મિલન ઠક્કર (નવજીવન અમદાવાદ): અમદાવાદમાં ૨૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો મહત્ત્વનો ચુકાદો આવી ગયો છે. જેમાં ૪૯ આરોપીને દોષી અને ૨૯ આરોપીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. પણ એક તહોમતદારને દોષી તો જાહેર કરાયો છે પણ તેને સજા ભરવામાંથી મુક્તિ અપાઈ છે. હવે આપણને એમ થાય કે, આવું કેમ?
આ તહોમતદાર આ ગુનાનો તાજનો સાક્ષી બન્યો હતો. એટલે કે તેણે કબૂલ કર્યું હતું કે, તે આ ગુનામાં ભાગીદાર હતો, આ ગુનો કરવામાં તે કોની સાથે કેવી રીતે જોડાયો હતો, સમગ્ર ગુનામાં તેનો રોલ કેવો અને કેટલો હતો, તેની સાથે કયા કયા અન્ય માણસ હતા, ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો, વગેરે માહિતી તેણે કેસની ટ્રાયલ દરમિયાન નામદાર કોર્ટને આપી હતી. જે કોર્ટ માટે અને તપાસ એજન્સી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હતી.
તાજના સાક્ષી બન્યા બાદ તેને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમુક શરતો સાથે કાયમી જામીન (Regular bail) પર જેલમુક્ત કરવામાં આવ્યો હતો અને કેસની સંપૂર્ણ ટ્રાયલ પૂરી થતાં તેને દોષી તો જાહેર કરાયો પરંતુ તે કોર્ટમાં તાજનો સાક્ષી બન્યો, ગુનામાં તેની ભાગીદારીની સંપૂર્ણ વિગત કબૂલ કરી અને આ ગુનામાં તેનો જે રોલ હતો તે બારીકાઈથી ચકાસીને તથા તેનો જેલ રેકોર્ડ અને જેલમાં ભરેલા દિવસો વગેરે બાબતોને ધ્યાને લઈને નામદાર કોર્ટે તેને હવે પછીની સજા ભોગવવામાંથી મુક્તિ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજના સાક્ષી બન્યા પછી તેને અન્ય આરોપીઓ દ્વારા જાનનું જોખમ હોવાની શક્યતા હતી તેથી પ્રશાસન દ્વારા તેને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












