Wednesday, November 11, 2026
HomeGujaratDIG વિવેક પંતે આરોપી IPS, PI અને PSI સહિત તમામને એક સાથે...

DIG વિવેક પંતે આરોપી IPS, PI અને PSI સહિત તમામને એક સાથે સમન્સ આપ્યા અને… | શતરંજ-86

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-86, નવજીવન ન્યૂઝ): ડીજીપી રામકિશોર ચૌબેનો ફોન આવ્યા પછી ડીઆઇજી વિવેક પંત શાંત બેસી રહ્યા. પછી તેમણે ઇન્સ્પેક્ટર પરમારને ફોન જોડી કહ્યું, “પરમાર, એક કામ કરો… વછરાજાની, જાડેજા ઔર નિઝામ કેસમેં સામેલ હુઈ થી વહ એટીએસ કી ટીમ ઔર રાજસ્થાન પુલિસ કે એસપી રાયસિંગ રાઠોડ સમેત સબકો આજ હી સમન્સ કર દો. અગર ઉનકે પાસ વક્ત હોગા તો સભી કા આજ હી સ્ટેટમેન્ટ લેંગે.” પરમાર વિચારમાં પડી ગયા. હજી ગઈ કાલે રાજસ્થાન પોલીસના ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત અને તેમનો સ્ટાફ આવ્યો હતો, તેમના સ્ટેટમેન્ટ પણ થયાં નથી, ત્યારે એકસામટા આટલા બધા પોલીસ-અધિકારીઓનાં સ્ટેટમેન્ટ કેવી રીતે થશે? પરમારે સવાલ કરતાં કહ્યું, “સર, એકસાથ સબકો બુલાને કા ક્યા મતલબ હૈ? ઇતને સારે કે સ્ટેટમેન્ટ એકસાથ કૈસે હો સકતે હૈં?” પંતે પહેલી વખત સત્તાવાહી અવાજમાં પરમાર સાથે વાત કરતાં કહ્યું, “પરમાર, આપકો જો કહા ગયા હૈ વહ કરો.” બીજી જ ક્ષણે તેમને અહેસાસ થયો કે, પરમાર સાથે આવી રીતે વાત કરવી જોઈએ નહીં. પરમારને પણ લાગ્યું કે પંત સાહેબ આવી રીતે તેમની સાથે ક્યારેય વાત કરતા નથી. કદાચ કંઈક મોટી ગરબડ થઈ હશે. તેના કારણે તેમનો મૂડ બગડ્યો હશે.

જોકે પંતે તરત વાત વાળી લેતાં કહ્યું, “પરમાર, અભી મુઝે ડીજીપી સા’બ કા ફોન થા. ઉનકા આદેશ થા કિ રાજસ્થાન પુલિસ કા આજ હી સ્ટેટમેન્ટ હો જાના ચાહિયે. તો મૈંને સોચા રોજ રોજ ક્યા ઝંઝટ? એક હી દિન મેં સબ નિપટા દેતે હૈં.” પરમાર સ્તબ્ધ થઈ ગયા. પંત કંઈ સ્પષ્ટ બોલ્યા ન હતા, છતાં ઘણુંબધું કહી ગયા હતા. પંતે ફોન મૂકી દેતાં, પરમારે તરત સ્ટેટ કંટ્રોલરૂમને ફોન જોડ્યો અને વર્ધી આપી કે ડીએસપી જે. કે. વછરાજાની, ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજા, એટીએસના પોલીસ-ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ અને રાજસ્થાન એસટીએફના એસપી રાયસિંગ રાઠોડને આજે સીઆઈડી ક્રાઇમ સામે નિવેદન નોંધાવી જવા જણાવ્યું હતું. પરમારને મનમાં શંકા હતી કે, આ બધા આજે મોકલવામાં આવેલા સમન્સને કારણે આવશે કે નહીં! પરમાર પોતાની નોકરીના અનુભવના આધારે શું બની રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

- Advertisement -

અગિયાર વાગતાં પરમાર પોતાની ઑફિસમાં પહોંચી ગયા હતા. થોડી વારમાં પંત સાહેબનું તેડું આવતાં તે તેમને મળવા ગયા. પરમારના મનમાં અનેક શંકા હતી, પણ પંતનો ચહેરો એકદમ શાંત હતો. પરમારને જોતાં પંતે કહ્યું, “બહુત સોચતે હો પરમાર? ચિંતા મત કરો. આજ પૂરે દિન મૈં ઑફિસ મેં હૂં.” પછી તરત સવાલ કર્યો, “આપને સબ કો સમન્સ તો કર દિયા હૈ ન?” પરમારે કહ્યું, “સર, શૉર્ટ નોટિસ થી. ઇસ લિયે મૈંને સ્ટેટ કંટ્રોલ કો મૅસેજ કરને કો બોલ દિયા હૈ. મુઝે લગતા હૈ દોપહર તક આ જાયેંગે.” પંતે કહ્યું, “ઠીક હૈ, વો આ જાયે તો સબકો કૉન્ફરન્સ રૂમ મેં બિઠાના ઔર મુઝે બુલાના.” પછી એકલા એકલા હસવા લાગ્યા અને બોલ્યા, પરમાર, ઇતને સારે આરોપીઓ કો કભી એક સાથ દેખા હૈ?”

પરમારને લાગ્યું કે પંત કોઈ ભેદી ચાલ ચાલી રહ્યા છે. પણ હવે તેમનું નેક્‌સ્ટ સ્ટેપ શું હશે તેની ખબર પડતી ન હતી. પરમાર પોતાની ચેમ્બરમાં પાછા ફર્યા. તેમને કંઈક યાદ આવ્યું. તેમણે આદેશને ફોન કર્યો અને ધીમા અવાજે કહ્યું, “આદેશભાઈ, લાંબી વાત થશે નહીં. ધ્યાનથી સાંભળો… હમણાં કોઈને વાત કરતા નહીં. પંત સરને પણ નહીં. પણ ઍલર્ટ રહેજો. કંઈક નવાજૂની થશે.” આટલું કહી ફોન મૂકી દીધો. બે વાગે પટાવાળો દોડતો કહેવા આવ્યો, “સાહેબ, વછરાજાની સાહેબ આવે છે.” જમાનો વછરાજાનીનો હતો. તેમના નામના સિક્કા પડતા હતા. પોતે એસપી હોવા છતાં ડીજીપી કોણ થશે તે નક્કી કરવામાં તેમનો નિર્ણય મહત્ત્વનો રહેતો હતો. પરમાર તરત ઊભા થઈ પોતાની ચેમ્બરની બહાર આવ્યા. વછરાજાની સાથે જાડેજા અને રાઠોડ પણ હતા. પરમારે તેમને ત્રણેયને સલામ કરી. વછરાજાનીએ તરત પોતાની સ્ટાઇલમાં કહ્યું, “પરમાર, તમારો વટ છે. તમે એકસાથે ત્રણ ત્રણ આઇપીએસ અધિકારીને બોલાવી લીધા!” પરમારે તરત સંકોચ સાથે કહ્યું, “ના સર, આવું ના કહો, હું તો ચિઠ્ઠીનો ચાકર છું.” વછરાજાનીએ તરત કહ્યું, “અરે પરમાર, મજાક છે. હું પણ પોલીસવાળો જ છું. મને પણ ખબર છે આપણી નોકરીની કોઈ ચિંતા કરતા નહીં. તમે તમારું કામ જ કર્યું છે.” પરમારે નમ્રતા સાથે કહ્યું : “સર, આપણે કૉન્ફરન્સ રૂમમાં પાંચમા માળે બેસવાનું છે.” વછરાજાની પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા. પરમારે તેમનો ચહેરો જોઈ કહ્યું, “સર, વિવેક પંત સાહેબની સૂચના છે.”

વછરાજાની મજાકના મૂડમાં હતા. “અરે પરમાર, તમે કહો ત્યાં જઈએ. અમે આપના સમન્સના આધારે અહીંયાં આવ્યા છીએ.” પરમારે તેમને પાંચમા માળે આવેલા કૉન્ફરન્સ-હૉલ તરફ જવાનો ઇશારો કર્યો. જાડેજાએ પાછળ આવી રહેલા ઇન્સ્પેક્ટર કેતન રાજપૂતને કહ્યું, “કેતન, આપણા બાકીના ઑફિસરોને પણ પાંચમા માળે બોલાવી લે.” બધા સીડી ચઢી પાંચમા માળે જવા લાગ્યા. બધા ઉપર તરફ નીકળી ગયા પછી પરમાર ઉતાવળે પંતની ઑફિસ તરફ ગયા અને પંતને જાણ કરી કે, બધા ઑફિસરો આવી ગયા છે. પરમારે જોયું કે પંતના ચહેરા ઉપર કંઈક ખુશી હતી અથવા નવી સોગઠી મારતાં પહેલાં તેમના ચહેરા ઉપર આવતું સ્મિત હતું. પરમાર પોતાની ચેમ્બરમાં ગયા. પોતાના ત્રણ કૉન્સ્ટેબલોને કાગળો સાથે પોતાની સાથે આવવાની સૂચના આપી અને પોતે પણ કૉન્ફરન્સ-હૉલમાં પહોંચ્યા. જતાં પહેલાં તેમણે બધા માટે ચાનો ઑર્ડર પણ આપી દીધો. પરમાર ચેમ્બરમાં દાખલ થયા ત્યારે બધા જ ઑફિસરોની નજર તેમની તરફ હતી. પરમારને સંકોચ થઈ રહ્યો હતો, જાણે તે કોઈ જાદુ કરવાના હોય તેમ બધાની આંખોમાં વિસ્મય હતું. પરમાર એકલા જ જાણતા હતા કે, આ બધાને કેમ ભેગા કર્યા છે! તેની તેમને પોતાને જ ખબર ન હતી. ત્યાં જ ચા આવી એટલે ઇન્દ્રસિંહ જાડેજાને બાદ કરતાં બધા જ ચા પીવા લાગ્યા. જાડેજાનો ચહેરો ગંભીર હતો. તેમને કોઈ વાતની ગંધ આવી રહી હતી, પણ વછરાજાની અને રાઠોડના આગ્રહને કારણે તે આવવા તૈયાર થયા હતા. બાકી તેમની ઇચ્છા તો આજે મુદત લઈ લેવાની જ હતી.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular