Aravalli Policeman murder case solved: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામની સીમમાં હાથમતી નદી નજીક સંપૂર્ણપણે બળેલી હાલતમાં મળી આવેલી આર્ટિગા કાર અને તેમાંથી મળેલા માનવ કંકાલના ચકચારી બનાવનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનઆર્મ્ડ ASI અશ્વિનભાઈ બાબુલાલ તબિયાડ (ઉં.વ. 45) તરીકે થઈ છે. આ હત્યાના ગુનામાં ચિઠોડા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ સહિત કુલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા કર્યા બાદ મૃતદેહને કોથળામાં ભરી કારમાં મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને કાર સાથે મૃતદેહને સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસ મુજબ, મૃતક અશ્વિનભાઈ તબિયાડ 8 નવેમ્બર, 2026ની રાત્રે આશરે 10:15 વાગ્યે પોતાની માલિકીની સફેદ આર્ટિગા કાર નંબર GJ.31.R.2289 લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. ત્યારબાદ 10 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યે ભિલોડા તાલુકાના પાદરા ગામે હાથમતી નદીની સ્લીપ પાસે તેમની કાર સંપૂર્ણપણે બળેલી હાલતમાં મળી આવી હતી. કારની અંદરથી શંકાસ્પદ માનવ કંકાલ પણ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતકના પિતા બાબુભાઈ તબિયાડે કંકાલ તેમના પુત્ર અશ્વિનભાઈનો હોવાની આશંકા વ્યક્ત કરતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. જોકે, બનાવ શરૂઆતથી જ શંકાસ્પદ લાગતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી LCB અને ભિલોડા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, ખાનગી બાતમીદારો અને ભિલોડા, વિજયનગર તથા ચિઠોડા વિસ્તારનાં અનેક CCTV ફૂટેજની મદદથી તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન અશ્વિનભાઈને ચિઠોડા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન અશોકભાઈ કલાસવા (ઉં.વ. 37) સાથે પ્રેમસંબંધ હોવાની વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આલ્ફાબેન હવે આ સંબંધ રાખવા માગતાં નહોતાં, છતાં અશ્વિનભાઈ તેમના પર સંબંધ ચાલુ રાખવા દબાણ કરતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 8 અને 9 નવેમ્બરની રાત્રે આલ્ફાબેને અશ્વિનભાઈને ચિઠોડા ખાતેના પોતાના ભાડાના મકાને મળવા બોલાવ્યા હતા. અશ્વિનભાઈ પોતાની આર્ટિગા કાર લઈને ત્યાં પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યું હતું. પોલીસના દાવા મુજબ, આ દરમિયાન આલ્ફાબેને કોઈ રીતે અશ્વિનભાઈનું મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ 9 નવેમ્બરની સવારે આલ્ફાબેને પોતાના ભાઈ કલ્પેશભાઈ અશોકભાઈ કલાસવા (ઉં.વ. 36)ને ઇકો કાર લઈને બોલાવ્યા હતા. કલ્પેશ પોતાના પિતરાઈ ભાઈ પંકજકુમાર મગનભાઈ કલાસવા (ઉં.વ. 28) સાથે ત્યાં પહોંચ્યા હતા. બંનેએ મૃતદેહને કોથળામાં ભરીને પેક કર્યો હતો અને દિવસના સમયે તેને આલ્ફાબેનના મકાનમાં રાખ્યો હતો.
આ દરમિયાન પંકજકુમારે અશ્વિનભાઈની આર્ટિગા કાર લઈ લીધી હતી, જ્યારે આલ્ફાબેન અને કલ્પેશ ઇકો કારમાં તેની આગળ ચાલ્યા હતા. બંને કારને વિજયનગર તાલુકાના કણાદર ગામની સીમમાં ધરતીમાતાના મંદિર નજીકના જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી. ત્યાં આર્ટિગા કાર મૂકીને પંકજકુમારને ઇકો કારમાં બેસાડીને પરત ચિઠોડા લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રિનો અંધકાર થયા પછી કલ્પેશે પોતાના મિત્ર મનોજકુમાર ભુરાજી નિનામા (ઉં.વ. 33)ને બોલાવ્યો હતો. ચારેયની ભૂમિકાઓ અંગેની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે મનોજ સાથે મળીને પેટ્રોલ ખરીદવામાં આવ્યું હતું અને મોડી રાત્રે મૃતદેહ ભરેલો કોથળો ઇકો કારમાં મૂકીને ફરી કણાદર લઈ જવાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કણાદર નજીક રાખવામાં આવેલી આર્ટિગા કારની વચ્ચેની સીટના આગળના ભાગે મૃતદેહ ભરેલો કોથળો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મનોજકુમાર આર્ટિગા કાર ચલાવી પાદરા ગામની સીમમાં હાથમતી નદી નજીક પહોંચ્યો હતો, જ્યારે આલ્ફાબેન અને કલ્પેશ ઇકો કારમાં તેની આગળ ચાલતા હતા. ત્યાં ચારેયે મળીને કારની અંદર અને બહાર તેમજ મૃતદેહ ભરેલા કોથળા પર પેટ્રોલ છાંટ્યું હતું. આલ્ફાબેને દીવાસળી ચાંપી આગ લગાવી હતી. આગની જ્વાળાઓને કારણે આલ્ફાબેનના મોઢા, બંને હાથ અને શરીરના આગળના ભાગે દાઝી જવાની ઇજાઓ થઈ હતી. પોલીસના મતે, આ રીતે મૃતદેહ અને કાર સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે આલ્ફાબેનની હિંમતનગર ખાતે સારવાર ચાલી રહી હોવાની માહિતી મેળવી હતી. આલ્ફાબેનના દાઝી જવાના બનાવ અને અન્ય શંકાસ્પદ હિલચાલના આધારે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ તેમના ભાઈ કલ્પેશ, પિતરાઈ ભાઈ પંકજ અને મિત્ર મનોજને ઇકો કાર નંબર GJ.09.BK.7159 સાથે ઝડપી પૂછપરછ માટે રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. પોલીસ પ્રેસનોટ મુજબ, ઊંડાણપૂર્વકની પૂછપરછમાં ચારેયની અલગ-અલગ ગુનાહિત ભૂમિકાઓ સામે આવી હતી અને કારમાંથી મળેલો માનવ કંકાલ અશ્વિનભાઈ તબિયાડનો જ હોવાનું તેમણે કબૂલ્યું હતું. મૃતકના પિતા અને કંકાલના DNA સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
આ મામલે મૃતકના ભાઈ સિદ્ધરાજ બાબુભાઈ તબિયાડની ફરિયાદના આધારે 16 નવેમ્બર, 2026ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1), 238(a), 61, 3(5), 324(5) અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન અશોકભાઈ કલાસવા, તેમના ભાઈ કલ્પેશ, પિતરાઈ ભાઈ પંકજકુમાર અને મિત્ર મનોજકુમારની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલી ઇકો કારની કિંમત રૂ. 5 લાખ હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. અરવલ્લી LCB અને ભિલોડા પોલીસની સંયુક્ત ટીમે આ અનડિટેક્ટેડ હત્યાનો ભેદ ઉકેલ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.








