પ્રશાંત દયાળ (શતરંજ-75, નવજીવન ન્યૂઝ): સાંજ પડી ગઈ હતી. ફન ક્લબનો માહોલ રંગીન હતો. મેઘા ખૂબ જ ખુશ હતી. આજે તેની નવમી વર્ષગાંઠ હતી. તેણે પોતાના સ્કૂલના ફ્રેન્ડઝને પણ આમંત્રણ આપ્યા હતા. નાનાં બાળકો તોફાન-મસ્તી કરતા હતા. એક સાંતાક્લોઝ પણ હતો. તે બાળકોને પોતાના થેલામાંથી રમકડાં અને ચૉકલેટ આપતો હતો. ઇન્સ્પેક્ટર મહેશ રાવની આંખો દીકરીની ખુશી જોઈ ભરાઈ આવી હતી. મહેશની આંખમાં પાણી જોઈ બાજુમાં ઊભી રહેલી મહેશની પત્ની કેતાએ પૂછ્યું : “શું થયું?” તરત મહેશે પોતાની આંખોના ખૂણા સાફ કરતાં કહ્યું, “આપણી મેઘા ક્યારે મોટી થઈ ગઈ તેની ખબર જ ના પડી.” કેતા પણ શાંત થઈ ગઈ. તે મેઘાની સામે જોતી હતી. મેઘા પોતાની મસ્તીમાં મસ્ત હતી. મેઘા કેટલાય દિવસથી પોતાની બર્થડે પાર્ટીનું આયોજન કરી રહી હતી. કોને બોલાવવા, કેવી રીતે પાર્ટી કરવી, મેનૂમાં શું રાખવું વગેરેની યાદી બહુ લાંબી હતી.
કેતા પણ લાગણીશીલ બની ગઈ હતી. કેતા ગામડાની છોકરી હતી. મહેશ સાથે લગ્ન કરી પહેલી વખત શહેરમાં આવી હતી. પતિ પોલીસમાં છે તેવું સાંભળી બહુ રાજી થઈ હતી, પણ પછી પોલીસની નોકરીને કારણે સતત બહાર રહેતા પતિને કારણે તે કહેતી કે મને ખબર હોત કે પોલીસની નોકરી આટલી ખરાબ છે તો તમારી સાથે ક્યારેય લગ્ન ન કરત. કેતા સાડી પહેરે ત્યારે મહેશને ખૂબ ગમતી. તે કહેતો, “કેતા, તું રોજેરોજ સાડી પહેરે તો કેવું?” તરત કેતા છણકો કરતાં કહેતી, “એક છોકરીના બાપ થયા. હવે કોઈ નાટક કરવાની જરૂર નથી.” આજે ખાસ કેતાએ સાડી પહેરી હતી. મહેશે તેને કહ્યું ન હતું, પણ મહેશને ગમતું હતું, માટે જ તેણે સાડી પહેરી હતી. ત્યાં જ કેતાનું ધ્યાન પડ્યું… ઇન્સ્પેક્ટર વિનય તોમર અને તેનાં પત્ની આવ્યાં. તેણે મહેશને ઇશારો કરતાં મહેશ અને કેતા બંને વિનયને આવકારવા ગયા. વિનયના હાથમાં મેઘા માટે ગિફ્ટ હતી. વિનયે પૂછ્યું, “ક્યાં છે મારી એંજલ.” કેતાએ તરત બૂમ પાડી.
મિત્રો સાથે મસ્તી કરી રહેલી મેઘાએ પહેલાં મા સામે જોયું. તે જ વખતે તેનું ધ્યાન વિનય તરફ પણ ગયું. તે તરત દોડતી વિનય તરફ આવી અને “વિનય અંકલ…” તેમ કહી વળગી પડી. વિનય અને મહેશ બંને સારા મિત્રો હોવાને કારણે બંનેની અવરજવર એકબીજાના ઘરે હતી. વિનય જ્યારે પણ મહેશના ઘરે આવે ત્યારે મેઘા માટે કંઈ પણ નાનીમોટી ગિફ્ટ લઈ આવતો હતો. તેના કારણે મેઘાને પણ વિનય અંકલ ગમતા હતા. વિનયે તરત મેઘાને તેડી લેતાં કહ્યું, “જાડી, તારું વજન તો જો… કેટલું વધી ગયું…? હવે તું મારાથી ઊંચકાતી પણ નથી.” વિનયની પત્નીએ મેઘાના ગાલ ઉપર ટપલી મારતાં કહ્યું, “બસ, અંકલને જ વ્હાલ કરવાનું? આંટી દેખાતાં નથી?” એટલે મેઘાએ પોતાનો એક હાથ પહોળો કરી આન્ટીને વળગી પડતાં કહ્યું, “આઇ લવ યૂ આન્ટી.” અને બધાં હસી પડ્યાં. વિનયે પોતાના હાથમાં રહેલી બેબીડૉલની ગિફ્ટ મેઘાને આપતાં તે ‘થૅંક્યુ અંકલ’ કહી ગિફ્ટ લઈ ફરી પાછી પોતાના મિત્રો સાથે રમવા ચાલી ગઈ.
પછી તો મહેમાનો આવતા ગયા. જેમાં આઇપીએસ ઑફિસર દિનેશ નાયર પણ હતા. મેઘાએ કેક કાપી પછી બધા પોતપોતાની ડિશ લઈ જમતા હતા. મહેશ, વિનય અને નાયર જમી રહ્યા હતા તે જ વખતે દિનેશ નાયરે પૂછ્યું, “વછરાજાની સર નહીં આયે.” મહેશે પોતાના હાથમાં રહેલો પૂરીનો કોળિયો ડિશમાં મૂકતાં કહ્યું, “સર કા શામ કો ફોન આયા થા. વો આને વાલે થે લેકિન ઉન્હેં બરોડા જાના પડા ઇસલિયે નહીં આ પાયે.” જ્યારે અહીંયાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે ડીજીપી રામકિશોર ચૌબેની ચેમ્બરમાં એક અગત્યની મિટિંગ ચાલી રહી હતી. મિટિંગમાં ત્રણ અધિકારીઓ જ હતા. જેમાં ડીજીપીને બાદ કરતા ડીઆઇજી અક્ષય જૈન અને પોલીસ-ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર હતા. ડીજીપી અને પરમાર સાંભળી રહ્યા હતા, જ્યારે ડીઆઇજી ફાઈલમાંથી એક પછી એક કાગળો કાઢી ડીજીપી ચૌબેને કંઈ સમજાવી રહ્યા હતા. દરેક વખતે ડીજીપીને લાગી રહ્યું હતું કે જૈન કહી રહ્યા છે, તે વાત સાચી હતી. પરમાર સાક્ષીભાવે આખી મિટિંગને જોઈ રહ્યા હતા. તેમને સમજાતું ન હતું કે આ મિટિંગ બોલાવવા પાછળનો ઇરાદો શું છે. ક્યારેક જૈન પરમાર સામે જોઈને પોતાની વાત સાચી છે કે નહીં તેવું પૂછતા ત્યારે પરમાર માત્ર ‘સર’ કહીને જવાબ આપતા હતા. મિટિંગ દરમિયાન ડીજીપી ચૌબે ઊભા થઈ બે વખત પોતાની ઍન્ટિ ચેમ્બરમાં ગયા હતા અને ફોન ઉપર વાત કરી પાછા આવ્યા હતા. રાતના નવ વાગી ગયા હતા. મિટિંગ પૂરી થવા આવી હતી. ખબર નહીં કેમ પરમારના ચહેરા ઉપર એક પ્રકારની ગમગીની આવી ગઈ હતી. આવું કેમ થઈ રહ્યું છે તેવું પરમાર પોતાની જાતને પૂછી રહ્યા હતા.
ડીજીપી રામકિશોર ચૌબે ઊભા થતાં અક્ષય જૈનને કહ્યું, “ઓ કે અક્ષય, કૅરિઑન.” આટલું કહી તેઓ ચાલવા લાગ્યા. વિનોદ પરમાર પોતાની સરકારી કાર સાથે અમદાવાદ આવવા નીકળ્યા. તેમની કારમાં બે કૉન્સ્ટેબલો હતા. પાછળ પણ બીજી બે કાર સીઆઇડી ક્રાઇમની હતી. પરમાર તેમને તપાસ સોંપી ત્યાંથી લઈ હમણાં સુધી બનેલી ઘટનાઓનો ઘટનાક્રમ તપાસી રહ્યા હતા : કેસમાં કેટલા ઉતાર-ચઢાવ આવ્યા હતા; કઈ રીતે માણસો બદલાઈ રહ્યા હતા; રાજકીય ઘટનાઓ કેવો વળાંક લઈ રહી હતી. તેમને લાગી રહ્યું હતું જાણે કોઈ હિંદી ફિલ્મમાં બનતું હોય તેવું જ થઈ રહ્યું હતું. ત્યાં જ તેમની કાર ઊભી રહી. ડ્રાઇવરે પૂછ્યું, “અહીંયાં જ સર? “તેમણે બારીમાંથી બહાર જોયું. ફન ક્લબનું બોર્ડ ઝગારા મારી રહ્યું હતું. ક્લબના પાર્કિંગમાં એક કરતાં એક મોંઘી કારની લાઇનો લાગી હતી. ક્યારેક કોઈ સુંદર કપલ તો ક્યારેક છેલબટાઉ છોકરા-છોકરી ક્લબમાંથી નીકળી રહ્યાં હતાં. પરમાર બે મિનિટ સુધી કારમાં બેસી રહ્યા. તે કારમાંથી નીચે ઊતરતાં તેમની સાથે આવેલા પોલીસવાળા પણ તરત નીચે ઊતર્યા, પાછળ રહેલી કારમાં રહેલા જવાનો પણ બહાર આવ્યા.
પરમારે બધાને ત્યાં રોકતાં કહ્યું : “અહીંયાં જ ઊભા રહો. હમણાં આવું છું.” તે ક્લબમાં દાખલ થયા, ગેટ ઉપર ઊભા રહેલા દરવાનને પરિચય આપતાં તેમણે માત્ર પોલીસ કહેતા, દરવાને સલામ કરી. સાથે દરવાનને ખબર હતી કે, મહેશ રાવની પાર્ટી ક્યાં છે. એટલે તેણે કહ્યું : “સર, આગે જાકે બાયેં મૂડ જાના. વહીં પાર્ટી ચલ રહી હૈ.” પરમાર દરવાનની સૂચના પ્રમાણે ગયા. તેમણે દૂરથી જ જોયું… પાર્ટી પૂરી થઈ ગઈ હતી. મોટા ભાગના મહેમાનો, ખાસ કરી મેઘાના નાના દોસ્ત જતા રહ્યા હતા. મહેશ, વિનય અને દિનેશ નાયર બેસીને ગપ્પાં મારી રહ્યા હતા. તેમની બાજુમાં વિનય અને મહેશની પત્ની પણ ટોળ-ટપ્પાં કરી રહી હતી. પરમાર આગળ વધ્યા. હજી તેમની તરફ કોઈનું ધ્યાન ન હતું. પરમાર જ્યારે છેક તેમની નજીક પહોંચી ગયા ત્યારે સૌથી પહેલાં વિનયનું ધ્યાન પરમાર તરફ ગયું. પરમાર તેમના કરતાં સિનિયર હતા એટલે તરત ઊભા થતાં ‘નમસ્તે’ કહ્યું. પરમારે જોયું કે નાનકડી મેઘા થાકીને મહેશના ખોળામાં માથું મૂકી સૂઈ રહી હતી. એટલે તેમણે મહેશને ઇશારા સાથે કહ્યું, “રાવ, કંઈ વાંધો નહીં. દીકરી સૂઈ રહી છે.” પરમારે આઇપીએસ ઑફિસર દિનેશ નાયરને સલામ કરતાં કહ્યું, “ગુડ ઇવનિંગ સર.” નાયરને હજી પરમારનો પરિચય ન હતો. તેમણે મહેશ અને વિનય સામે જોયું. વિનયે કહ્યું, “સર, ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર, સીઆઈડી ક્રાઇમમાં છે.” આ સાંભળી નાયરે કહ્યું : “અરે પરમાર, કૈસે હો? પાર્ટી ખતમ હો ગઈ ઉસકે બાદ મેં આયે! લેટ હો ગયે.” મહેશ અને વિનય એકબીજાની સામે જોવા લાગ્યા. કારણ કે મહેશે તો પરમારને આમંત્રણ જ નહોતું આપ્યું. પરમારે કોઈ જવાબ આપ્યો નહીં. પરમારે કહ્યું, “સર, આપસે કુછ બાત કરની હૈ.” ત્રણેની આંખોમાં આશ્ચર્ય હતું. પરમારે હાથનો ઇશારો કરી બાજુમાં આવવાની વિનંતી કરી.
દિનેશ નાયર ઊભા થઈ બાજુમાં ગયા. પરમારે પોતાની વાત કહેવાની શરૂઆત કરી. મહેશ અને વિનય દૂરથી જોઈ રહ્યા હતા. તેમને અવાજ નહોતો સંભળાતો, પણ નાયર સાહેબના હાવભાવ જોઈ લાગી રહ્યું હતું કે તેઓ ગુસ્સામાં અને નારાજ પણ છે. પરમારના વ્યવહારમાં કંઈક વિનંતીનો ભાવ હતો. નાયર પરમાર સાથે વાત કરતાં કરતાં થોડા દૂર ગયા અને પોતાનો મોબાઇલ ફોન કાઢી કોઈની સાથે વાત કરી ફરી પાછા પરમાર સાથે વાત કરતા હતા… ત્યાં નાયરને સામેથી ફોન આવ્યો. ફરી પાછા દૂર જઈ કંઈક વાત કરી આવ્યા. નાયર સખત નારાજ હતા. પણ જ્યાં સુધી તેમનો સિનિયર અધિકારી તેમને બોલાવે નહીં ત્યાં સુધી તેમની પાસે જવાય પણ નહીં. વિનય અને મહેશની પત્નીઓનાં ગપ્પાં પણ બંધ થઈ ગયાં હતાં. તેમને પણ લાગ્યું કે, મામલો કંઈક ગંભીર છે. કેતાએ મહેશ સામે જોયું પણ ખરું, પણ ખુદ મહેશને જ ખબર ન હતી તો તે કેતાને શું જવાબ આપે! લગભગ પરમાર અને નાયર વચ્ચે પંદર-વીસ મિનિટ સુધી ચર્ચા થઈ. છેલ્લો એક ફોન નાયરે કર્યો અને પછી મહેશ અને વિનયને પોતાની પાસે બોલાવ્યા. મહેશે પોતાના ખોળામાં રહેલી મેઘાને કેતાના ખોળામાં મૂકી. પરમાર શાંત હતા. નજીક આવેલા વિનય અને મહેશે પહેલાં પરમાર તરફ અને પછી નાયર સામે જોયું. નાયરે પોતાની આંખો બંધ કરી. ઊંડો શ્વાસ લીધો અને પછી બન્નેની સામે જોતાં કહ્યું, “દેખો, પરમાર હમેં અરેસ્ટ કરને કે લિયે આયે હૈં.” વિનય અને મહેશ સ્તબ્ધ થઈ ગયા, તેમણે પરમાર સામે જોયું. તેમના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક દોષિત હોવાનો ભાવ હતો. કદાચ પોતાના જ પોલીસ-અધિકારીની ધરપકડ કરતાં તેમનું હૃદય ભારે થઈ ગયું હતું અને તે પણ મહેશની દીકરીની વર્ષગાંઠનો દિવસ હતો ત્યારે. ડીજીપી સાહેબની મિટિંગમાં પણ પરમારે એવો મત વ્યક્ત કર્યો હતો કે, “ધરપકડનો આ સમય યોગ્ય નથી. જેમને અરેસ્ટ કરવાના છે તે પોલીસ-અધિકારી જ છે.” પણ ડીજીપીએ એક જ લીટીમાં કહ્યું, “ઉપરથી ઑર્ડર છે.” મહેશ અને વિનયે પાછું વળી પોતાની પત્નીઓ તરફ જોયું. પોતે પોલીસ-અધિકારી હોવા છતાં કોઈ આરોપીની ધરપકડ થાય ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી થતી હશે તેનો પહેલી વખત અંદાજ આવ્યો હતો. બંનેના મનમાં એક સરખી ગડમથલ ચાલી રહી હતી કે પત્નીને શું જવાબ આપીશું. જોકે કેતાને મહેશનો ચહેરો જોઈ પહેલી વખત એવું લાગ્યું કે તેના પતિના ચહેરા ઉપર ડર છે.
નિઝામની તપાસ શરૂ થઈ ત્યારે થોડાક સમય માટે મહેશ, વિનય અને નાયરને ડર લાગ્યો હતો, પણ વછરાજાની સાહેબે સમજાવ્યું હતું કે, ડરવાની જરૂર નથી. આપણે ઍન્કાઉન્ટરમાં ક્યાંય નથી અને ક્રાઇમ-બ્રાન્ચનું આખું ઑપરેશન ક્યાંય રેકર્ડ ઉપર નથી. ધરપકડો થશે, તેવો બધાને અંદાજ હતો પણ નિઝામનું ઍન્કાઉન્ટર કરનાર એટીએસ અધિકારીઓ પકડાશે તેવું બધા માનતા હતા. સુપ્રીમ કોર્ટના રેકર્ડ ઉપર ઍન્કાઉન્ટર નકલી હોવાની વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી, તેના કારણે ધરપકડો કરવી અનિવાર્ય બની ગઈ હતી. પણ પહેલી ધરપકડ ક્રાઇમ-બ્રાન્ચના અધિકારીઓથી થશે તેની કલ્પના ન હતી. મહેશ અને વિનય તો ક્રાઇમ-બ્રાન્ચમાં જ હતા. જ્યારે દિનેશ નાયર થોડા દિવસ પહેલાં પ્રમોશન લઈ એટીએસના એસપી તરીકે મુકાયા હતા. મહેશે નાયર સામે જોતાં પૂછ્યું, “સર, વછરાજાનીસર સે બાત હુઈ?” નાયર ખૂબ જ ડિસ્ટર્બ હતા. તેમણે કહ્યું, “હા, દો બાર બાત કી. સરને હોમ મિનિસ્ટર કો ભી ફોન લગાયા. લેકિન મિનિસ્ટર સા’બ મિટિંગ મેં થે. ઉન્હોંને કહા કલ સુબહ બાત કરેંગે.” મહેશ-વિનય અને નાયર ત્રણે શાંત હતા. ત્યારે જ પરમારે કહ્યું : “સર, હમેં ચલના હોગા.” નાયરે પોતાના બંને હોઠ બીડ્યા અને કહ્યું : “હં.” તે દરવાજા તરફ ચાલવા લાગ્યા.
મહેશ અને વિનય બંને પોતાની પત્ની પાસે ગયા. મહેશે કેતાને કહ્યું : “અમારે એક તપાસમાં જવું પડે તેમ છે. રાતે ઘરે નહીં આવું.” જતાં તેણે બહુ વહાલથી મેઘાના માથે હાથ ફેરવ્યો. કેતાને બહુ વિચિત્ર લાગ્યું. વિનયે પણ પોતાની પત્નીને આવું જ કહ્યું. નાયર બહાર આવી સીઆઇડી ક્રાઇમની કારમાં ગોઠવાઈ ગયા. તેમની જ કારમાં આગળની સીટમાં પરમાર બેસી ગયા. પાછળની કારમાં ઇન્સ્પેક્ટર મહેશ રાવ અને વિનય તોમર પણ ગોઠવાઈ ગયા. બધી જ કાર સડસડાટ ગાંધીનગર હાઇવે ઉપર દોડવા લાગી.
(ક્રમશ:)








