પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ.રાજકોટ): રાજકોટનો કમિશનર કાંડ બહાર આવ્યો તે ગુજરાત પોલીસ જ નહીં દેશભરની પોલીસ માટે બહુ જ કોમન પ્રેકટીસ છે. આ પ્રકારના પ્રકરણમાં કાયમ એક પક્ષ નારાજ હોય છે જેણે પોલીસની મદદ મળી અને પોતાનો પ્રશ્ન ઉકેલી ગયો તે પોલીસ ઉપર આફરીન હોય છે પણ જેના દોકડા ગયા તે કાયમ પોલીસે તોડ કર્યો તેવો આરોપ મુકે છે. રાજકોટ પોલીસનો જે મામલો તેમા નવુ કઈ નથી, માત્ર રાજકોટ ભાજપની આંતરિક લડાઈનું પરિણામ છે, પણ હવે મામલો ઉછળ્યો છે બળતા ઘરમાં ઘણા પોતાની તાપણી કરી લેશે અને ઘણા બળતા ઘરમાં ખીચડી પણ રાંધી લેશે, આ મામલે ડીજીપી વિકાય સહાય તપાસ કરી રહ્યા છે, મામલો પાંચ મહિના જુનો છે, હમણાં સુધી તપાસમાં વિકાસ સહાય પાસે જે તથ્યો આવ્યા છે તેમાં આક્ષેપ સિવાય કઈ નથી, જેના કારણે સંભવના છે તપાસનું પોટલુ એક ટેબલથી બીજા ટેબલ ફરતુ રહેશે.
(1) રાજકોટ પોલીસ સામે જે તપાસ થઈ છે તેના તાણાવાણા અનેક સ્થળે જોડાયેલા છે, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ઈન્સપેકટર ગઢવીના રાજકિય સંબંધ બહુ મહત્વના છે. હમણાં સુધી વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા જેના કારણે સ્વભાવીક રૂપાણી અને તેમના પરિવાર સાથે તેમનો ઘરોબો હોય. પરંતુ જે પ્રકારના આક્ષેપો થયા તેમાં મોટા ભાગની ઘટના રૂપાણીના જાણ બહાર તેમના નજીકના લોકોએ પોલીસનો ઉપયોગ કરી ગયા છે. હવે પરિસ્થિતિ ત્યાં સુધી આગળ વધી છે કે આખા મામલે વિજય રૂપાણી કે તેમના નજીકના લોકો જાહેરમાં અથવા ખાનગીમાં મનોજ અગ્રવાલને કોઈ મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
(2) વર્તમાન સરકાર મનોજ અગ્રવાલને પસંદ કરતી નથી. જયારે વર્તમાન સરકાર તેવો શબ્દ પ્રયોગ કર્યો એટલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વાત નથી, તેઓ તો ભગવાનના માણસ છે. મરતાને મર પણ કહે નહીં તેવા સજ્જન છે. તેમા ગમા-અણગમા તીવ્ર નથી, તેમની અંદર બદલો લેવાની ભાવના પણ નથી પણ અત્યારે સરકારનું સ્ટીયરીંગ અનેક લોકોના હાથમાં છે જેઓ શકિતશાળી લોકો છે. તેમને મનોજ અગ્રવાલ સાથે જુનો વાંધો છે, જો કે આ શકિતશાળી લોકોનો સમય સારો કહેવાય તેવો ન્હોતો ત્યારે મનોજ અગ્રવાલે તેમને અંડર એસ્ટીમેટ કર્યા હતા. આમ આ નેતાઓના નિશાના ઉપર અગ્રવાલ છે, પણ તેમની સમસ્યા એવી છે કે જો અગ્રવાલને નિશાન બનાવવામાં તો હોય ઈન્સપેકટર ગઢવીને પણ લપેટવા પડે, પરંતુ હાલમાં મનોજ અગ્રવાલ કરતા ઈન્સપેટકર ગઢવીના પોલીટીકલ ગોડ ફાધરો સાથે સંપર્ક વધુ મજબુત છે.
(3) પોલીસ ઈન્સપેકટર ગઢવીના જે પોલીટીકલ ગોડફાધર છે તેમનો જયારે ખરાબ સમય ચાલતો હતો ત્યારે ગઢવીના બહુ નજીકના સ્વજને આ નેતાની પડખે રહેવાની હિમંત કરી હતી એટલુ જ નહીં ગઢવીના આ સ્વજને જાહેરમાં આ નેતાની સાથે રહેતા હતા, આ ડુબતી નાવડીમાંથી બધા જયારે કુદી પડતા હતા ત્યારે ગઢવી પરિવાર આ નેતાની સાથે રહ્યો હતો, હવે એવો સમય આવ્યો છે કે એનકેન પ્રકારે ગઢવી બચવા જોઈ, પણ જો ગઢવીને બચાવી લેવામાં આવે તો મનોજ અગ્રવાલને પણ તેનો ફાયદો થાય તેમ છે
(4) આખો મામલો રાજકિય છે તેમાં કોઈ બેમત નથી પરંતુ હવે તપાસ વિકાસ સહાયને સોંપવામાં આવી છે, વિકાસ સહાયનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો અત્યંત પ્રમાણિક અને કાયદાની પોથી પ્રમાણે ચાલનાર અધિકારી છે, જેના કારણે ઘણા વર્ષોથી સાઈડ પોસ્ટીંગ છે, કોઈ રાજનેતામાં હિમંત નથી કે તેમની પાસે ધાર્યુ કરાવી શકે, તપાસ વિકાય સહાય પાસે છે પરંતુ કેસની પણ કેટલીક મર્યાદા છે આ આરોપ પાંચ મહિના જુના છે, જેની તપાસ સહાય કરે છે, ગૂરૂવારે આ મામલે ખુદ વિકાય સહાયે અગ્રવાલ સહિત ગઢવીનું નિવેદન કરાઈ ખાતે નોંધ્યુ છે. આ કેસમાં જે ફરિયાદી છે તેમની પાસે આરોપ સિવાય કોઈ પુરાવો નથી, બીજી તરફ સંબંધીત પોલીસ અધિકારી આરોપનો સ્વીકાર કરવાના નથી, માત્ર નિવેદનના આધારે અગ્રવાલ અને ગઢવીને દોષીત બનાવી શકાય નહીં. કાયદા પ્રમાણે મામલો એન્ટી કરપ્શનનો છે પણ તેવા પુરાવા હજી સુધી બહાર આવ્યા છે, વિકાય સહાય તેમના ભાગે આવેલુ કામ જટ પુરુ કરવા માગે છે પણ તેઓ પણ કોરાના સંક્રમીત થયા હોવાની સંભાવના છે જેના કારણે રીપોર્ટ મોડો થાય તેવી સંભવના છે.
(5) મનોજ અગ્રવાલ પણ સિનિયર આઈપીએસ અધિકારી છે તેમણે પણ અનેક તડકી છાયડી જોઈ છે તેમના સંપર્કો પણ છે, અમદાવાદના એસજી હાઈવે સ્થિત એક ઓફિસમાં તેમની ખાસ્સી અવરજવર છે. આ સંપર્કને બહુ પાવરફુલ માનવામાં આવે છે, આ સંપર્કના છેડા ગુજરાતના મોસ્ટ પાવરફુલ આઈએએસથી લઈ દિલ્હી સ્થિતિ નેતાઓ સુધી છે, દેખાવે અતિ સામાન્ય દેખાતી આ વ્યકિતનો મનોજ અગ્રવાલે સંપર્ક કર્યો તેઓ આ પ્રકારને કેસ સેટલન્ડ કરવામાં માહિર છે, તેમણે વચલો રસ્તો એવો કાઢયો છે કે ગુજરાતના નેતાઓ અગ્રવાલનું પુરૂ કરવા માગતા હોય. અને વિકાય સહાય નેગેટીંવ રીપોર્ટ પણ આપે તો પણ આખુ પ્રકરણ ગુજરાતનો મોસ્ટ પાવરફુલ બ્યુરોક્રેટ મારફતે દિલ્હી સ્થિતિ નેતાને મોકલી આપી ફાઈલ ઉપર ઠંડુ પાણી રેડી દેવુ, આ બધી સંભાવનાઓ છે કયારે શુ થશે તે કહેવુ મુશ્કેલ છે જો કે વાદળો જેવા ગર્જાયા તેવો વરસાદ થશે નહીં, મનોજ અગ્રવાલને બદલીનો તો સમય થયો હતો, ગઢવીને હવે ગુજરાતના કોઈ ખુણામાં મુકો તો કઈ લુંટાઈ જવાનું નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












