પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના આશ્રમરોડ ઉપર આવેલી હોટલ હયાતમાં એક ખાસ કાર્યક્રમનું અમદાવાદ પોલીસ અને ગુજરાત મીડિયા કલબ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અમદાવાદના વિવિધ માધ્યમોના વડા અને અમદાવાદ પોલીસના આઈપીએસ અધિકારીઓ હાજર હતા ત્યારે તમામ લોકોને એક SMS આવ્યો કે કોરાનાની સ્થિતિને કારણે કોવીડ સહાય યોજના અંતર્ગત તમારા બેન્ક એકાઉન્ટમાં 39911 રૂપિયા જમા થયા છે જેની વધુ જાણકારી માટે આપ આપેલી લીંક ઉપર ક્લીક કરશો ત્યાં હાજર અનેક લોકોને સહાયના આ મેસેજને કારણે આશ્ચર્ય થયુ હતું.
અમદાવાદ પોલીસ અને મીડિયા ક્લબના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલા કાર્યક્રમનો હેતુ એવો હતો કેવી રીતે પોલીસ અને માધ્યમો સાથે મળી લોકોના પ્રશ્નો ઉકેલવાની દિશામાં સાથે કામ કરી શકે, ગૃહરાજય મંત્રીની હાજરીમાં અમદાવાદ પોલીસ દ્વારા એક પ્રેઝન્ટેશન પણ રજુ કરવામાં આવ્યુ હતું કે વિવિધ મોરચે અમદાવાદ પોલીસ કઈ રીતે કામગીરી કરી રહી છે, તેની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસની સેવા કઈ રીતે સામાન્યજન સુધી પહોંચાડી શકાય તે સહિતના મુદ્દા અત્રે રજુ થયા હતા, તદ્દઉપરાંત અમદાવાદ પોલીસે કરેલી નોંધપાત્ર કામગીરીની ઝલક પણ રજુ કરવામાં આવી હતી.

અમદાવાદ પોલીસનું મુખ્ય લક્ષ્ય સાઈબર સંબંધી ગુના હતા. આ અંગે માહિતી આપવા સાયબર સેલના ડીસીપી અમીત વસાવાએ સાયબર સેલ કઈ રીતે કામ કરે અને કઈ રીતે સાયબર ગુનાઓ થાય છે તેનું ડેમોસ્ટ્રેશન પણ આપ્યુ હતું. જો કે હોટલના હોલમાં ત્યાં હાસ્યનું મોઝુ ફરી વળ્યુ જયારે ડીસીપી વસાવાએ કહ્યુ તમારા મોબાઈલ ફોન ઉપર અમે એક ફેક મેસેજ મોકલ્યો હતો જેમાં સહાયની વાત સાથે એક લીંક હતી. જો લીંકને તમે કલીક કરો તો તમારી માહિતી સાયબર ફ્રોડ કરનાર સુધી પહોંચી જાય છે, વસાવાએ કહ્યુ અમે અહિયા હાજર લોકોને મોકલાવેલા મેસેજમાંથી 27 વ્યકિતઓ એવી છે કે જેમણે મેસેજની લીંક કલીક કરી છે.
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યુ કે, “ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની સતત ઈચ્છા એવી રહી કે ટેકનોલોજીમાં માત્ર અપગ્રેડશન થાય એટલુ જ નહી પણ સામાન્ય માણસ સુધી સેવા તેમના ઘર સુધી પહોંચે જેના કારણ અમે એક મોબાઈલ એપનું નિર્માણ કર્યુ છે. જેમાં ‘પોલીસ તમારે દ્વારે’ તેવો હેતુ સિધ્ધ થશે, આ એપને હર્ષ સંઘવીએ લોંચ કરી હતી, હર્ષ સંઘવીએ સંબોધતા જણાવ્યુ હતું માધ્યમો અને પોલીસ સાથે મળી કામ કરે તો એક આદર્શ સ્થિતિ નિર્માણ થાય, લોકોને કઈ રીતે મદદરૂપ થવુ તે દિશામાં અમે કામ કરી રહ્યા છે. પાયલોટ પ્રોજેકટ તરીકે કોઈ વ્યકિતનું વાહન અથવા મોબાઈલ ચોરાય તો તેણે પોલીસ સ્ટેશન જવાને બદલે માત્ર એપનો ઉપયોગ કરી ફરિયાદ આપી શકે તેવી સ્થિતિ નિર્માણ કરવાનો અમારો પ્રયાસ છે.”
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












