રેન્જના આઇજીપી ડો. રાજકુમાર પાંડિયને કહ્યું કે ઘટનાની જાણ થતાની સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ નરાધમે જે રૂમમાં કિશોરી સાથે દુષ્કર્મ કર્યું તું તે રૂમને તાળું મારી તે જતો રહ્યો હતો. આ તાળું નવું નક્કોર હતું. આ વાત પર નજર કેન્દ્રીત થઈ. આજુ બાજુમાં તાળાં કેટલી દુકાને મળે છે? તે મુદ્દે એક ટીમ કામે લાગી. એક દુકાનદારે કહ્યું મારે ત્યાંથી એક વ્યક્તિ તાળું ખરીદી ગયો છે. પણ, એ દુકાન પર સીસી ટીવી કેમેરા ન હતા. જેથી પોલીસે આ દુકાનના રસ્તે કોઇ જગ્યાએ સીસી ટીવી કેમેરા છે કે કેમ? એ ચેક કર્યું. રસ્તામાં એક ડાઇંગ મિલના સીસી ટીવી કેમેરા હતા. જેમાં જોયું તો આ નરાધમ જતો જોવા મળ્યો હતો. જેમાં તેની ચાલવાની ટિપિકલ સ્ટાઇલ જોવા મળી. ડાબો હાથ સ્થિર ને જમણો હાથ હલનચલન કરે એ રીતે તે ચાલતો હતો. કેમેરામાં જોયા પછી પોલીસે આ આરોપીને આઠ-દસ વખત ચલાવીને જોયું તો તેની ચાલ નક્કી થઈ ગઈ.
પછી પોલીસે પૂછ્યું કે કોઈ દુકાન પર કાંઈ ખરીદવા ગયો હતો? તો આરોપી દયાચંદ ઉમરાવ પટેલે કહ્યું હું બીડી ખરીદવા ગયો હતો. દસ બંડલ બીડી લાવ્યો હતો. એ બીડી ક્યાં એવું પૂછ્યું તો પોલીસ લઈ ગઈ તેવો જવાબ આપ્યો હતો. એ સાથે જ પોલીસની એક ટીમ આ આરોપીને લઈ દુકાન શોધવા નીકળી હતી. પણ વાસ્તવમાં આરોપી દુકાન પર બીડી લેવા ગયો જ ન હતો.
આ રીતે નવું તાળું, બીડીની ખરીદી અને ચાલવાની ટિપિકલ સ્ટાઇલને કેન્દ્રમાં રાખી પોલીસે આકરી પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












