હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રવિવારે રાત્રે મીડિયા સમક્ષ રાજ્યના લોકોને એક વિનંતી કરી, જેમાં પોતે બે હાથ જોડીને વિનંતી કરે છે કે પાસોદરામાં જે ઘટના બની એવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે પ્રત્યેક વ્યક્તિ ડર વગર પોલીસનો સંપર્ક કરે. પોલીસને માહિતી આપનારી વ્યક્તિની ગુપ્તતા જાળવવામાં કોઈ કચાશ નહીં રહે. ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ગૃહ મંત્રીએ આવી રીતે બે હાથ જડીને વિનંતી કરવાનો સમય કેમ આવ્યો, ખરેખર રાજકારણ કારણભૂત છે કે લાગણીશીલ સ્વભાવ તે જોવાનું રહ્યું.
સુરત નજીક પાસોદરામાં એક ખોફનાક ગુનેગારને શરમાવે તેવી ઘટના એક લબરમૂછિયાના કારણે બની છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ 20 વર્ષીય યુવાને યુવતીના ઘરે પહોંચી જઈ યુવતીના ભાઈ સહિત બે લોકોને પેટમાં ચપ્પુ હુલાવી દીધું અને સરાજાહેર યુવતીનું ગળું કાપી નાખ્યું. લોકો એકત્ર તો થઈ ચૂક્યા પણ આ પાગલપન ધરાવનારા યુવાનના હાથમાં ચપ્પુ હોવાથી કોઈ તેની નજીક પહોંચી શક્યું નહીં. પરિણામે યુવતીની હત્યા થઈ અને બે લોકો જીવન મરણ વચ્ચે ઝોંકા ખાઈ રહ્યા છે.
આ ઘટના બાદ રવિવારે સાંજે સાડા સાત વાગ્યે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસોદરા પહોંચ્યા હતા. જ્યાં મીડિયા સમક્ષ તેમણે આ બનાવને ગંભીર અને કમનસીબ ગણાવ્યા બાદ તાત્કાલિક અસરથી ચાર્જશીટ થાય અને ગુનેગારને આકરામાં આકરી સજા થાય તે માટે પૂરી ટીમ કાર્યરત હોવાની વાત કરી એ સાથે જ એક વાત એ પણ કરી કે આ ઘટનાને આપણે અટકાવી શક્યા હોત. જો કોઇએ પોલીસને જાણ કરી હોત તો. આ યુવાન સજ્જન પરિવારની પુત્રીને ઘણા સમયથી પરેશાન કરતો હતો. પુત્રીના પરિવારજનોએ યુવકને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા. આમ છતાં તે ન સમજ્યો એ સમયગાળામાં જો પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો સંભવતઃ યુવતીની હત્યા થતા રહી ગઈ હોત. આટલી વાત કહ્યા પછી હર્ષ સંઘવી રીતસર ભાવવિભોર બની ગયા હતા અને બે હાથ જોડી લોકોને વિનંતી કરી હતી કે આવી કોઇ ઘટના તમારા ધ્યાન પર આવે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરજો. પોલીસનો ડર રાખવાની જરૂર નથી. પોલીસ તમારી ઓળખાણ પણ થવા નહીં દે.
પોલીસને જાણ કરવા જતા લોકો ડરે છે કેમ
સામાન્ય સંજોગોમાં પોલીસ ફરિયાદીને જ આરોપી સમજી ખખડાવી નાખે છે. (તમામ કર્મચારી અને અધિકારીઓ આવું કરતા નથી, મોટા ભાગનાનો આવો અનુભવ લોકો કરી ચૂક્યા છે.) પ્રશ્નોનો મારો ચલાવે, તમારી દીકરી છે તેનું ધ્યાન તમે રાખી શકતા નથી તો અમે કેવી રીતે રાખીએ વગેરે વાતો કરી ફરિયાદીને ખખડાવીને કાઢી મૂકે છે. આ વરવી વાસ્તવિકતા છે. પરિણામે લોકો પોલીસ પાસે જતા ડરે છે. તેવા સંજોગોમાં ગૃહ મંત્રી પોલીસ અને પ્રજા વચ્ચની ખાઈ દૂર કરે તે જરૂરી છે. પોલીસ પ્રજાની દુશ્મન નહીં પણ મિત્ર છે એ છાપ સુધી પહોંચવા પોલીસે અને ગૃ મંત્રીએ ખાસ્સું કામ કરવું પડશે એ હકીકત છે.
ગૃહ મંત્રીએ શા માટે દોડી જવું પડ્યું
પાસોદરા ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને આમ આદમી પાર્ટીના વર્ચસ્વવાશો વિસ્તાર છે. પાસ અને આપના આગેવાનો પણ પાસોદરા જઈ આવ્યા વળી, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બન્નેના સંબંધીઓને મળી પૃચ્છા પણ કરી હતી. નજીકના ભવિષ્યમાં ધારાસભાની ચૂંટણી આવી રહી છે. તેવા સંજોગોમાં રાજકીય લાભ અન્ય પક્ષના લોકો ખાટી ન જાય એ વાતને ધ્યાને રાખી ગૃહ મંત્રીએ પાસોદરાની મુલાકાત લીધી હોવાનું એક તરફ કહેવાઈ રહ્યું છે તો બીજી બાજુ ખરેખર પોતે લાગણીશીલ હોવાથી ને બનાવ ગંભીર હોવાથી ગૃહ મંત્રી તરીકે પોતાની જવાબદારી સમજી પોતે ત્યાં પહોંચ્યા હોવાનું કહેવાવાળા પણ છે. કારણ ગમે તે હોય પણ ગૃહ મંત્રીએ ત્યાં પહોંચી જઈ બે હાથ જોડી વિનંતી કરી એ હકીકત છે.
ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ એવુ કેમ કહ્યુ આવા લોકોને સમજાવવાને બદલે પોલીસના હવાલે કરો pic.twitter.com/ROqpOgeZzh
— Navajivan News (@NavajivanNews) February 14, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












