8 accused arrested for defaming women on social media platforms : સોશિયલ મીડિયાના યુગમાં અનેક મહિલાઓ-યુવતીઓ દુષ્પ્રચારનો ભોગ બને છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી ઘટનાઓ બનતી આવી છે અને બની રહી છે. અમદાવાદ શહેરમાં શરૂ કરાયેલા મિશન સાયબર રક્ષિકા અભિયાન (Mission Cyber Rakshika) અંતર્ગત છેલ્લાં એક મહિનામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Ahmedabad) ખાતે 9 ફરિયાદ નોંધવામાં આવી છે. આ તમામ ગુનાઓમાં એક મહિલા સહિત 8 આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોર આરોપીઓ સામેલ છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે આવેલી ફરિયાદના આધારે છેલ્લાં એક મહિનામાં પોલીસ ટીમે ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી તેમજ મહારાષ્ટ્ર ખાતેથી મહિલા સહિતના 8 આરોપીઓ અને ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોરને શોધી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર કરવામાં આવેલી વાંધાજનક પોસ્ટ હટાવી દેવાઈ છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદમાં મહિલાઓ અને યુવતીઓને બદનામ કરવામાં આવી છે. પ્રથમ કિસ્સામાં ગરબા રમતી યુવતીના વીડિયોમાં છેડછાડ કરી ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર લખાણ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરે લાઇક અને ફોલોઅર્સ વધારવા પોસ્ટ કરી હતી. ધોરણ 10 સુધીનો અભ્યાસ કરનારા આરોપીએ મહિલાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં મુકી મહિલાના પતિના મિત્રોને મેસેજ કરી બદનામ કરી છે. વાહન અકસ્માતના ઝઘડામાં થયેલી મારામારીમાં માતાને મારનાર સામે બદલો લેવા મહિલાને કોઈની સાથે આડાસંબંધ છે તેવું લખાણ વાયરલ કરી બદનામ કરી છે. અન્ય કિસ્સાઓમાં મહિલાઓના ફોટા પ્રોફાઇલમાં મુકી સમાજમાં બદનામ કરવા નિમ્નકક્ષાનું લખાણ લખી ગુનો કર્યો છે. જ્યારે એક કિસ્સામાં ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીની મિત્રતા કેળવી તેના અંગત જીવન અંગે બ્લેકમેઇલ કરી 1.21 લાખ પડાવી લેનારા શખસ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.








