Friday, October 30, 2026
HomeNationalબદ્રીનાથથી ઋષિકેશ જતું હેલિકોપ્ટર ચમોલીમાં ક્રેશ, પાયલટ સહિત 6નાં મોત; તમામ મૃતદેહ...

બદ્રીનાથથી ઋષિકેશ જતું હેલિકોપ્ટર ચમોલીમાં ક્રેશ, પાયલટ સહિત 6નાં મોત; તમામ મૃતદેહ મળ્યા

- Advertisement -

Uttarakhand Helicopter Crash: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથથી ઋષિકેશ તરફ આવી રહેલું ખાનગી કંપનીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં પાયલટ સહિત છ લોકોનાં મોત થયાં છે. હેલિકોપ્ટર બદ્રીનાથથી પરત ફરી રહ્યું હતું ત્યારે જોશીમઠ નજીક ચાઈ ગામની પહાડી પાસે તેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર મળી આવ્યું હતું અને તેમાં સવાર તમામ છ લોકોનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તમામ મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી છ મુસાફરોને લઈને ઋષિકેશ જવા રવાના થયું હતું. ઉડાન દરમિયાન અચાનક હવામાન ખરાબ થતાં ચમોલી જિલ્લાના ચાઈ અને થાઈંગ ગામ વચ્ચેના પહાડી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. જોશીમઠના મારવાડી વિસ્તાર નજીક ચાઈ ગામની પહાડી પાસે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટ્યા બાદ વહીવટી તંત્ર, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને SDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં પાયલટ હિમાંશુ સભરવાલ (48), પ્રતાપ બચ્ચિહલ્લી નિંગરાજુ (41), અરુણ સાલુંકે (44), સુધીર કે. (49), એચ.એસ. નટરાજ (51) અને શંકરગૌડા વી.બી. (39)નો સમાવેશ થાય છે. હિમાંશુ સભરવાલ પશ્ચિમ દિલ્હીના શાલીમાર બાગના રહેવાસી હતા, જ્યારે અન્ય ચાર મુસાફરો કર્ણાટકના બેંગલુરુ અને તુમકુર વિસ્તારના રહેવાસી હતા. શંકરગૌડા વી.બી. કર્ણાટક સ્ટેટ બાર કાઉન્સિલ સાથે સંકળાયેલા વકીલ હતા.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ચાઈ ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી મળતાં જિલ્લા વહીવટી તંત્ર, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને SDRF દ્વારા સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી હોવાનું પણ જણાવ્યું હતું. શરૂઆતમાં તેમણે ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં પહોંચાડવા સૂચના આપી હતી, જોકે બાદમાં તમામ છ લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular