Friday, May 1, 2026
HomeGeneralરાજકોટમાં કેવી રીતે ચાલતુ પોલીસનું નેટવર્ક વાંચો ખાસ રિપોર્ટ

રાજકોટમાં કેવી રીતે ચાલતુ પોલીસનું નેટવર્ક વાંચો ખાસ રિપોર્ટ

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજકોટ પોલીસ કમિશનર પર કમિશન લઈ ઉઘરાણીના હવાલા રખાતા હોવાના ધારાસભ્ય એ કરેલા આરોપ બાદ રાજકોટ પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ હતી. ધારાસભ્ય ગોવિંદ પટેલના પત્રથી થયેલા ઘટસ્ફોટને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. પોલીસ પર થયેલા આરોપના ધડાકા બાદ રાજકોટમાં પોલીસ પર આક્ષેપો અને ફરિયાદોનો જાણે મારો ચાલ્યો હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. સમગ્ર મામલાની તપાસ DGP વિકાસ સહાયને સોંપવામાં આવી છે. પરંતુ ગૃહમંત્રી દ્વારા રાજકોટ પોલીસ પર તપાસ માટે ખાસ સમિતિ રચવામાં આવે તો જુના કૌભાંડોની ભરમાર બહાર આવે તેમ છે. જેમાં ભુતકાળમાં પોલીસ વિરુધ્ધ જમીન-મકાન અને હવાલાના મોટા પાયે થયેલા સેટીંગ અને ફરિયાદીઓની અરજીઓ કેવી રીતે રફેદફે થઈ તેના ધરબાયેલા સત્યો બહાર આવે તેમ છે.



પોલીસ કમિશનર પર કથિત રીતે કમિશન લઈ હવાલા લેવાના આરોપ રાજકોટ દક્ષિણના ધારસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બહાર લાવતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. જેમાં રાજકોટના …સખીયા… નામના વેપારીના ફસાયેલા કરોડો રૂપિયાની ફરિયાદ લેવાના બદલે પોલીસ અધિકારીઓએ કમિશનથી હવાલો રાખ્યાનો આરોપ કર્યો હતો. આ ઘટના મીડિયામાં ચમકતા પોલીસ પર કાર્યવાહીના નામે ગૃહમંત્રીએ તપાસના આદેશ આપી દિધા હતા. ગોવિંદભાઈના આ પત્ર વિસ્ફોટ બાદ રાજકોટના પીડિત લોકોને પોતાનું કોઈ સાંભળનાર આવ્યું હોય તેમ લાગ્યું હશે. જેના કારણે એક બાદ એક પોલીસ પીડિત લોકો મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવવા લાગ્યા હતા. ત્યારે ગૃહમંત્રી પર જવાબદારી વધી જાય છે કે તેમણે હવે રાજકોટ પોલીસથી પીડિત લોકોને ન્યાય અપાવવો જોઈએ.

1. સખીયા ભાઈઓ એ મીડિયા સમક્ષ ખુલાસા કર્યા બાદ રાજકોટના એક ટિમ્બરના વેપારીએ પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર આરોપ લગાવ્યા છે. જેમાં તેમણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉઠાવી જઈ 3.80 લાખના કોરા ચેક લખાવી લીધા અને માર માર્યાનો આરોપ કર્યો છે.

- Advertisement -

2. ટિમ્બરના વેપારીના પોલીસ પર આરોપની ઘટનાની તુરંત બાદ જ રાજકોટના દિપક ભરવાડ મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવતા હતા. તેમને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તેમની કુવાડવા રોડ પરની કરોડોની મિલ્કત 35 લાખમાં પતાવટ કરી લખાવી લીધાના આરોપ કર્યા હતા. આ જમીન વેચવા તૈયાર નહીં થતા મહિનાઓ સુધી તેમને અને તેમના ભાઈ અને ભાગીદારોને ઉઠાવી જઈ હેરાન કર્યાના આરોપ કરતા મોટ ઘટસ્ફોટ કર્યો હતો કે, આ જમીન પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને અન્ય ભાજપના નેતાઓએ દેરાસર બનાવવા પોલીસ પાવરનો ઉપયોગક કરી પડાવી લીધી હતી.

3. આ પહેલા રાજકોટના ઘનશ્યામ પાંભરના પરિવાર પર બળજબરી કરી 32 કરોડ રૂપિયાના લખાણો લખાવવાના આરોપ લાગી ચૂક્યા છે. ઘનશ્યામ પાંભરના માતા કંચનબેન પાંભરે તંત્ર પાસેથી ન્યાય નહીં મળતા પ્રધાનમંત્રીને ઈચ્છા મૃત્યુની માંગણી કરતો પત્ર લખ્યાના પણ અહેવાલો છે.

4. રાજકોટના આણંદ પરની જમીન મામલે માલિક રવુભાઈ ધાધલે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર આક્ષેપ થયા છે. જેમાં રવુભાઈ ધાધલને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ ઉઠાવી લઈ જમીનના કાગળો પડાવી લીધાના આરોપ થયા છે. આ મામલે તપાસ વિજિલન્સ દ્વારા રાજ્યના ડીજીપીને સોંપવામાં આવ્યાના અહેવાલ છે.



5. રાજકોટના એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, એક મંડળી સંચાલકના 1 કરોડ 25 લાખ કઢાવવા માટે સંજય એસ્ટ્રોન નામના શખ્સને ગોંધી રાખવાનું કામ પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યુ હતુ. સંજય એસ્ટ્રોનને ગોંધી રાખી 5 દિવસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે સમયસર ચાર્જશીટ રજૂ નહીં થતા કોર્ટે પણ ફટકાર લગાવી હોવાનું આ અહેવાલ પરથી જાણવા મળે છે.

- Advertisement -

6. રાજકોટના જ એક સ્થાનિક અખબારના અહેવાલ પરથી માહિતી મળે છે કે, 100 કરોડની જમીનનો હવાલો લઈ 15 જેટલા સાટાખત સુલટાવવાનું કૃત્ય પણ કરેલુ છે. અહેવાલ મુજબ આ મામલે રાજકોટના મુખ્યમંત્રી તરીકે પ્રખ્યાત થયેલા એક ભાજપના નેતાનો દોરી સંચાર હતો. સાથે જ આ મામલે રાજકોટની મોટી હોટલના શેઠ તરફ પણ ઈશારો કર્યો છે.

7. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા મહિના પહેલા જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિવાદીત જમીનની પતાવટ કરવા માટે જામનગર સુધી પહોંચી હતી. મળતી વિગત મુજબ વર્ષ 2016 માં ફરિયાદી પોતે રાજકોટના શાપર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવે છે જેની તપાસ 6 વર્ષથી ચાલી રહી છે. આ ફરિયાદ સબંધે ફરિયાદીએ હાઈકોર્ટમાં પણ અરજી કરી હોવાના અહેવાલ છે. વિવાદિત જમીન અને ફરિયાદનું પોલીસ સ્ટેશન પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની હદમાં નહીં આવતા હોવા છતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ જામનગર પહોંચે છે. જ્યાંથી અરજીના નામે ફરિયાદીને જામનગરથી ઉઠાવી લઈ કોરા કાગળમાં સહીં કરાવી લેવાઈ હતી. વધુમાં સુત્રો જણાવે છે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ખાનગી કારમાં રાજકોટના વકિલ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાની ઓફિસે લઈ જઈ કોઈ ચોપડામાં સહી કરાવે છે. બાદમાં પોલીસ આ તારી જમીન ગઈ છે હવે આ બાબતે ફરી દેખાતો નહીંની ધમકી આપી રસ્તા પર જ છુટ્ટો કરી દિધો હતો.

8. વર્ષ 2018માં મોરબી રોડ પરની સુચીત સોસાયટી ખાલી કરાવવા મામલે પણ ક્રાઈમ બ્રાન્ચ પ્રકાશમાં આવી હતી. જેમાં 20-22 પરિવારોના મકાન તોડી પાડવા ક્રાઈમ બ્રાન્ચના અધીકારીઓ પહોંચતા હોવાના આરોપ થયા હતા. ફરિયાદીઓ આ મામલે ગાંધીનગર મુખ્યમંત્રી અને પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરીટી સુધી રજૂઆત કરવા ગયા હતાનું સુત્રો જણાવી રહ્યા છે. આ જમીન મામલે રાજકોટના મોટા નેતા પડદા પાછળ રમી ગયાનું સુત્રો જણાવે છે. આ જમીન પર રહેતા ગરીબ પરિવારો મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય પોલીસ સામે લાંબી લડત ન લડી શક્યા હોવાના પણ સુત્રો પાસેથી અહેવાલ મળે છે.
9. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના વકિલ કે. સી. વ્યાસ દ્વારા નેપાળી કાંડ, સ્ટેમ્પ ડ્યુટી ચોરીનું કૌભાંડ જેવી ફરિયાદો કરી તત્કાલીન મુખ્યમંત્રી તેમજ નીતીન ભારદ્વાજ સહિતના નેતાઓ પર આરોપ કર્યા હતા. જે બાદ તેમને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ખાતેથી ઉઠાવી લઈ ખોટી ફરિયાદમાં ફીટ કર્યા હોવાના આરોપ કર્યા હતા. વકિલ વ્યાસે આ મામલે પોલીસ મહાનિર્દેશકને પણ ફરિયાદ કરી હતી.

- Advertisement -

10. રાજકોટના જ એક વેપારી મહેન્દ્ર ભોળાભાઈ વેકરીયાએ પણ પોલીસ વિરૂધ્ધ જમીન મામલે જ ફરિયાદ કરી હોવાની સુત્રો પાસેથી માહિતી મળે છે. જેમાં ફરિયાદીના પિતાએ વર્ષ 2016માં ખરીદેલી જમીન મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉઠાવી લેવાયાના આરોપ પણ લાગ્યા હતા. ફરિયાદીએ પોલીસના આ કૃત્ય બદલ કમિશરને પણ રજૂઆત કરેલી હતી. જેના બાદ પણ પોલીસ તેના ઘરમાં ઘુસી જઈ દિકરીના રૂપ સુધી પહોંચી જઈ ફરિયાદીને ધમકાવ્યાના આરોપ ફરિયાદીએ કર્યા હતા. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ એ જમીન મામલે ફરિયાદીને ટોર્ચર પણ કર્યા હતા. જે બાબતે તત્કાલિન મુખ્યમંત્રી સહિત પોલીસ વડા સુધી ફરિયાદ પહોંચી હોવાનું સુત્રો પાસેથી માલુમ પડે છે.

11. તત્કાલિન મુખ્યમંત્રી રૂપાણીના નજીકના ગણાતા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના મામાની જમીન ચોખ્ખી કરવાના મામલે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની સામેલગીરીના આરોપો સાથેની ફરિયાદની પણ સુત્રો માહિતી આપી રહ્યા છે. આ ઘટનામાં ફરિયાદીના મોટા ભાઈને રાત્રે ઉઠાવી જવાની પણ જામનગર એસપીને ફરિયાદ કરવામાં આવી હતી.વીડિયો સહિતના પુરાવા રજૂ કરી જે ઘટનામાં જામનગરના ફરિયાદીના ભાઈ સહિત પરિવારના મહિલા સદસ્યોને જાહેરમાં ધમકાવ્યાના આરોપ થયા હતા. ફરિયાદી તાબે નહીં થતા અને જમીનની પતાવટ કરવા તૈયાર નહીં થતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેની સ્કોર્પિયો કાર ઉઠાવી છુપાવી દિધી હોવાના પણ આ મામલે આરોપ થયા હતા. આ મામલે પણ જો ફરી તપાસ કરવામાં આવે તો રાજકોટ પોલીસના હોંશ ઉડી જાય તેમ છે તેવું સુત્રો જણાવે છે.



આ એ વિગતો છે કે જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિરૂધ્ધ અરજી કે ફરિયાદ માટે અવાજ ઉઠ્યા હતા. તો સવાલ એ છે કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર કેટલા લોકો ડરના માર્યા અવાજ નહીં ઉઠ્યા હોય. આ બાબતો પરથી ગૃહમંત્રી એ ખરેખર તપાસ કમિટિ કે લોક દરબાર કરી હાલના પીડિતો સાથે જ ભૂતકાળના પીડિતોને પણ બહાર આવી સત્ય જણવવા આશ્વાસન આપવું જોઈએ. જેથી રાજ્યની જનતાને ખ્યાલ આવે કે સત્તામાં પરિવર્તન આવી ગયુ છે અને તેમને સાંભળવા માટે ગૃહમંત્રી પણ ગાદી પર બેઠા છે. રાજકોટની જનતા લાંબા સમયથી પીડા ભોગવી રહી હતી જે હવે ગૃહમંત્રી પાસે તપાસ અને ન્યાયની આશા કરી રાખી બેઠી છે. ઉપરાંત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કયા વર્ષમાં કેટલી અરજી પોલીસને મળી એ આંકડા પત્રકારોને આપવા સાથે જ પોલીસ પર કેટલી અરજી ઓ થઈ તેના પણ આંકડા જાહેર કરવા જોઈએ. જેથી રાજ્યના ગૃહમંત્રી પણ તેમની પોલીસ પર થતા આક્ષેપોની યાદી બનાવવાના કામના ભારણમાંથી મુક્ત રહે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular