Monday, November 23, 2026
HomeGujaratગોધરા ટ્રેન અગ્નિકાંડના દોષિત ઇરફાન સિરાજ પાડાની સજા સુપ્રીમ કોર્ટે સ્થગિત કરી,...

ગોધરા ટ્રેન અગ્નિકાંડના દોષિત ઇરફાન સિરાજ પાડાની સજા સુપ્રીમ કોર્ટે સ્થગિત કરી, તબીબી કારણોસર જામીન

- Advertisement -

Godhra train kand case Supreme Court: ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં દોષિત ઠરેલા ઇરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર જામીન આપ્યા છે. 23 નવેમ્બરે સુપ્રીમ કોર્ટની બેન્ચે તેની સજા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. ઇરફાન 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને ગંભીર હૃદય સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યો છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે તેની તબીબી સ્થિતિ તથા લાંબા સમયથી જેલમાં હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે પણ દોષિતની તબીબી સ્થિતિ અંગે કોઈ વિવાદ ઉઠાવ્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગવાથી 58 લોકોનાં મોત થયાં હતાં. આ ટ્રેનમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો મુસાફરી કરી રહ્યા હતા. ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

- Advertisement -

માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 11 લોકોને ફાંસીની સજા અને બાકીના 20 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અન્ય 63 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી અને અન્ય 20 લોકોને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી. દોષિતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલો 2018થી પેન્ડિંગ છે.

આ કેસમાં અગાઉ પણ કેટલાક દોષિતોને જામીન મળ્યા છે. 13 મે, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કંકટ્ટો ઉર્ફે જમ્બુરોને છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા. તેની પત્ની ટર્મિનલ કેન્સરથી પીડાતી હતી અને તેની પુત્રીઓ માનસિક રીતે અક્ષમ હોવાના આધારે આ રાહત આપવામાં આવી હતી. 11 નવેમ્બર, 2022ના રોજ કોર્ટે તેના જામીન 31 માર્ચ, 2023 સુધી લંબાવ્યા હતા.

ડિસેમ્બર 2022માં અન્ય એક દોષિત ફારૂકને પણ જામીન આપવામાં આવ્યા હતા. તેણે 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો અને ટ્રેન પર પથ્થરમારો કરવાની તેની ભૂમિકા હોવાનું ધ્યાનમાં રાખીને કોર્ટે રાહત આપી હતી.

- Advertisement -

ત્યારબાદ 21 એપ્રિલ, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે વધુ આઠ દોષિતોને જામીન આપ્યા હતા. આ દોષિતોમાં અબ્દુલ સત્તાર ઇબ્રાહિમ ગદ્દી અસલા, યુનુસ અબ્દુલ હક સમોલ, મોહમ્મદ હનીફ અબ્દુલ્લા મૌલવી બદામ, અબ્દુલ રઉફ અબ્દુલ મજીદ ઇસા ઉર્ફે ધેસલી, ઇબ્રાહિમ અબ્દુલરઝાક અબ્દુલ સત્તાર સમોલ ઉર્ફે ભાનો, અયુબ અબ્દુલ ગની ઇસ્માઇલ પટાલિયા, સોહેબ યુસુફ અહમદ કલંદર અને સુલેમાન અહમદ હુસેન ઉર્ફે ટાઇગર પીર મુસલમાનનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ઇરફાન સિરાજ પાડાને 2025માં પણ વચગાળાના પેરોલ આપવામાં આવ્યા હતા, જેથી રાજ્ય સરકાર તેની સમય પહેલાં મુક્તિની અરજી પર વિચાર કરી શકે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular