Delhi Protest Gyanesh Kumar Supreme Court BNSS 163 Narendra Modi Politics Vote chor: અગાઉ પણ સુપ્રીમ કોર્ટના દિલ્હી પ્રોટેસ્ટને લઈને ચોંકાવનારા નિવેદનો અને ટિપ્પણીઓએ લોકોને ચોંકાવી દીધા છે. અગાઉ પણ સુનાવણી ટાળવા અને અમને ના વચ્ચે લાવો જેવી ટિપ્પણી પણ સામે આવી હતી. ત્યારે વધુ એક વાર વોટ ચોરી અને જ્ઞાનેશ કુમારના રાજીનામા મામલે થતા પ્રોટેસ્ટો વચ્ચે સુપ્રીમ કોર્ટે લોકોને ફરી ચોંકાવ્યા છે.
દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે થયેલાં વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગુરુવાર, 15 ઑક્ટોબર 2026ના રોજ કોર્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 163ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, કલમ 172ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું કે અગાઉ 1961ના ‘બાબુલાલ પરાટે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય’ કેસમાં સુપ્રીમ કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144ની માન્યતા જાળવી રાખી હતી. BNSSની કલમ 163 અગાઉની કલમ 144ને સમકક્ષ જોગવાઈ છે. આ કલમ હેઠળ કાર્યકારી મેજિસ્ટ્રેટને પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવાની સત્તા મળે છે. આ અગાઉના ચુકાદાને ધ્યાનમાં રાખીને કોર્ટે કલમ 163ની બંધારણીય માન્યતા અંગે ફરી વિચારણા કરવાની ઇચ્છા દર્શાવી નહોતી. આ જોગવાઈને પડકારતી બે અરજીઓ પરની સુનાવણી 19 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.
બીજી તરફ, BNSSની કલમ 172ને પડકારતી અરજી પર કોર્ટે નોટિસ જારી કરી છે. આ કલમ પોલીસ અધિકારીઓને તેમની ફરજ દરમિયાન આપવામાં આવેલા કાયદેસરના નિર્દેશોનું પાલન ન કરનારા અથવા તેનો વિરોધ કરનારા લોકોને અટકાયતમાં લેવા કે ત્યાંથી દૂર કરવાની સત્તા આપે છે. કલમ 172(1) હેઠળ પોલીસની ફરજ દરમિયાન આપવામાં આવેલા કાયદેસરના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે, જ્યારે કલમ 172(2) હેઠળ નિર્દેશોનો વિરોધ કરનાર અથવા તેની અવગણના કરનાર વ્યક્તિને અટકાયતમાં લઈ શકાય છે. આવા કિસ્સામાં વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાય છે અથવા નાના કેસોમાં 24 કલાકની અંદર મુક્ત કરી શકાય છે.
અરજદારે દલીલ કરી હતી કે કલમ 172 પોલીસ અધિકારીને પોતાના વ્યક્તિગત મૂલ્યાંકનના આધારે કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવાની સત્તા આપે છે. આ જોગવાઈમાં સંજ્ઞેય ગુનો થવાની વાજબી આશંકા, લેખિત કારણો અથવા ન્યાયિક તપાસ માટે પૂરતી સુરક્ષાની જોગવાઈ ન હોવાનું પણ અરજીમાં જણાવાયું હતું. અરજદારે કલમ 172ને બંધારણની કલમ 14, 19 અને 21નું ઉલ્લંઘન કરતી જાહેર કરવાની માગ કરી છે. આ બંધારણીય જોગવાઈઓ અનુક્રમે કાયદા સમક્ષ સમાનતા, મૂળભૂત સ્વતંત્રતાઓ અને જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ સાથે સંબંધિત છે. કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને 19 નવેમ્બર 2026 સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
આ કેસ 10 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ, કાર્યકરો, વકીલો, પત્રકારો અને રાજકીય નેતાઓ સહિત હજારો લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અથવા પ્રદર્શન સ્થળે પહોંચતા અટકાવવામાં આવ્યા હતા. કેટલાક લોકોને પ્રદર્શન સ્થળથી દૂર રોકવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને ટ્રેનોમાંથી ઉતારી દેવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો હતો. સુપ્રીમ કોર્ટમાં પ્રદર્શનકારીઓ, પત્રકારો અને વકીલો સામે પોલીસની કથિત કાર્યવાહી, જાહેર પરિવહન પરનાં પ્રતિબંધો અને BNSSની જોગવાઈઓની બંધારણીય માન્યતાને લગતી વિવિધ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે.
કોર્ટે કેન્દ્ર સરકારને નવી દિલ્હીમાં કલમ 163 હેઠળ જારી કરાયેલા આદેશો, જેમાં 23 ઑગસ્ટ 2026નો આદેશ પણ સામેલ છે, તે રેકોર્ડ પર મૂકવા નિર્દેશ આપ્યો છે. સાથે જ તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને વિરોધ પ્રદર્શનો સાથે સંબંધિત CCTV ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા જણાવ્યું છે. જે ખાનગી પક્ષો પાસે આવા પુરાવા ઉપલબ્ધ હોય, તેમને પણ તે કોર્ટ સમક્ષ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આમ, સુપ્રીમ કોર્ટે કલમ 163ની માન્યતા પર ફરી વિચારવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કલમ 172 અંગેની બંધારણીય દલીલો પર કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે.








