Thursday, November 19, 2026
HomeGeneralCBI ઇન્સ્પેક્ટરની સરકારી નોકરી છોડી બન્યા સંન્યાસી: નર્મદા કિનારે ગુફામાં વસવાટ, કહ્યું-...

CBI ઇન્સ્પેક્ટરની સરકારી નોકરી છોડી બન્યા સંન્યાસી: નર્મદા કિનારે ગુફામાં વસવાટ, કહ્યું- ‘અહીં જીવનનું સાચું સત્ય મળ્યું’

- Advertisement -

A Story of Spirituality: સારી શૈક્ષણિક લાયકાત, પ્રતિષ્ઠિત સરકારી નોકરી અને સત્તા હોવા છતાં એક વ્યક્તિએ આ બધું છોડીને સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. CBIમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા આ વ્યક્તિ આજે નર્મદા નદીના કિનારે જંગલની ગુફાઓમાં જીવન વિતાવી રહ્યા છે. તેમનો દાવો છે કે સમાજમાં સફળતા ગણાતી પદવી, પૈસા અને સુખ-સુવિધાઓ વચ્ચે તેઓ અંદરથી ખાલીપણું અનુભવતા હતા. આખરે તેમણે સરકારી નોકરી અને ઘર-પરિવાર છોડીને આધ્યાત્મિક જીવન પસંદ કર્યું.

આ સંતની પારિવારિક પૃષ્ઠભૂમિ મજબૂત હતી. તેમના માતા-પિતા બંને ઉચ્ચ સરકારી અધિકારીઓ હતા અને ઘરમાં સુખ-સુવિધાઓની કોઈ કમી નહોતી. તેમણે BSc ઓનર્સનો અભ્યાસ કર્યા બાદ હોમિયોપેથીમાં MDની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને CBIમાં ઇન્સ્પેક્ટરની નોકરી મળી હતી. શરૂઆતમાં આ નોકરી મળતાં તેમને મોટી સફળતા હાંસલ કરી હોવાનો અનુભવ થયો હતો, પરંતુ થોડા જ સમયમાં તેમની વિચારસરણી બદલાવા લાગી.

- Advertisement -

તેમના જણાવ્યા મુજબ, CBIની નોકરી દરમિયાન તેમને સમજાયું કે તેઓ પોતાની જિંદગીના માલિક બનવા માગતા હતા, પરંતુ વ્યવસ્થામાં તેઓ માત્ર એક કર્મચારી બનીને રહી ગયા હતા. કાયદાનો અમલ કરાવવાના નામે લોકોને કઠોર અને રૂક્ષ રીતે વર્તવું પડતું હતું, જે તેમના સ્વભાવથી વિપરીત હતું. વિભાગમાં તેમણે વરિષ્ઠ અધિકારીઓને પોતાની ખુરશી અને નોકરી બચાવવામાં વ્યસ્ત જોયા હતા. તેમના મતે, આ વ્યવસ્થામાં માનવીય લાગણીઓ માટે બહુ ઓછી જગ્યા હતી.

તેમણે જણાવ્યું હતું કે પદ સાથે જોડાયેલા પ્રોટોકોલને કારણે પોતાની મરજી પ્રમાણે જીવન જીવવું પણ મુશ્કેલ બન્યું હતું. કોની સાથે વાત કરવી અને કોના ઘરે જવું, તે બાબતો પણ નક્કી થતી હતી. કોઈ ગરીબ ભરવાડ પ્રેમથી નજીક આવીને બેસે તો તેની સાથે મિત્રતા કરવામાં પણ પ્રોટોકોલ આડે આવતો હતો. ધીમે ધીમે તેમને લાગવા માંડ્યું કે તેઓ માત્ર પેટ ભરવા અને પૈસા કમાવવાની દોડમાં સામેલ છે. સામાન્ય માણસ 200 રૂપિયાનું કપડું પહેરે અને તેઓ 500 રૂપિયા મીટરના ભાવનું કપડું પહેરે, એટલો જ બંને વચ્ચેનો તફાવત રહી ગયો હતો. તેમની પાસે ગાડી અને મકાન હોવા છતાં તેઓ અંદરથી ખાલીપો અને એકલતા અનુભવતા હતા.

આ ખાલીપણામાંથી બહાર આવવા અને પોતાની જાતને શોધવા માટે તેમણે CBIની નોકરી સહિત ઘર-પરિવાર છોડી દીધાં. ત્યારબાદ તેઓ અનેક રાજ્યોમાં ભટક્યા અને અંતે મા નર્મદાના કિનારે પહોંચ્યા. તેમના કહેવા પ્રમાણે, નર્મદા કિનારે પહોંચ્યા બાદ મનનો બધો ભાર ઉતરી ગયો હતો. બાળપણમાં પાંચ વર્ષની ઉંમરે મળેલી ગુરુદીક્ષાના સંસ્કાર પણ ફરીથી જીવંત થયા હતા.

- Advertisement -

નર્મદા પરિક્રમા દરમિયાન ઓમકારેશ્વર નજીક તેમને મા નર્મદાની કૃપાનો એક અનોખો અનુભવ થયો હોવાનું તેઓ જણાવે છે. નદીકિનારે નુક્સીલા પથ્થરો પર ઉઘાડા પગે ચાલતાં તેમના પગ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમની પાસે ન તો બેસવા માટે ટાટ-પટ્ટી હતી, ન ચંપલ અને ન તો ખાવા માટે રોટલી. આવી સ્થિતિમાં તેમણે મનમાં મા નર્મદાનું સ્મરણ કર્યું હતું. થોડા આગળ જતાં તેમને એક ખડક પર સૂકાતી ટાટ-પટ્ટી, ચંપલની એક જોડી અને ટિફિનમાં ભોજન મળી આવ્યું હતું. તેમણે આ ઘટનાને મા નર્મદાના આશીર્વાદ તરીકે સ્વીકારી હતી અને માત્ર ચંપલ પહેરીને આગળની યાત્રા શરૂ કરી હતી.

આગળ જતાં એક પહાડી મંદિર ખાતે તેમને એક મહાત્માનો સાથ મળ્યો હતો. તેઓ ત્યાં સાડા ત્રણ વર્ષ સુધી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે ગામનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ કેળવ્યો હતો. હાલ તેઓ ગાઢ જંગલની ગુફાઓમાં રહે છે. પોતે ચૂલા પર ‘રામ રોટ’ એટલે કે ટિક્કડ બનાવે છે અને તેને શુદ્ધ ઘી સાથે ખાય છે.

સમાજમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અંગે પણ આ સંતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમના મતે ભ્રષ્ટાચારની શરૂઆત ઘરમાંથી જ થાય છે. માતા-પિતા જ્યારે પોતાના બાળકની સરખામણી પાડોશીની પાંચમી હવેલી સાથે કરે છે, ત્યારે બાળકને ખોટા રસ્તે જવાની દિશા મળે છે. આવા વાતાવરણમાં ઉછરેલું બાળક કલેક્ટર, ડોક્ટર કે એન્જિનિયર બને તો પણ સમાજનું શોષણ કરી શકે છે, તેમ તેઓ માને છે. તેમના જણાવ્યા પ્રમાણે, માતા-પિતાએ બાળકોને IAS, IPS કે સંત બનાવતાં પહેલાં સાચા અર્થમાં સારો માણસ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમના મતે સાધુ બનવું એટલે માત્ર કપડાં બદલવાં નહીં, પરંતુ પોતાને સોંપેલા કામમાં સંપૂર્ણ પ્રમાણિકતા સાથે જોડાઈ જવું એ જ સાચી સાધુતા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular