Monday, June 29, 2026
HomeGeneralસરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટની રમત કે બુકિંગની રમત ? સિન્ડિકેટ રમે છે...

સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટની રમત કે બુકિંગની રમત ? સિન્ડિકેટ રમે છે આવી રમત

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ક્રિકેટ રસીકો અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમથી પરિચીત જ હશે. સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) સંચાલિત સ્ટેડિયમ છે. જ્યાં ક્રિકેટની રમત રમવા માટે ભાડે સ્ટેડિયમ મેળવવા માટે ક્રિકેટ રસીકો ખાસી સંખ્યામાં હોય છે પણ આ ક્રિકેટ બુકિંગમાં કંઈક રંધાઈ જતુ હોય તેવું જણાઇ રહ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ બુકિંગને લઈ કેટલાક સવાલ પેદા થાય છે. ક્રિકેટની રમત-રમવા ઈચ્છતા લોકો મોટાભાગે શનિવાર અને રવિવારના દિવસે આયોજન કરતા હોય છે પણ આ દિવસોમાં કેટલાક ચોકક્સ લોકોની સિન્ડિકેટ ધાર્યા મુજબ રમત રમી પહેલથી જ બુકિંગ કરી ધંધો કરી જતા હોય તેવું જણાય છે.

- Advertisement -



સામાન્ય રીતે શનિવાર અને રવિવારે રજાનો માહોલ હોય આ દિવસો હોટ ફેવરિટ દિવસો ગણવામાં આવે છે. જેના કારણે આ દિવસોના બુકિંગ મેળવવા હોડ જામી હોય છે. આ સ્થિતીમાં બુકિંગની પ્રક્રિયા પર કેટલાક સવાલ પેદા થાય તેવી માહિતી મળી રહી છે. જેમાં સૌથી મોટું કારણ એ છે કે, શનિવાર અને રવિવારના દિવસોમાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓના નામે જ બુકિંગ જોવા મળે છે.

આ બાબતે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના ઈન્ચાર્જ દિપેન ગાંધી સાથે મુલાકાત કરી વાતચીત કરતા તેઓ એ જણાવ્યું કે, સ્ટેડિયમ બુકિંગ કરવા માટે 6 મહિના પહેલા બુકિંગ થઈ શકે છે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસોમાં વધારે બુકિંગ હોય રવિવારના દિવસનું બુકિંગ 7 મહિના પહેલા કરવામાં આવે છે. તેમજ આ બુકિંગ માટે ડ્રો સિસ્ટમથી બુકિંગ આપવામાં આવતું હોય છે.

- Advertisement -

7 મહિના પહેલા જ બુક કરવા ઈચ્છતા લોકને કેમ ખ્યાલ પડે કે તે દિવસે એક કરતા વધારે બુકિંગ હશે કે કેમ ? આ સવાલમાં ઈન્ચાર્જ દિપેન ગાંધી હાસ્યાસ્પદ જવાબ આપે છે કે, તે તમારે ધારી લેવાનું હોય. તેમજ સ્ટેડિયમ બુકિંગ કરવા માટે મહાનગરપાલિકાની કોઈ ગાઈડલાઈન છે કે કેમ તે પુછતા તેઓ એ કોઈ ગાઈડલાઈન નહીં હોવાનું જણાવ્યું હતુ.

હવે સવાલ એ ઉદભવે છે કે ડ્રો સિસ્ટમથી બુકિંગ અપાય છે તો શનિવાર અને રવિવારના દિવસોમાં બુકિંગ કેટલાક ચોક્કસ લોકોના જ નામે કેમ સામે આવે છે. વળી આ એક-બે કે પાંચ-દસ વખત સુધી અનાયાસે બને તેવું પણ જણાતું નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચોક્કસ નામો જ જોવા મળે છે.



- Advertisement -

આ બાબતે મજબુત સુત્રો જણાવે છે કે આ બુકિંગની સિન્ડિકેટ કાર્ય કરે છે તેનું આ પરિણામ છે. સિન્ડિકેટ એક કરતા વધારે બુકિંગ ફોર્મ નાખી ડ્રો સિસ્ટમથી જ શનિવાર અને રવિવારના બુકિંગ મેળવી લેતા હોય છે. સિન્ડિકેટ સભ્યોના જ એક કરતા વધારે ફોર્મ હોવાથી તેમનું જ નામ ડ્રો માં આવે તેવું સામાન્ય ગણિત છે. બાદમાં આ સિન્ડિકેટ અન્ય કોઈ લોકોને આ દિવસોમાં બુકિંગ જોઈતુ હોય તો વધારે પૈસા પડાવી લેતા હોય છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે એક એન.ઓ.સી.ની પણ ‘ગોળી’ બુકિંગ ઈચ્છુકોને અપાઈ રહી છે. જેમાં બુકિંગ કરવા ઈચ્છતા લોકોને શનિ-રવિવારના દિવસે બુકિંગ ન મળે તો જેમના નામે બુકિંગ છે તેનો સંપર્ક કરી સુલેહ કરી એન.ઓ.સી. મેળવવા કહેવાય છે. પરંતુ ઈન્ચાર્જ દિપેન ગાંધીના જણાવ્યા અનુસાર કોઈ પણ એન.ઓ.સી. ની સિસ્ટમ છે જ નહીં. તેમજ કોઈ પણ વ્યક્તિ પોતાનું બુકિંગ અન્ય પાર્ટીને પૈસા મેળવીને કે એન.ઓ.સી. આપીને સોદાબાજી કરી શકે નહીં.

ત્યારે સવાલ એ પેદા થાય છે કે જો આ તરકટ પાછળ કોઈ સિન્ડિકેટ છે તો આજ સુધી સ્ટેડીયમ ઈન્ચાર્જ અને મહાનગરપાલિકા તંત્રને કેમ જાણ નથી થઈ. માની લઈએ કે જાણ બહાર ચાલતું કારસ્તાન છે તો હવે આ લેખના માધ્યમથી મહાનગરપાલિકા તંત્રને જાણ થઈ જશે. આ મામલે તપાસ થાય છે અને સિન્ડિકેટનું તરકટ ખુલ્લુ પાડવા મહાનગરપાલીકા તંત્ર કાર્ય કરશે કે કેમ એ તો સમય જ બતાવશે. મહત્વની વાત છે કે સ્ટેડીયમમાં કેટલીક સિન્ડિકેટ જેવી પૈસા બનાવવાની રમત બંધ કરાવવા માટે તંત્ર એ કાર્યવાહી કરવી જોઈએ.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular