Monday, June 22, 2026
HomeGeneralએક DySPએ પોતાના સાથીઓને વોટ્સએપ મેસેજ મોક્લ્યો મારે મદદની જરૂર છે

એક DySPએ પોતાના સાથીઓને વોટ્સએપ મેસેજ મોક્લ્યો મારે મદદની જરૂર છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણે એવું માની લીધુ છે કે જેમની પાસે સત્તા છે તેઓ પ્રમાણિક હોઈ શકે જ નહીં, જેને તક મળે તેઓ પોતાની સત્તાનો ઉપયોગ કરી પૈસા કમાવી લે છે, પણ આ સંપૂર્ણ સત્ય નથી. જેની મનમાં આપણને પણ ખબર છે. આપણી આસપાસ જ આવા અનેક લોકો છે, જેઓ ભાર વગરની પ્રમાણિક જીંદગીને જીવ્યા અને તેમણે પોતે પ્રમાણિકતાને કારણે કેવી પરેશાની સહન કરી તેની ફરિયાદ પણ કરી નથી, છતાં આપણું ધ્યાન તેમની તરફ જવાને બદલે કોણ પોતાની સત્તાને કારણે કેવી રીતે પૈસાપાત્ર બન્યો તેની તરફ ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ. જેના કારણે વાહ વાહી પ્રમાણિકતાની થવાને બદલે આડતકરી રીતે જેઓ અપ્રમાણિક જીવન જીવ્યા તેમની જ વાહ વાહી થાય છે. આપણે માનીએ છીએ કે પોલીસ એટલે ભ્રષ્ટાચારનો પર્યાય છે, આ ખુબ અધુરી માહિતી છે. કારણ દેશ અને રાજયના ભ્રષ્ટ વિભાગમાં પોલીસમાં નંબર 18-19માં સ્થાને આવે છે, પરંતુ પોલીસને લાંચ આપનાર કાયમ દુખી હોવાને કારણે ચર્ચામાં કાયમ પોલીસ જ રહે છે.



મારા પરિચયમાં ઘણા આઈપીએસ અધિકારીઓ છે, જેઓ પોતાની કેરીયર શરૂ કરી અને પુરી કરી ત્યાં સુધી તેઓ પ્રમાણિકપણે જીવ્યા છે. જોકે એક આઈપીએસ અધિકારી માટે જીવનભર પ્રમાણિક રહેવું સહેલું છે, તેવું મારા અનુભવથી લાગે છે. કારણ તેમને અપ્રત્યક્ષ રીતે પણ અપ્રમાણિક થવા માટે કોઈ ફરજ પાડી શકતુ નથી. એક આઈપીએસ અધિકારીએ મને કહ્યું કે હું પ્રમાણિકપણે કામ કરૂ તો પણ એક સામાન્ય નોકરિયાત કરતા મને મહિને 25-30 હજારનો ફાયદો થાય છે કારણ મારે ભાડુ-લાઈટ બીલ ભરવાનું નથી, હું કયાંક બહાર નિકળુ તો મારા સાથી કર્મચારીઓ મારી કાળજી લે છે, આમ એક એક આઈપીએસ અધિકારી પ્રમાણિક રહે તો મને લાગે છે, ઉત્તમ હોવા છતાં તેમને ઓછી પરેશાનીનો સામનો કરવો પડે છે, પણ નાના દરજ્જાનો અધિકારી પ્રમાણિક રહે તો તેમના માટે ખાસ્સુ મુશ્કેલ કામ છે.

2001માં પોલીસ સબઈન્સપેકટર તરીકે ભરતી થયેલા એક પોલીસ અધિકારીએ નક્કી કર્યું કે તેઓ પગાર સિવાયની કોઈ રકમને હાથ લગાડશે નહીં. તેમણે પીએસઆઈ તરીકે પોતાની પ્રમાણિકતા જાળવી, પોલીસ ઈન્સપેકટર તરીકે પણ તેઓ પહેલા જેવા જ રહ્યા અને આજે ડેપ્યુટી એસપી તરીકે પણ તેઓ પોતાની જાતને સાચવી શકયા છે પણ હવે બન્યુ એવુ કે તેમની દીકરીને વિદેશ ભણવા જવું છે, તેમને 25 લાખની જરૂર છે. જે માણસ પ્રમાણિકપણે જીવ્યો હોય તે લોન વગર આટલી રકમની વ્યવસ્થા કરી શકે નહીં. આ પોલીસ અધિકારીએ પોતાના સાથી અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં પોતાની સમસ્યા લખી અને કહ્યું મારે મદદની જરૂર છે. પહેલા તો બધાએ માની લીધુ કે તે પૈસા માંગશે પછી તેમણે લખ્યું કે મારી પાસે એક ઘર છે જે હું વેચવા માગુ છું. મારૂ ઘર સારા પૈસામાં વેચાય તો હું મારી દીકરીને વિદેશ ભણવા મોકલી શકું તે માટે મને મદદ કરશો. તેમણે લખ્યું કે ઘર વેચાઈ જાય પછી મારે ભાડાના ઘરમાં રહેવું પડશે તેનો મને કોઈ સંકોચ નથી અને કોઈ ફરિયાદ પણ નથી.



આમ પ્રમાણિકતા બહુ સહજ હોવા છતાં તમામ માણસ પ્રમાણિકતાને પોષી શકતા નથી. કારણ પ્રમાણિકતા બહુ મોંધો શોખ છે પ્રમાણિકતા પોતાની સાથે દરીદ્રતા પણ લાવે છે, પણ તેની પ્રમાણિકતા રાખનારે ફરિયાદ કરવાની નથી, બે પ્રકારના પ્રમાણિક માણસો અને અધિકારીઓ જોયા છે. પહેલો વર્ગ એવો છે કે જેઓ પ્રમાણિક છે તેમનું તેમને ગૌરવ અને અભિમાન નથી, તેઓ પ્રમાણિકતાને બહુ વ્યકિગત માને છે. જેઓ પ્રમાણિક નથી તેમની સામે તેમનો વિરોધ અને નારાજગી પણ નથી. બીજો પ્રમાણિક વર્ગ એવો છે કે તે પ્રમાણિક છે તે કંઈક ઐતિહાસીક બાબત છે તે રીતે પોતાને રજુ કરે છે. પોતે પ્રમાણિક રહી દેશ અને સમાજ ઉપર ઉપકાર કર્યો છે તેવા ભાર સાથે તે જીંદગી જીવે છે અને તે ભાર આપણા ખભા ઉપર મુકવાનો પણ તે પ્રયાસ કરે છે. આ પ્રકારના પ્રમાણિક માણસ અધિકારીઓ બહુ કંટાળાજનક હોય છે કારણ તેમને પ્રમાણિકતાનો કૈફ હોય છે. જે માણસ દારૂ પીધા પછી પાગલ થાય તે તો કલાક બે કલાકનો સવાલ હોય છે પરંતુ પ્રમાણિકતાનો કૈફ 365 દિવસ રહે છે.

- Advertisement -

મેં આ પ્રકારના અનેક પ્રમાણિક જોયા છે, જેઓ પોતાની પ્રમાણિકતાની ગાથા સંભળાવે તેમાં તેમની બહાદુરી સાથે તેમણે પ્રમાણિક રહેવાને કારણે કેટલું નુકસાન કર્યુ તેનો રંજ હોય છે. પ્રમાણિક રહેવાને કારણે તકલીફ પડશે પણ તેની ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી કારણ આ રસ્તો બહુ વ્યકિતગત છે. પ્રમાણિકતા નેશનલ હાઈવે નથી એક કેડી છે, તેની ઉપર બીજા ચાલે તો સારી બાબત છે, પણ આપણા કોઈને ફરજ પાડી શકાય નહીં, અને જેઓ ચાલે છે તેમણે પણ આ કેડી ઉપર મોર્નીંગ વોક કરતા હોય એટલી સહજતાથી ચાલવુ જોઈએ. મારો મિત્ર વિવેક દેસાઈ જે હાલમાં નવજીવન ટ્રસ્ટનો મેનેજીંગ ટ્રસ્ટી છે, તેના દાદા ઠાકોરભાઈ દેસાઈ ગુજરાતના પહેલા ગૃહમંત્રી હતા. ઠાકોરભાઈના દિકરા જીતેન્દ્ર દેસાઈ પણ પિતા ગૃહમંત્રી છે તેનો ભાર લઈ ફર્યા નહીં અને વિવેકના મોંઢે મેં કયારેય તેના દાદા ગુજરાતના પહેલા ગૃહમંત્રી હતા તેવુ સાંભળ્યુ નથી. આજે આપણે જે રાજનેતાઓ જોયા છે તેમની રહેણીકરણી અને તેમની પેઢીઓને આપણે જોઈ છે, પણ આપણે એક એવી વ્યવસ્થામાં જનમ્યા છીએ જ્યાં સારા માણસો પણ જેઓ પોતાની સારપને સંતાડી ખુણામાં ઉભા છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular