Tuesday, November 10, 2026
HomeGujaratગુજરાત પોલીસમાં આંતરિક રાજકારણ એટલું ગરમ કે એક અધિકારી બીજાને પાડી દેવા...

ગુજરાત પોલીસમાં આંતરિક રાજકારણ એટલું ગરમ કે એક અધિકારી બીજાને પાડી દેવા દાવપેચ કરે | શતરંજ-85

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-85, નવજીવન ન્યૂઝ): સવારે પહેલી ફ્લાઇટ પકડી રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી ઓમ મીણા અમદાવાદ આવ્યા. તેમને રિસીવ કરવા માટે રાજસ્થાન એસટીએફના એસપી રાયસિંગ રાઠોડ અમદાવાદ ઍરપૉર્ટ ઉપર હાજર હતા. જોકે મંત્રી અમર ઠાકોરને પણ જાણ કરી હોવાને કારણે ગુજરાત સરકારના પ્રોટોકૉલ અધિકારી પણ સરકારી વાહન પાઇલોટ-ઍસ્કોર્ટ કાર સાથે હાજર હતા. મીણા જેવા ઍરપૉર્ટની બહાર નીકળ્યા તેની સાથે રાઠોડે તેમને સલામ કરતાં મીણાએ આદેશાત્મક ભાષામાં કહ્યું, “રાઠોડ, આપ મેરી હી કાર મેં ગાંધીનગર ચલો. હમ રાસ્તે મેં બાત કર લેતે હૈં.” થોડીક જ મિનિટમાં ગુજરાત સરકારની કાર ઓમ મીણાને લઈ ગાંધીનગર જવા રવાના થઈ.

મીણાએ રાઠોડ સામે જોતાં, તેમણે વાતની શરૂઆત કરતાં કહ્યું, “સર, હમ પૂરે મામલે સે અનજાન થે. આપકા હુકમ હુવા ઔર નિઝામ કો લેને અહમદાબાદ આયે થે. બાદમેં આપને જો આદેશ દિયા ઉસ પ્રકાર કી કાર્યવાહી હમને કી. હમેં યહ ભી માલૂમ નહીં થા કિ નિઝામ કો કહાં સે લાયે. ઉસકે સાથ ઉસકી બીબી રૂપા થી. નિઝામ કા ઑપરેશન કર ડાલા ઔર રામ કો ગિરફતાર દીખા દિયા. લેકિન સર, ગુજરાત પુલિસ કા ઇન્ટરનલ પુલિટિક્સ બહુત ખરાબ હૈ. યહાં હર અફસર દૂસરે કો ગિરાને પે તુલા હૈ. અગર હમેં પહલે યહ બાત પતા હોતી. હમ આપકો મના કર દેતે. આજ સ્થિતિ યે આકે ખડી હૈ, જૈસે પૂરી ઘટના કો રાજસ્થાન પુલિસને ઇસ મુકામ પે પહોંચાયા. હમારે અફસર ડરે હુવે હૈ. કલ પૂરા દિન ચોર-ઉચ્ચકો કી તરહ ઉન્હેં સીઆઇડી કી ઑફિસ મેં બિઠા કે રખા.” શ્વાસ લેતાં બારી બહાર નજર નાખતાં રાઠોડે કહ્યું, “સર, બહુત બુરા લગ રહા હૈ.” ઓમ મીણા રાઠોડની લાગણી સમજી શકતા હતા. રાજસ્થાન પોલીસમાં અને રાજસ્થાનના લોકોમાં રાઠોડનું વિશેષ માન હતું અને એટલે જ રાઠોડના એક ફોન ઉપર ગૃહમંત્રી પોતે ગાંધીનગર દોડી આવ્યા હતા.

- Advertisement -

મીણાએ પોતાની બાજુમાં બેઠેલા રાઠોડના ખભા ઉપર હાથ મૂકતાં કહ્યું , “રાઠોડ, આઇ અંડરસ્ટૅન્ડ યુ, મૈં આપકી ફીલિંગ કી કદર કરતા હૂં. જબ આપ કા ફોન આયા મુઝે ભી બુરા લગા. મૈંને તુરંત મંત્રી અમરજી કો કૉલ કરકે અપની નારાજગી જતાઈ થી. ઉન્હોંને કહા કિ મુજે ગાંધીનગર આને કી કોઈ આવશ્યકતા નહીં. ફિર ભી મૈંને કહા… નહીં, મેરે અફસર વહાં હૈ તો મુઝે આના હી પડેગા. ઉન્હોંને ગુજરાત ડીજીપી કો ભી હાજિર રહને કી સૂચના દે દી હૈ.” ત્યારે જ તેમની કાર ઇન્દ્રોડા સર્કલથી જમણી બાજુ વળીને મંત્રીઓના નિવાસસ્થાન તરફ દોડવા લાગી. જોકે રાયસિંગ રાઠોડનું મન શાંત ન હતું, ઘણી ઊથલપાથલો ચાલી રહી હતી. પોલીસ ફૉર્સમાં જોડાયા પછી ક્યારેય તેમને કોઈ કામનો અફસોસ થતો ન હતો, પણ આજે થઈ રહ્યો હતો. ગાંધીનગર સર્કિટહાઉસ પછી તરત તેમનો રસાલો જમણી તરફ મંત્રીઓના નિવાસસ્થાન તરફ વળ્યો. અગાઉથી સૂચના હોવાને કારણે તેમની પાઇલોટ કાર સાથે હતી. તેના કારણે મંત્રીના નિવાસસ્થાનની બહાર લાગેલી બૅરિકેડ હટાવી લેવામાં આવી હતી. મંત્રી મીણાની કાર મંત્રી અમર ઠાકોરના બંગલોના પૉર્ચમાં આવતાં એક ખડતલ દેહવાળો માણસ બહાર આવ્યો. રાઠોડને લાગ્યું કે, આ માણસ જાણે પોતાને જ ઊંચકીને ચાલતો હોય તેવું લાગે છે. ગોરો રંગ, માથે ચકચકાટ ટાલ, કોઈ ગર્ભવતી સ્ત્રી કરતાં પણ મોટું પેટ હતું. રાઠોડ તેને જ જોઈ રહ્યો હતો. તરત મીણાને ખ્યાલ આવ્યો કે, રાઠોડ મંત્રી અમરને ઓળખતા નથી. એટલે ઇશારો કરતાં રાઠોડ સમજી ગયો. જેવા મંત્રી અમર મીણાને રિસીવ કરવા બહાર આવ્યા તેની સાથે રાઠોડે સલામ કરી.

મીણાએ પરિચય આપતાં કહ્યું, “અમરજી, યહ હમારે એસપી રાયસિંગ રાઠોડ હૈ.” તરત અમરે હાથ લાંબો કરી રાઠોડ સાથે હાથ મિલાવતાં કહ્યું, “ક્યા રાઠોડજી, ઇતની છોટી સી બાત કે લિયે આપને મીણાજી કો તકલીફ દિયા, અરે આપ હમેં કૉલ કર દેતે.” મીણા સામે જોતાં કહ્યું, “યહાં તો હમારા રાજ ચલતા હૈ, પુલિસ કા નહીં.” રાઠોડને પણ એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ તેમણે ટેન્શનમાં આવી મીણા સાહેબને ફોન કરી દીધો. હજી તેઓ પોર્ચમાં વાતો કરતા હતા ત્યારે એક લાલ લાઇટવાળી કાર આવી પહોંચી. તેમાંથી એક અધિકારી ઉતાવળે બહાર નીકળ્યા. રાઠોડ કારની નંબર પ્લેટ ઉપર લાગેલા ત્રણ સ્ટારને કારણે સમજી ગયા કે આ ગુજરાતના ડીજીપી છે. ડીજીપી રામકિશોર ચૌબેએ ઊતરતાં જ ગુજરાત-રાજસ્થાનના બંને મંત્રીઓને એકસાથે સલામ કરી. બીજી જ મિનિટે સાવધાન પૉઝિશનમાં આવી ગયેલા રાયસિંગ રાઠોડે ચૌબે સાહેબને સલામ કરી.

બધા બંગલાના ડ્રૉઇંગરૂમમાં દાખલ થયા. રાઠોડ અને ચૌબે શાંત હતા જ્યારે બંને મંત્રી સાહેબો પોતાનાં રાજ્યોની વાતો કરી રહ્યા હતા. જ્યારે ઓમ મીણાનું ધ્યાન રાઠોડ તરફ ગયું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે મૂળ વાત ઉપર આવવું જોઈએ. તેમણે મંત્રી અમરને વિનંતીના સૂરમાં કહ્યું, “અમરજી, કુછ કરના પડેગા. પાની સર સે ઉપર જા રહા હૈ.” અમરે ડીજીપી ચૌબે સામે જોતાં ચૌબેનો ચહેરો કોઈ ઘરફોડ ચોરને પકડી લાવ્યા હોય તેવો થઈ ગયો. ચૌબે જાણતા હતા કે, તેમની હાલત તો ઘરની વહુ જેવી છે. ઘરના કોઈ નિર્ણયમાં તેમને ભલે કોઈ પૂછતું ના હોય પણ જે ખરાબ થાય તેની જવાબદારી તેમની જ હતી. ચૌબે પોતાના હાથમાં ફાઈલો આગળ કરી કંઈ કહેવા માગતા હતા, પણ અમરે રીતસર ત્રાડ પાડતા કહ્યું : “ચૌબે, તમારી ફાઈલો ફાડી નાખો. મારે તેની સાથે કોઈ નિસબત નથી.” મીણા અને રાઠોડ તરફ ઇશારો કરતાં કહ્યું, “જુઓ, આ લોકો અને તમારા કારણે હું શરમજનક હાલતમાં મુકાયો છું, પણ તમે લાલ લાઇટવાળી ગાડીમાં મજા કરો છો.” મંત્રી અમરનો ગુસ્સો જોઈ મીણા અને રાઠોડ પણ ધ્રૂજી ગયા.

- Advertisement -

મીણા તરત ઊભા થયા અને અમરના ખભે હાથ મૂકતાં કહ્યું, “અરે અમરજી, ઇતના ગુસ્સા મત કીજિયે! આપકા બીપી હાઇ રહેતા હૈ.” પછી ચૌબેનો પક્ષ લેતાં હોય તેમ કહ્યું, “ચૌબે અચ્છે અફસર હૈં, મૈં ઉન્હેં બરસોં સે જાનતા હૂં. શાંતિ સે બાત કીજિયે. કોઈ ના કોઈ હલ તો જરૂર નિકલેગા.” રાઠોડ કંઈ સમજી શક્યા જ નહીં. મંત્રી અમરે જે રીતે ડીજીપી ચૌબેને અપમાનિત કર્યા તે જોઈ તેમને સાચું લાગતું ન હતું કે સામે ડીજીપી છે કે કોઈ પટાવાળો. એક પોલીસ-અધિકારી તરીકે ચૌબેને પોતાનું સ્વમાન પણ નહીં હોય તેવું રાઠોડને લાગી રહ્યું હતું.

અમર માટે પટાવાળો પાણી લઈ આવ્યો. પાણી પીધા પછી અમરે કહ્યું, “સૉરી ચૌબે, હમણાં મારું બીપી ૧૫૦ની ઉપર રહે છે, એટલે ગુસ્સો જલદી આવી જાય છે.” ચૌબેને પણ પોતાના અપમાનનો કોઈ વાંધો ના હોય તેમ તેમણે વળતો ઉત્તર આપ્યો : “કંઈ નહીં સાહેબ. તમે તો અમારા વડીલ છો. આવું ચાલ્યા કરે.” અમરે શાંતિથી વાત આગળ વધારતાં કહ્યું, “ચૌબે, નિઝામ કેસમાં લશ્કર ક્યાં લડી રહ્યું છે તેની મને કે તમને કંઈ ખબર હોતી નથી. રાજસ્થાન પોલીસને સમન્સ નીકળી જાય તેની મને તો ઠીક પણ તમને પણ ખબર ન હતી. આ વિવેકને કંઈ સમજાવો… પોતાની મર્યાદામાં રહે. સુપ્રીમ કોર્ટના જોરે બહુ કૂદવાની જરૂર નથી. તે મને ઓળખતો નથી. એવા કેસમાં અટવાઈ જશે કે રિટાયરમેન્ટ સુધી લડતો જ રહેશે. રાજસ્થાન પોલીસના અધિકારીઓ અહીં જ છે. જલદી જલદી તેમના સ્ટેટમેન્ટ રેકર્ડ કરી તેમને જવા દો. તેમને હેરાન કરવાની કંઈ જરૂર નથી.”

અમરે મીણા અને રાઠોડ સામે જોયું. જાણે તે બરાબર કહી રહ્યા છે કે નહીં! પછી ફરી ચૌબે સામે જોતાં કહ્યું, “વિવેકને કહેજો કે મારી સામે કોઈ વાંધો હોય તો મને ગોળી મારી દે, પણ આખા પોલીસ ફૉર્સ સામે બદલો લેવાની જરૂર નથી. સરકાર તો આવતી-જતી રહે. પણ કોઈ પોલીસ-અધિકારીઓએ પાર્ટી બનવાની ક્યાં જરૂર છે?” મને બધી જ ખબર છે… વિવેક આક્રોશ પાર્ટીવાળાના સંપર્કમાં છે; પણ છોડો, આપણે તેમાં પડવું નથી. મારી પાસે તેના ઇન્ટરસેપ્શન પણ છે. ધારું તો તેની જિંદગી બરબાદ કરી નાખીશ.” મંત્રી અમર ઠાકોર જે કંઈ બોલી રહ્યા હતા તેની પાછળ તેમનો ચોક્કસ ઇરાદો હતો. તે ઇચ્છતા જ હતા કે ચૌબે આ બધી વાતો વિવેક પંતને જઈને કહે. પણ અમર જાણતા ન હતા કે ચૌબે આવી વાત વિવેકને કહી શકે એટલી હિંમત ચૌબેમાં ન હતી.

- Advertisement -

ચૌબે મંત્રીના દરેક વાક્યે ‘સર’ ‘સર’ કહી રહ્યા હતા. કદાચ દોઢસો વખત ‘સર’ બોલી ગયા હશે. ‘તમે નીકળો’ તેમ કહી તેમણે ચૌબેને રજા આપી. ચૌબેને લાગ્યું કે પહેલાં બહાર જઈ બધાં જ ફેફસાંમાં હવા ભરી લઉં. જેમ પાણીમાં અંદર ઊતરેલો તરવૈયો શ્વાસ રોકી રાખે તેમ તેમણે શ્વાસ રોકી રાખ્યો હતો. બહાર નીકળ્યા પછી પહેલો ફોન તેમણે ડીઆઇજી વિવેક પંતને જોડ્યો અને એટલું જ કહ્યું : “વિવેક, આજ વો રાજસ્થાન પુલિસ કે સ્ટેટમેન્ટ લે લેના.” બસ એક પણ શબ્દ વધારે કે ઓછો બોલ્યા વગર ફોન મૂકી દીધો.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular