Wednesday, November 18, 2026
HomeGujaratDIG માણસ એક પણ સ્વરૂપ અનેક હતા, ખુદ PI પણ તેમના બદલાતા...

DIG માણસ એક પણ સ્વરૂપ અનેક હતા, ખુદ PI પણ તેમના બદલાતા રંગ જોઈ ચોંકી ગયા | શતરંજ-92

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-92, નવજીવન ન્યૂઝ): બીજા દિવસે સવારે અગિયાર વાગે ઇન્સ્પેક્ટર પરમાર એક પોલીસવાન લઈ ગાંધીનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પીએસઓને સૂચના આપી : બધા પોલીસ-અધિકારીઓને બહાર લઈ આવો. તેમને સીઆઇડી ક્રાઇમ લઈ જવાના છે. પીએસઓએ લૉકઅપ ખોલી બધાને બહાર કાઢ્યા. પરમારે વછરાજાનીને સલામ કરી અને કહ્યું, “સર, આપણે ઑફિસ જવાનું છે.” આ લોકોની ધરપકડ થઈ ત્યારથી પત્રકારો અને કૅમેરામેન તેમને સતત ફોલો કરતા હતા. પરમાર તે બધાથી બચાવી પોલીસ-અધિકારીઓને સીઆઇડી ક્રાઇમની ઑફિસ લઈ આવ્યા.

પંત આવી ગયા હતા. પરમારે જાણ કરી કે બધા પોલીસ-અધિકારીઓને તે લઈ આવ્યા છે, એટલે પંતે કહ્યું, “સૌથી પહેલાં તમે વછરાજાનીને એકલાને જ મારી ચેમ્બરમાં લઈ આવો.” પરમાર થોડી વારમાં વછરાજાની સાથે ચેમ્બરમાં દાખલ થયા. વછરાજાનીએ પંતને સલામ કરતાં કહ્યું, “જયહિંદ સર.” પંતે જોયું કે ધરપકડ બાદ વછરાજાનીની બૉડી લૅંગ્વેજમાં ખાસ કોઈ ફેર પડ્યો ન હતો. પંતનો બધાને લૉકઅપમાં મૂકવાનો જે ઇરાદો હતો, તે વછરાજાનીમાં સફળ થયો હોય તેવું લાગ્યું નહીં. પંતે વછરાજાનીને બેસવાની સૂચના આપી. પરમાર હાથમાં કાગળો લઈ ઊભા હતા. એટલે પંતે તેમને પણ પોતાની ડાબી તરફની ખાલી ખુરશીમાં બેસવાનો આદેશ આપ્યો. પંતે સૌજન્ય ખાતર પૂછ્યું, “વછરાજાની, ક્યાં લેંગે? ચા-કૉફી? “વછરાજાનીએ આભાર સાથે કહ્યું, “કુછ નહીં. હમને લે લિયા.” પંતે પરમાર સામે એક નજર કરી અને વછરાજાની સામે જોતાં કહ્યું, “તો હમ કામ શરૂ કરેં?” વછરાજાની જે ખુરશીમાં બેઠા હતા, તેમાં થોડા કડક થઈ બેઠા અને કહ્યું, “સર.”

- Advertisement -

પંતે પૂછ્યું, “મહેશ, વિનય ઔર દિનેશ કો સોલાપુર ભેજને કા આદેશ કિસકા થા?” વછરાજાનીએ સહેજ પણ અચકાયા વગર કહ્યું, “સર, મેરી કોઈ ટીમ સોલાપુર ગઈ હો ઐસા મુઝે યાદ નહીં.” પંત માટે અપેક્ષિત જવાબ હતો. પરમારે કાગળ ઉપર કંઈક નોંધ્યું. પંતે ટેબલ ઉપર પડેલી પોતાની ફાઈલમાંથી કેટલાક કાગળો અને કૉલ-ડિટેઇલ બતાવતાં કહ્યું, “દેખો વછરાજાની, સોલાપુર ડીસીપી નયન કુલકર્ણી કા સ્ટેટમેન્ટ કહેતા હૈ કિ નાયર ઔર ઉનકી ટીમ સોલાપુર આઈ થી. ઉનકે રહને કા બંદોબસ્ત કરને સે નિઝામ, રૂપા ઔર રામ કો પિક કરને મેં સોલાપુર પોલીસને હી લૉજિસ્ટિક સપૉર્ટ દિયા થા.” પછી કૉલ-ડિટેઇલ બતાવતાં કહ્યું, “દેખો યહ તીનોં પુલિસ અફસરોં કા લોકેશન સોલાપુર હી દિખાતા હૈ.” વછરાજાની શાંત બેસી રહ્યા. પંતે કહ્યું, “ઇસકા મતલબ હૈ વછરાજાની…” વછરાજાનીએ પરમાર શું નોંધ કરે છે તે કાગળ ઉપર નજર કરી અને પૂછ્યું : “સર, મૈં પહલે ભી કહ ચુકા હૂં કિ મેરી કોઈ ટીમ સોલાપુર ગઈ હો, ઔર મૈંને ઉન્હેં કોઈ ટાસ્ક મેં ભેજા હો ઐસા મેરે રેકર્ડ પે નહીં હૈ.” પંતે તરત ખુદ વછરાજાનીના મોબાઇલ રેકર્ડને સામે મૂકતાં કહ્યું, “દેખો, નાયર સોલાપુર સે આપકે સાથ રેગ્યુલર બાત કરતા થા. યહ આપકા હી નંબર હૈ ના?” વછરાજાનીએ ધ્યાનથી કાગળ ઉપર નજર નાખી અને કહ્યું, “સર, યહ મેરા હી નંબર હૈ. લેકિન નાયર કહાં સે બાત કરતા થા ઉસ કે બારે મૈં કૈસે બતા સકતા હૂં?”

પંત વિચાર કરવા લાગ્યા. ફરી વખત તેમણે વછરાજાનીનો જ રેકર્ડ સામે મૂકતાં કહ્યું : “આપને જબ ભી નાયર સે બાત કી ઉસકે પહલે યા બાદ મેં જાડેજા સે ભી બાત કી હૈ. જાડેજા કે સાથ કિસ વિષય મેં બાત હોતી થી?” “સર, જાડેજા કે સાથ તો રેગ્યુલર કોઈ ના કોઈ કેસ કો લેકે બાત હોતી થી, ઇસ વક્ત ક્યા બાત હુઈ યહ કહના મેરે લિયે મુશ્કિલ હૈ.” સતત સવાલો અને જવાબો ચાલતા રહ્યા. વછરાજાની મોટા ભાગના પ્રશ્નોના જવાબમાં “પતા નહીં” અથવા “યાદ નહીં” તેવું જ કહેતા રહ્યા. પણ પંત થાક્યા અને ગુસ્સે થયા વગર પ્રશ્નો પૂછતા રહ્યા. પરમારને પણ આશ્ચર્ય થતું કે, વછરાજાની રીતસર મૂર્ખ બનાવી રહ્યા હતા! તેમ છતાં પંત પોતાના સ્વભાવ વિરુદ્ધ કઈ રીતે શાંત રહી શકતા હતા! આમ અઢી વાગી ગયા. પંતે ચાલુ સવાલોમાં જ ઘરે ફોન કરી જાણ કરી હતી, જમવા માટે ઘરે નહીં આવે પણ ત્રણ લોકો જમી શકે એટલું ટિફિન મોકલી આપવા જણાવ્યું હતું.

પંતે જ્યારે ત્રણ વ્યક્તિઓ માટે જમવાની સૂચના આપી ત્યારે વછરાજાની અને પરમારને બંનેને મનમાં એકસરખો જ સવાલ થયો હતો કે, ત્રણ વ્યક્તિઓનું ટિફિન કોના માટે હતું?! પંતે ઇન્ટરકૉમ ઉપર ફોન કરી પરમારની ચેમ્બરમાં બેઠેલા પોલીસ-અધિકારીઓ માટે પણ જમવાની વ્યવસ્થા કરી દેવાની સૂચના આપી હતી. પરમારને લાગ્યું કે પંતનું મગજ એક જ સમયે અનેક બાબતો ઉપર કામ કરે છે. બીજો અડધો કલાક સવાલ અને જવાબ ચાલતા રહ્યા. ત્રણ વાગ્યા, ત્યાં પંતનો ડ્રાઇવર ચેમ્બરમાં ટિફિન લઈ દાખલ થયો. પરમાર સવાલ- જવાબ નોંધી થાકી ગયા હતા. ટિફિન જોતાં તેમને મનમાં રાહત થઈ કે હવે પંત સાહેબ જમવા બેસશે એટલે અડધો કલાકની રાહત મળશે. પણ ડ્રાઇવરને પોતાની ચેમ્બરની જમણી તરફ ખૂણામાં રહેલા સોફા અને ટિપાઈ તરફ ઇશારો કરી કહ્યું : “વહાં ટિફિન લગા દો. હમ તીન લોગ હૈં, તીનોં ખાયેંગે. પીએસ કે પાસ સે તીન ડિશ ભી લે લો.” પરમારે અને વછરાજાનીએ તરત કહ્યું, “નહીં નહીં સર, આપ ખાના ખા લો.” પંતે હસતાં હસતાં કહ્યું, “અરે વછરાજાની, ઇતની ક્યા નારાજગી હમ સે, હમારે સાથ આપ ખાના ભી નહીં ખા સકતે?” વછરાજાનીએ કહ્યું, “ઐસી બાત નહીં.” અને તે જમવા તૈયાર થઈ ગયા.

- Advertisement -

પરમારે કહ્યું, “સર, આપ દોનોં ખાના ખાઓ. મૈં ટિફિન લેકે હી નિકલતા હૂં.” પરમારને સંકોચ થતો હતો, કારણ, પંત અને વછરાજાની બંને આઇપીએસ અધિકારી હતા. પંતે કહ્યું, “કોઈ બાત નહીં. પરમાર, એક કામ કરો. આપકા ટિફિન ભી યહીં પે લે આઓ. આજ હમ સાથ મેં ગુજરાતી ખાના ભી ખાયેંગે.” પરમાર પાસે હવે કોઈ બહાનું ન હતું. તે પોતાનું ટિફિન લઈ પંતની ચેમ્બરમાં આવ્યા. જમતી વખતે પંત આગ્રહ કરી કરી વછરાજાનીની ડિશમાં જમવાનું મૂકતા હતા. એક જ માણસનાં કેટલાં રૂપ હોય તે પરમાર જોઈ રહ્યા હતા. જ્યારે વછરાજાની પણ પંતને સમજી શકતા ન હતા. જે પંત તેમને જેલમાં મોકલવા માટે પોતાની તમામ શક્તિ કામે લગાડતા હતા, તે આટલો આગ્રહ કરી જમાડતા હતા. ક્યારેક પંત પરમારના ટિફિનમાંથી પણ શાક લેતા હતા. પરમારને સારું લાગતું હતું. ત્યારે અચાનક વછરાજાનીને હસવું આવી ગયું. પંત અને પરમાર બંનેના ધ્યાનમાં આવ્યું કે, વછરાજાની હસી પડ્યા. પંતે કોળિયો મોઢામાં મૂકતાં પૂછ્યું : “ક્યા વછરાજાની… ક્યા હુવા?” વછરાજાનીએ હસતાં હસતાં જ જવાબ આપ્યો : “કુછ નહીં.” પંતે કહ્યું, “અરે ભાઈ, હમેં ભી બતાઓ આપકી હંસી કા રાઝ. જરા હમ ભી હસ લે.”

વછરાજાનીએ કહ્યું, “સર, બતાઉંગા તો આપ નારાજ હો જાયેંગે.” પંતે હાથનો ઇશારો કરી કહ્યું, “નારાજ, બિલકુલ નહીં, બતાઓ.” વછરાજાનીએ પાણીનો એક ઘૂંટ મારી ગ્લાસ ટિપાઈ ઉપર મૂકતાં હસતાં હસતાં કહ્યું, “સર, બકરે કો હલાલ કરને સે પહલે ખિલાયા જાતા હૈ… ક્યૂં?” પંત પણ હસી પડ્યા. તેમને લાગ્યું કે તેમના મોઢામાં રહેલો કોળિયો બહાર નીકળી જશે. તેમણે પોતાના મોઢાની આગળ હાથ રાખ્યો. પછી હસવું રોકતાં કહ્યું, “અરે વછરાજાની, ઐસા નહીં. લેકિન મુઝે અચ્છા લગા કિ એસી સ્થિતિ મેં આપ હસ સકતે હો.” જમીને ઊભા થયા પછી તે પોતાની ખુરશી ઉપર પાછા આવીને બેસી ગયા. તેમણે કંઈક વિચાર કર્યો અને પોતાના ટેબલના ડ્રૉઅરમાંથી સિગારેટનું પાકીટ કાઢી, વછરાજાની સામે જોતાં કહ્યું, “સ્મોકિંગ કા આપકો એતરાજ તો નહીં?” વછરાજાનીએ કહ્યું, “નો સર.” પછી પંતે સિગારેટ સળગાવી. સિગારેટ પીતાં પીતાં તેઓ પાછળ તરફ નમ્યા અને તેમના મોઢામાંથી નીકળતા ધુમાડાઓ વચ્ચે વિચારો પણ હવામાં ભળી જતા હોય તેવું લાગી રહ્યું હતું. પંત સિગારેટ પી રહ્યા હતા ત્યારે રૂમમાં નીરવ શાંતિ હતી. પરમાર અને વછરાજાની બંનેને ખબર હતી કે, પંત એટલા બધા વિચારોમાં છે કે તેમને અન્ય કોઈની હાજરીનો ફર્ક પડતો જ નથી.

સિગારેટ પૂરી થતાં તેમણે ઍશટ્રેમાં સિગારેટ હોલવી નાખી અને ફરી સીધા ટટ્ટાર થઈ બેસતાં પરમારને આદેશ આપ્યો કે, “એક કામ કરો. જાડેજા કો ભી બુલા લો.” હજી વછરાજાનીનો જવાબ અધૂરો હતો, ત્યાં જાડેજાને કેમ બોલાવ્યા તેવો પ્રશ્ન પરમારને થયો. તેમ છતાં તેઓ ‘સર’ કહી ઊભા થઈ જાડેજાને બોલાવવા બહાર નીકળ્યા. વછરાજાનીને લાગ્યું કે કદાચ પંત જાડેજા અને તેમને સામસામે બેસી સવાલ પૂછશે. પરમાર બહાર ગયા એટલે પંત ફાઈલના કાગળો ફેરવી કંઈક વાંચી રહ્યા હતા. વછરાજાની તેમને જોઈ રહ્યા હતા. બે મિનિટ પછી પંતના કાને અવાજ પડ્યો : “જયહિંદ સર.” પંતે જોયું તો જાડેજા દરવાજો ખોલી અંદર આવી ઊભા હતા. બાજુમાં પરમાર પણ હતા. પંતે કહ્યું, “અરે જાડેજા, આઇયે.”

- Advertisement -

જાડેજા બેઠા. તેની સાથે પંતે વછરાજાની સામે જોતાં કહ્યું, “આપ એક કામ કીજિયે. મૈં આપકો બુલાતા હૂં, તબ તક મૈં જાડેજા સે બાત કર લેતા હૂં.” વછરાજાની જવા માટે ઊભા થયા પણ તેમને કંઈ સમજાયું નહીં. જોકે આવું કરવા પાછળ પંતના મનમાં એક ચોક્કસ તર્ક હતો. જો પહેલાં વછરાજાનીને બહાર મોકલી પછી જાડેજાને બોલાવવામાં આવે તો વછરાજાની અને જાડેજા વચ્ચે વાત થઈ જાય કે અગાઉ કયા પ્રશ્ન પુછાઈ ચૂક્યા, એટલે પહેલાં તેમણે જાડેજાને અંદર બોલાવી લઈ પછી વછરાજાનીને જવા દીધા હતા.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular