પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આમ તો આ બહુ જુની વાત, જાણિતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટે વર્ષો પહેલા આ વાત લખી હતી, વિનોદ ભટ્ટના હાસ્યમાં પણ તાકાત હતી કે તે ગંભીર બાબત પણ આપણને સહજ રીતે સમજાવી શકતા હતા. વ્યવસાયે તો તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ હતા પણ તેમનો લગાવ કાયમ ભાષા પ્રત્યે રહ્યો હતો, અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં અગાઉ રહેતા હતા, ત્યાં જ કાંકરિયા તળાવ પણ આવેલુ છે, ત્યાં આજે પણ મોટી સંખ્યામાં નજીકમાં રહેતા લોકો મોર્નીંગ વૉક કરવા આવે છે, આ મોર્નીંગ વૉકરના વ્યવહારનું ઓબઝર્વેશન કરી એક હાસ્ય લેખ લખ્ય હતો, વિનોદ ભટ્ટે નોંધ્યુ હતું કે કાંકરિયા તળાવ ઉપર ઘણા વૉકર્સ પોતાના પાલતુ કુતરા સાથે વૉક લેવા આવે છે, હાથમાં પાલતુ કુતરાનો પટ્ટો પકડી ચાલતો માલિક ગુજરાતી છે કે બીનગુજરાતી કેવી રીતે ખબર પડે, વિનોદભાઈએ લખ્યું હતું કે, દરેક કુતરાના માલિક પોતાના કુતરા સાથે વાત કરતા હતા અને ખાસ કરી આદેશ પણ આપતા હતા, કાંકરિયાની નજીક દક્ષિણી સોસાયટી પણ આવેલી છે ત્યાં મહારાષ્ટ્રીય વસ્તી પણ છે.
કાંકરિયા તળાવ ઉપર ઘણા મરાઠી ભાષી પણ પોતાના પાલતુ કુતરા સાથે વૉક લેતા હતા, જો કે તમે રસ્તા ઉપર પાલતુ કુતરુ લઈ વૉક કરતા લોકોને જુવો તો નક્કી કરવુ અધરું હોય છે કે કુતરાને માલિક વૉક કરાવી રહ્યા છે કે કુતરુ માલિકને વૉક કરાવી રહ્યું છે, ખેર આ એક અલગ મુદ્દો છે પણ વિનોદ ભટ્ટે લખ્યુ હતું કે કુતરા સાથે વૉક કરી રહેલો માલિક જો પોતાના કુતરાને અંગ્રેજીમાં આદેશ આપે તો નક્કી સમજી લેવું કે તેનો માલિક ગુજરાતી છે. વિનોદભાઈ બહુ ગંભીર બાબત હાસ્ય દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે, આ વાત તેમણે વર્ષો પહેલા લખી હતી પણ આજે પણ એટલી જ સત્ય છે, મેં પણ જોયું છે કે ગુજરાતી માણસ પોતાના પાલતુ કુતરા સાથે કાયમ અંગ્રેજીમાં જ બોલે છે, વિનોદભાઈ નોંધે છે કે કાંકરિયા તળાવ ઉપર ફરતો મરાઠી માણસ પોતાના કુતરાને આદેશ પણ મરાઠીમાં જ આપે છે કારણ તેમના કુતરાને મરાઠી પણ આવડે છે.
ગુજરાતી માણસ માને છે કે તેનું પાલતુ ડૉગ માત્ર અંગ્રેજી જ સમજે છે, ખરેખર કુતરાને કેટલી ભાષા સમજાય છે તેની આપણને ખબર જ નથી, પણ આપણે મોટા ભાગના કિસ્સામાં જે ડૉગને પાલતુ બનાવીએ છીએ તે વિદેશ નસલ હોવાને કારણે આપણે માની લીધુ છે કે તેને અંગ્રેજી ભાષા જ આવડે છે. જ્યારે આપણી સોસાયટી કે ગામમાં રહેતા શેરી કુતરા સાથે આપણે અંગ્રેજીમાં વાત કરતા નથી, કારણ તે દેશી કુતરા હોવાને કારણે આપણે માની લીધુ છે કે દેશી કુતરાને ગુજરાતી આવડે છે, પણ જેમની માતૃભાષા ગુજરાતી નથી, તેવા પરિવારમાં મેં જોયુ છે તેઓ પોતાના પાલતુ કુતરા સાથે પોતાની જ ભાષામાં વાત કરે છે, આમ કુતરાને તમામ પ્રાદેશીક ભાષા સમજાય છે, મારી વ્યકિતગત વાત કરુ તો મારા ઘરની ભાષા મરાઠી છે અને મારા દાદા-મારા પિતા અને મેં ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કર્યો છે. જ્યારે મારા સંતાનોને શાળામાં મુકવાનો પ્રશ્ન આવ્યો ત્યારે ઘરમાં ચર્ચા થઈ કે આપણા સંતાનો કયા માધ્યમમાં અભ્યાસ કરશે.
સ્વભાવીક અન્ય બાળકોને અંગ્રેજી માધ્યમમાં જોઈ મારી પત્નીનો મત બાળકો અંગ્રેજી માધ્યમમાં જાય તેવો હતો, પણ અમારી વચ્ચે ચર્ચા થઈ મેં કહ્યું આપણે ઘરમાં મરાઠી ભાષામાં વાત કરીએ, ગુજરાતમાં હું આઠમી પેઢી હોવા છતાં હજી અમારા ઘરની ભાષા મરાઠી રહી છે, પણ મને કયારે વિચાર અને સ્વપ્ન મરાઠીમાં આવતું નથી, હું જયારે કોઈક બાબતનો વિચાર કરુ તો તે પ્રક્રિયા ગુજરાતીમાં જ થાય છે અને સ્વપ્ન આવે તો ગુજરાતીમાં જ આવે છે, મેં કહ્યું આપણને જ્યારે વિચાર અને સ્વપ્ન ગુજરાતીમાં જ આવે છે તો શા માટે આપણા બાળકોએ અંગ્રેજી માધ્યમમાં ભણવુ, અંગ્રેજી પ્રત્યે કોઈ ગુસ્સો અને નારાજગી નથી. અન્ય ભાષાની જેમ અંગ્રેજી પણ એક ભાષા છે, આપણે જેટલી વધુ ભાષા ભણીએ તે સારી બાબત છે પરંતુ તે આપણી વિચારોની ભાષા છે તે જ ભણીએ નહીં તો મને લાગે છે આપણે પોતાની ભાષાની સાથે પોતાને પણ નુકસાન કરીશુ આખરે અમે એક મત થઈ અમારા સંતાનોને ગુજરાતી માધ્યમમાં મુકયા અને તેમણે પોતાનો અભ્યાસ પણ પુર્ણ કર્યો.
આપણે એવી દ્વીધામાંથી પસાર થઈ છે કે આપણને સારી ગુજરાતી આવડતી નથી તેવું આપણે ગૌરવપુર્વક કહીએ છીએ, અને અંગ્રેજીમાં આપણને તકલીફ પડે છે તેવું કહેતા આપણને સંકોચ થાય છે. ભાષા તો સંવાદનું માધ્યમ છે, 2008માં હું દિવ્ય ભાસ્કરમાં નોકરી કરતો હતો, મનેં ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના તંત્રી ભરત દેસાઈનો ફોન આવ્યો, હું મળવા ગયો તેમણે મને કહ્યું અમારી સાથે કામ કરશો, મેં કહ્યુ હું અંગ્રેજીમાં લખતો નથી અને અંગ્રેજી બોલતો નથી, તેમણે મને કહ્યું ભાષા ગૌણ છે, પણ તમારી પાસે રિપોર્ટીંગની જે તાકાત અને માહિતીનો સ્ત્રોત છે તે મહત્વનો છે, તમે અંગ્રેજીમાં લખતા નહીં પણ અમારી સાથે જોડાઈ જાવ અને હું ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં જોડાઈ ગયો અને ભારતનો એવો પહેલો રિપોર્ટર હતો કે હું અંગ્રેજીમાં લખતો ન્હોતો છતાં મેં સાત વર્ષ સુધી ટાઈમ્સમાં કામ કર્યું, હું અંગ્રેજીમાં લખી શકું તો ઉત્તમ બાબત છે પણ હું અંગ્રેજીમાં લખી શકતો નથી તેની લધુતાગ્રંથી પણ હોવી જોઈએ નહીં.
આ વિષય ઉપર લખવાનું ખાસ કારણ ગુજરાત સરકારે જાહેર સ્થળો ઉપર લાગેલા બોર્ડ ગુજરાતીમાં લખવાનો પરિપત્ર કર્યો છે, સરકારનો પ્રયાસ ગુજરાતીને જીવંત રાખવાનો છે, તેનો પ્રશ્ન નથી પણ માત્ર બોર્ડ ગુજરાતીમાં લખવાથી ગુજરાતી ભાષા બચી જશે અથવા સમૃધ્ધ રહેશે તે પ્રશ્ન જુદો છે. વડોદરામાં કલેકટર તરીકે ભાગ્યેશ ઝા હતા ત્યારે તેમણે એવી જાહેરાંત કરી કે જો કોઈ દુકાનદાર પોતાના બોર્ડ ગુજરાતીમાં લખશે તો તેનું ઉદ્દઘાટન કરવા તેઓ પોતે આવશે, આવા અનેક પ્રયાસો વિવિધ તબ્બકે થયા છે, સરકારના આ નિર્ણય પછી ટેલીવીઝન ચેનલ્સમાં ચાલી રહેલી ડીબેટ હું જોઈ રહ્યો હતો. જેમાં જે મિત્રો કઈ રીતે ગુજરાતી ભાષાને બચાવી શકાય તેની ચર્ચામાં સામેલ હતા, તેમના બાળકોને તેઓ અંગ્રેજી માધ્યમાં ભણાવે છે અથવા ભણાવી ચુકયા છે તેની મને ખબર છે.
જાહેર ચર્ચાંમાં આપણે ગુજરાતી ભાષાનો પક્ષ લેતા હોઈએ છીએ, પરંતુ એક પાલક તરીકે જ્યારે સંતાનને કયા માધ્યમમાં ભણાવવું તેવો નિર્ણય લેવાનો આવે ત્યારે મનમાં સંતાન પાછળ રહી જશે તેવા ડરની સાથે ગુજરાતી માધ્યમનો સંકોચ પણ રહેલો હોય છે. એટલે એકલી સરકાર સરકાર ભાષાને બચાવી લેશે તેવું કયારેય થવાનું નથી, વાત માત્ર ભાષાની નથી, ભાષાની સાથે જીવન શૈલી પણ જોડાયેલી છે, જો ગુજરાતી ભાષા જીવંત રહેશે નહીં તો ગુજરાતી જીવન શૈલી પણ મૃતપ્રાય થશે તેમાં કોઈ શંકા નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












