નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) થતા આંતરિક રાજકારણથી થાકી ઘણા સંનિષ્ઠ કાર્યકરો અને નેતાઓ પક્ષ સાથે છેડો ફાડવા લાગ્યા છે. હાલમાં જ ગુજરાત કોંગ્રેસના આક્રમક અને લડવૈયા નેતા એવા જયરાજસિંહ (JAYRAJSINH PARMAR) કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના અહેવાલોએ ભારે ઉહાપોહ મચાવ્યો છે. શાંત રાજકીય તળાવમાં જયરાજસિંહના પક્ષપલ્ટાની વાતે તળાવ ડહોળી નાખ્યું છે ત્યારે જયરાજસિંહ અચાનક કેમ પક્ષ છોડે છે જેઓ 37 વર્ષ સુધી કોંગ્રેસનો હિસ્સો રહ્યા તેના સવાલો લોકો અને તેમના સાથીઓ વચ્ચે ચર્ચાતા હતા. આ દરમિયાનમાં તેમણે ખાસ પોતાના શુભેચ્છકો અને સાથીઓને સંબોધીને એક સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે. જેમાં તેમણે પોતાના મનની વાત મુકી છે. જયરાજસિંહનું (Jayrajsinh Parmar Congress) કોંગ્રેસ છોડી ભાજપમાં જવું તે એક મોટી ખોટ કોંગ્રેસ માટે કહી શકાય તેમ છે કારણ કે આ નેતાએ લાંબો સમય સુધી પક્ષ માટે કામ કર્યું પરંતુ હવે થાકી હારીને પક્ષ ત્યજી રહ્યા હોવાની વિગતોએ અન્ય કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો માટે પણ વિચારવાના કારણો આપી દીધા છે.
જયરાજસિંહ પરમારે પોતાના ટેકેદારો અને શુભેચ્છકો તથા કાર્યકરોને સંબોધીને લખ્યું છે કે, આપ સૌ સાક્ષી છો કે કોંગ્રેસ પક્ષને હું હંમેશા મારો પ્રથમ પરિવાર સમજતો હતો. દીલ અને દીમાગ બન્નેથી હું 24×7 પક્ષ માટે લડ્યો પણ છું અને જીવ્યો પણ છું. પક્ષે શું આપ્યું એની ચિંતા કર્યા વગર મેં પક્ષને મારૂ સર્વસ્વ સોંપી દીધું. જયરાજસિંહનો ઉપયોગ ઢાલ તરીકે કરવો કે તલવાર તરીકે એનો નિર્ણય મેં પક્ષના સેનાપતિઓ પર છોડી એક વફાદાર સૈનિકનું કર્તવ્ય નિભાવ્યું છે. વિદ્યાર્થી કાળે રાજકારણમાં પગ મુક્યો ત્યારથી આજ દીન સુધી વૈચારિક સ્તરે હવાની ઉલટી દીશામાં પતંગ ચગાવવા જેવી કપરી સ્થિતિમાં પુરી શક્તિ અને ક્ષમતાથી કામ કરતો રહ્યો છું.
તેમણે કહ્યું કે, વૈચારિક ધરાતલ પર હાથવગુ હથિયાર લઈ મેદાને પડી જવામાં મેં ક્યારેય ખચકાટ અનુભવ્યો નથી. કોંગ્રેસ પક્ષની ઢાલ બનીને સડકથી લઈ મીડીયા અને સોશીયલ મીડિયા સુધી દિવસ રાત જોયા વગર ઝઝુમતો રહ્યો છું. પક્ષ સાચો હોય કે ખોટો એનો બચાવ કરવામાં પાછું વળીને જોયું નથી. વિરોધીઓના ઘા સામી છાતીએ અને પોતાનાં લોકોના ઘા પીઠ પર ઝીલતો રહ્યો પણ હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી. જીંદગીના મહામુલા 37 વર્ષ કોંગ્રેસ પક્ષ માટે ખપાવી દીધા. યુવાવસ્થાની મસ્તી, પત્ની અને પુત્ર સહિત પરિવાર સાથે વિતાવવાનો સમય તથા વ્યવસાયિક ઉદેશ બધા કરતાં કોંગ્રેસને પ્રાથમિકતા આપી. જીવન માણવા અને જીવવાના વિકલ્પ પૈકી પક્ષને જીવતો રાખવા જાતને ખપાવી દેવાનું વધુ યોગ્ય માન્યું હતું. પણ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહીં પરંતુ લડવા નહીં માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે. મારા અને તારા વચ્ચે ખુવાર થતી સારા કાર્યકરોની વફાદારી જોઈ થાક્યો છું. પરાજય પસંદ નેતાઓની હારને ગળે વળગાડી પક્ષની જીત માટે ઝઝુમતા કાર્યકરોને અળગા કરી દેતી માનસિકતા સામે થાક્યો છું. પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ “વારા પછી વારો, તારા પછી મારો”ના સ્વાર્થીપણાના ભારથી હવે થાક્યો છું.
કોંગ્રેસ પક્ષને પોતાની અંગત મિલ્કત સમજી વરસોથી કબજો જમાવી બેઠેલા લોકોના માલિકી હક્ક સામે જ્યારે જરૂર પડી મેં અનેક વખત અળખામણા થઈને પણ અવાજ ઉઠાવ્યો છે. પક્ષને સત્તામાં આવતો જોવાની જીજીવીશા લઈને નહીં પણ પક્ષ જીવતો રહે એની બેચેની સાથે એમાં પ્રાણ પુરવાના અથક પ્રયત્નો મેં કર્યા છે. વ્યક્તિગત નુકસાન ઉઠાવીને પણ સાચુ કહેવામાં પાછીપાની નથી કરી. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં આજે પણ પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાડવાની પરિપાટી જાળવી રાખી છે. ગુજરાતનો કોઈપણ જિલ્લો કે શહેર જોઈ લો તમને જાજમનો છેડો દબાવીને બેઠેલા એના એ જુના પુરાણા ચહેરાઓ નજરે પડશે.
જુદી જુદી સમિતિઓ બનાવવાની હોય, નિરીક્ષકો નીમવાના હોય, ચૂંટણી લડનારાઓની યાદી બનાવવાની હોય હંમેશા વર્ષો સુધી જુની યાદીની ઝેરોક્ષ કરાવી માથે મરાય છે. હા, જવાબદારીઓ બદલાય પણ બદલાયેલા સ્થાને ચહેરાતો એના એ જ સામે આવે છે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી એમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે. કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કુવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ છે. મોટા ભાગના મહાનગરોમાં વિરોધપક્ષનો દરજ્જો મેળવવાના પણ ફાંફા છે છતાં બહારની વાસ્તવિકતા સમજવા જ તૈયાર નથી. બીજી હરોળ ઊભી થાય તો પોતાનો ગરાસ લૂંટાઈ જાય એવું જાણતા નેતાઓએ કોંગ્રેસના કી-બોર્ડમાંથી રિફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યું છે. નવું સ્વીકારવા, નવું વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે જેના કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે.
અનિર્ણાયકતાનો રોગ પક્ષ માટે જીવલેણ નીવડશે એવા વારંવાર નિદાન થયા છતાં નિર્ણય લેવામાં ભીરૂતા અને શીથીલતા દેખાય છે. એક નિર્ણય કરવામાં મહીનાઓ લાગે કેમકે બધા જાગીરદારોના હિસ્સે સરખી વહેંચણીની મજબુરી હોય. આટલા મોટા અને જુનો પક્ષ બે વર્ષ સુધી પ્રદેશ માળખા સિવાય એડહોક ચાલે એમાં વાંક કોનો? પ્રદેશ માળખા વગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનું પરિણામ આપણે જોયું છે. માત્ર પ્રદેશ નહીં રાષ્ટ્રીય સ્તરે પણ આ સંક્રમણ મહામારી બની ફેલાઈ છે જેની રસી કદાચ કોઈ વૈજ્ઞાનિક પાસે નથી. કોંગ્રેસની સેના કાંતો સેનાપતિ વગર કાં સેનાપતિઓના ભારથી તૂટતી રહે અને આપણે કશું જ ના કરી શકીએ એ સ્થિતિ પીડાજનક છે.
તેમણે ભારે હૃદયે કહ્યું કે, અઢી દાયકાથી સત્તા વિરૂદ્ધ સંઘર્ષ કર્યો જ છે, મતલબ સત્તા મારો રાજકીય પ્રાણવાયુ નથી નથી ને નથી જ એટલે મને ગદ્દાર ના ગણતા.. 2007-2012-2017 કે 2019 ની ખેરાલુ વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ માંગી, પણ નથી મળી અને છતાંય એનો વસવસો રાખ્યા સિવાય પક્ષને વફાદાર રહ્યો. છેલ્લા દસેક વર્ષથી મારી ક્ષમતા મુજબનું સ્થાન સંગઠનમાં ઈરાદાપૂર્વક નહીં આપવા છતાં હું પક્ષની સાથે રહ્યો. કોંગ્રેસનો પક્ષ રાખવાની આક્રમકતાના કારણે એક પ્રતિષ્ઠીત ચેનલની ડીબેટ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો, ઢળી પડ્યો, સદનસીબે બચ્યો. આ ઘટના બાદ પરિવાર, મિત્રો અને શુભચિંતકો દ્વારા રાજકીય વ્યસ્તતા ઘટાડવા દુરાગ્રહ પણ થયો છતાં મારી પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં કમી ન્હોતી આવવા દીધી.
દોસ્તો હ્રદયરોગના હુમલાથી વિચલીત નહીં થયેલો તમારો જયરાજસિંહ પક્ષના આંતરિક માળખાથી-સીસ્ટમથી હારી ગયો છે. આ વેદના માત્ર મારી નથી લાખો સંનિષ્ઠ કાર્યકરોની છે, હું માત્ર વાચા આપી રહ્યો છું. સ્વમાનના ભોગે ઈન્દ્રનું આસન મળે તો એ પણ સ્વીકાર્ય નથી. તમારામાંથી ઘણા લોકો દુખી થશે, કદાચ નારાજ પણ થાય છતાં એક જયરાજસિંહના જવાથી જો પક્ષની વ્યવસ્થાઓ સુધરતી હોય, બહેરા કાને સામાન્ય કાર્યકરની પીડા સંભળાવાની હોય તો કોંગ્રેસને આખરી અલવિદા એ એકમાત્ર વિકલ્પ છે. પક્ષના કોઈ સાથીઓ સાથે વ્યક્તિગત મનભેદ નથી, 37 વર્ષના સંગાથના સારા સંભારણા દીલમાં લઈ વિદાય લઈ રહ્યો છું. ક્યાંય મારાથી દિલ દુભાયું હોય તો માફ કરશો..
સત્તા પાછળ નહીં દોડનાર અને સત્તાથી નહીં ડરનાર જયરાજસિંહ માટે કોંગ્રેસ એટલે એનો અદનો કાર્યકર. જેથી હું પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાના નિર્ણયની સૌ પ્રથમ જાણ આપને કરૂ છું અને ભગ્ન હૃદયે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.
તમામ સમર્થકો, શુભેચ્છકો, આલોચકો તથા કાર્યકર મિત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ…
આપનો જ,
જયરાજસિંહ પરમાર
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












