BJP to undertake damage control following SIR controversy : દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારનો નામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં કપાયા હોવાના આરોપોને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ શંકાના ઘેરામાં છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) સામે કોંગ્રેસ સહિતના પક્ષોએ સીધા આરોપ લગાવ્યા છે અને આ મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં છે. જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે દિલ્હીના જંતર મંતર સહિત દેશભરમાં આંદોલન થયા તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મુદ્દે સમગ્ર દેશમાં અભિયાન (Nationwide Campaign Regarding Special Intensive Revision) ચલાવવા નવેમ્બર મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી. SIR મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધ સામે જવાબ આપવા ગુજરાત ભાજપ યુવા મોરચાએ મેદાનમાં ઉતરવાની તૈયારી આરંભી દીધી છે. સોમવારે 16 નવેમ્બરના રોજ ગાંધીનગર કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યુવા મોરચાની પ્રદેશ બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના ગુજરાત પ્રભારી તરુણ ચુગ (Tarun Chugh) અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) ના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઈ હતી.
ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ નરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસ દ્વારા SIR તથા અન્ય મુદ્દાઓને લઈને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો અને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુવા મોરચાની ટીમ યુવાનો વચ્ચે જઈને કામ કરશે અને SIR અંગે ફેલાવવામાં આવતી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરશે.
યુવા મોરચાએ માત્ર સંગઠન સ્તરે જ નહીં, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. સ્કૂલ અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓ તથા યુવાનોને SIR અંગે સમજણ આપવામાં આવશે અને આ માટે યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોને સક્રિય કરવામાં આવશે.








