Sabarmati Express Fire Sonia Gandhi Book Rakesh Asthana Reaction: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’માં સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ નવો વિવાદ ઊભો થયો છે. વર્ષ 2002ના ગુજરાત રમખાણોનું કારણ બનેલા સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ અંગે સોનિયા ગાંધીએ પુસ્તકમાં આગ લાગવાનું કારણ વિવાદાસ્પદ હોવાનું લખ્યું છે. જોકે, આ મામલાની તપાસ કરનાર ગુજરાત પોલીસની SITના પૂર્વ વડા રાકેશ અસ્થાનાએ તેમના દાવા સામે સવાલ ઉઠાવ્યા છે. અસ્થાનાનું કહેવું છે કે સાબરમતી એક્સપ્રેસમાં આગ કોઈ અકસ્માત નહોતો, પરંતુ એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી.
રાકેશ અસ્થાનાએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના પાછળ દેશને અસ્થિર કરવાનું મોટું ષડયંત્ર હતું. તેમણે દાવો કર્યો હતો કે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) તરફથી અયોધ્યામાં બોમ્બ વિસ્ફોટ થવાની શક્યતા અંગે ઇનપુટ મળ્યા હતા. આ યોજના હેઠળ સાધુના વેશમાં આવીને કમંડળમાં બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના હોવાની પણ માહિતી હતી. આ ઉપરાંત અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ વિસ્ફોટ કરવાનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું.
અસ્થાનાના જણાવ્યા અનુસાર, આ જ કાવતરાના ભાગરૂપે સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લગાવવામાં આવી હતી, જેમાં કારસેવકો મુસાફરી કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સમગ્ર તપાસ દરમિયાન આ કાવતરામાં પાકિસ્તાન સુધીની કડી સામે આવી હતી. તેમનું કહેવું હતું કે કારસેવકોને નિશાન બનાવવાની અને તેઓ જે માર્ગો પરથી પસાર થાય ત્યાં હુમલા કરવાની તૈયારી કરવામાં આવી હતી.
અસ્થાનાએ તપાસ દરમિયાન અમન ગેસ્ટ હાઉસના માલિક અબ્દુલ રઝાક કુરકુરની ભૂમિકા સામે આવી હોવાનો પણ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન પાકિસ્તાનથી મોટી સંખ્યામાં ફોન કોલ્સ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત હિઝબુલના આતંકીઓની અવરજવર અંગે પણ માહિતી મળી હતી. અસ્થાનાના મતે, સમગ્ર આયોજનનો હેતુ ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો હતો અને સાબરમતી એક્સપ્રેસને પણ આ જ ષડયંત્ર હેઠળ નિશાન બનાવવામાં આવી હતી.
સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડની તપાસ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી કોઈ દબાણ હતું કે કેમ તેવા સવાલના જવાબમાં રાકેશ અસ્થાનાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમના પર કોઈ દબાણ નહોતું. તેમણે જણાવ્યું હતું કે ઘટના જે વિસ્તારમાં બની હતી તે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર હતો. તપાસમાં મુસ્લિમ અધિકારીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કેટલાક અધિકારીઓએ વેશ બદલીને તપાસ અને ઓપરેશન હાથ ધર્યાં હતાં. મુખ્યમંત્રી કે ગૃહમંત્રી સહિત કોઈપણ તરફથી તપાસમાં દખલગીરી કે દબાણ કરવામાં આવ્યું નહોતું અને પોલીસને સ્વતંત્ર રીતે કામ કરવાની છૂટ હતી.
આ દરમિયાન રાકેશ અસ્થાનાએ જસ્ટિસ યુ.સી. બેનર્જી કમિશનના રિપોર્ટ અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી. યુ.સી. બેનર્જી કમિશને પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે કારસેવકો પોતાની સાથે સ્ટવ લઈને મુસાફરી કરી રહ્યા હતા અને તેમાં આગ લાગવાથી સાબરમતી એક્સપ્રેસમાં અગ્નિકાંડ સર્જાયો હતો.
આ દાવા અંગે અસ્થાનાએ જણાવ્યું હતું કે યુ.સી. બેનર્જી કમિશનના તપાસ અહેવાલને એક પીડિત દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઈકોર્ટે તે અહેવાલને રદ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આગ જાણીજોઈને લગાવવામાં આવી હોવાની તપાસને સમર્થન આપતા પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિએ પણ આ બાબતને સ્વીકારી હતી.
સોનિયા ગાંધીના પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બીજી તરફ, આ કેસની તપાસનું નેતૃત્વ કરી ચૂકેલા રાકેશ અસ્થાનાએ પોતાના તપાસના તારણોનો ઉલ્લેખ કરીને આગ અકસ્માત નહીં પરંતુ કાવતરું હોવાનું પુનરોચ્ચાર કર્યો છે.








