Suspended IPS Jagdish Patel likely to lose his job permanently : છેલ્લાં કેટલાંક દાયકામાં IPS સહિતના અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ જુદાજુદા કેસમાં મહિનાઓ-વર્ષોનો જેલવાસ અને વનવાસ ભોગવી ચૂક્યાં છે. ગુજરાત કેડરના બે આઈએએસ અધિકારી ગૌરવ દહીયા (Gaurav Dahiya) અને કે. રાજેશ (K Rajesh) ને સરકારે કાયમ માટે રવાના કરી દીધા છે. આ ઘટના ક્રમની આસપાસ એક IPS અધિકારીને ડીસમીસ કરવાની કવાયત ચાલી રહી છે. બિટકોઈનકાંડમાં સજા પામેલા સસ્પેન્ડેડ જગદીશ પટેલ (Jagdish Patel IPS) નો આવનારા દિવસોમાં વારો પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. વર્ષ 2018થી લઈને અત્યાર સુધીમાં જગદીશ પટેલ એક નહીં પરંતુ બબ્બે વખત એક જ કેસને લઈને સસ્પેન્ડ રહી ચૂક્યા છે.
બીટકોઈનકાંડમાં IPS સહિત 14ને સજા પડી
વર્ષ 2018માં સર્જાયેલા બિટકોઈનકાંડ (Bitcoin Extortion) ગુજરાત સહિત દેશભરના સમાચાર માધ્યમોમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. બિટકોઈનકાંડના કારણે ગુજરાત પોલીસ (Gujarat Police) અને રાજ્ય સરકાર (Government of Gujarat) ની આબરૂ દાવ પર લાગી ગઈ હતી. તત્કાલિન અમરેલી જિલ્લા પોલીસ વડા (Amreli SP) જગદીશ પટેલ (J A Patel IPS), અમરેલી LCB પીઆઈ અનંત પટેલ (PI Anant Patel), સીબીઆઈ ઈન્સ્પેક્ટર સુનિલ નાયર (Sunil Nair CBI) કિરીટ પાલડીયા (Kirit Paladiya), વકીલ કેતન પટેલ (Advocate Ketan Patel), પોલીસ કર્મચારીઓ તેમજ પૂર્વ BJP MLA નલિન કોટડીયા (Nalin Kotadiya) સહિત 15 જણાની ધરપકડ થઈ હતી. IPS જગદીશ પટેલ પર આરોપ હતો કે, શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને કરોડો રૂપિયાના બિટકોઈનની લૂંટ (Bitcoin Robbery) ચલાવાઈ હતી. આ મામલે સીઆઈડી ક્રાઈમના તત્કાલિન વડા આશિષ ભાટીયા (Ashish Bhatia IPS) ના માર્ગદર્શન હેઠળ ગુનો નોંધાયો હતો. લાંબી કાનૂની લડાઈ પછી અમદાવાદમાં એબીસીના સ્પેશિયલ જજની કોર્ટે 29 ઑગસ્ટ 2025ના રોજ ચુકાદો આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને તત્કાલીન પીઆઇ અનંત પટેલ સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી.
સસ્પેન્ડેડ જગદીશ પટેલને ઘર ભેગા કરવાની તૈયારી
અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલ સહિતના શખ્સો સામે તપાસ ચલાવી રહેલી સીઆઈડી ક્રાઈમે (CID Crime Gujarat) વર્ષ 2018ની 23 એપ્રિલના રોજ અટકાયત કરી હતી. ધરપકડ, રિમાન્ડ બાદ જગદીશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. તારીખ 3 મે 2018ના રોજ ગૃહ વિભાગે (Home Department Gujarat) જગદીશ એ. પટેલને સસ્પેન્ડ કર્યાની પત્ર લખી જાણ કરી હતી. સાથે સાથે સૂચના આપી હતી કે, J A Patel IPS ને જામીન પછી નિમણૂંક આપવી નહીં. પોણા પાંચ વર્ષ બાદ જે.એ. પટેલને સરકારે વર્ષ 2024માં હાજર કર્યા હતા, પરંતુ મહિનાઓ બાદ તેમને સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોમાં એસપી (SCRB SP) તરીકે નિમણૂક આપી હતી. ઑગસ્ટ-2025માં જગદીશ પટેલને અદાલતે આજીવન કેદની સજા ફટકારતા તેમને સરકારે ફરીથી સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડેડ જગદીશ પટેલને એકાદ મહિના અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોકરીમાંથી કેમ ડીસમીસ ના કરવા તે મામલે ખુલાસો કરવા જણાવ્યું હતું.








