Friday, October 16, 2026
HomeGujaratગુજરાતનું આખું તંત્ર હત્યારા પોલીસવાળાઓને બચાવવામાં હતું અને એક PI સીધી ટક્કરમાં...

ગુજરાતનું આખું તંત્ર હત્યારા પોલીસવાળાઓને બચાવવામાં હતું અને એક PI સીધી ટક્કરમાં હતા | શતરંજ-60

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-60, નવજીવન ન્યૂઝ): એટીએસના કૉન્સ્ટેબલ અનિલ, અરવિંદ અને ચિંતન પોતે રૂપા મર્ડર કેસ અંગે કશુંયે જાણતા નથી, તેવું વલણ રાખ્યું. તે સ્વાભાવિક હતું. જો તેઓ પણ મહેન્દ્રસિંહની જેમ સાચું બોલે તો તો ઇન્વેસ્ટિગેટર તરીકે પરમારની ભૂમિકાનું કોઈ મહત્ત્વ જ ન હતું. લાશ દાટવામાં કોણ કોણ હતું, તે જાણવાનો એક- માત્ર રસ્તો એટલે ફોન-ડિટેઇલ હતી. પરમારે પોતાની ઑફિસમાં પાછા આવી મોબાઇલ કંપનીને એક મેઇલ મોકલ્યો, જેમાં ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત, કૉન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, અરવિંદ, અનિલ અને ચિંતનની ફોનકૉલ્સ અને લોકેશનની જાણકારી માગી હતી. રૂપાની લાશ દાટી ત્યારે અનિલ, અરવિંદ અને ચિંતન ક્યાં હતા, તે બધી વિગતો હવે તેમનો ફોન બોલવાનો હતો.

બીજી તરફ અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસમાં પણ ટેન્શન હતું. એસીપી દિનેશ નાયરની ઑફિસમાં ઇન્સ્પેક્ટર વિનય તોમર અને મહેશ રાવ બેઠા હતા. નાયર ચિંતિત હતા. કારણ કે તેમની નોકરી દરમિયાન પહેલી વખત આ પ્રકારની તપાસનો સામનો કરી રહ્યા હતા. હજી સુધી સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચ દ્વારા તેડું આવ્યું ન હતું, છતાં વાત ચિંતાજનક હતી, વિનય અને મહેશ જૂના પોલીસ-અધિકારી હતા. તેમને અંદાજ આવી ગયો હતો જે રીતે તપાસ આગળ વધી રહી છે, તેના અણસાર ઠીક નથી. ગમે ત્યારે તેમની તરફ રેલો આવશે. નાયરે પૂછ્યું, “ક્યા હો સકતા હૈ કેસ મેં?” વિનય અને મહેશ એકબીજા સામે જોવા લાગ્યા. વિનયે નારાજગી સાથે કહ્યું, “સર, બહુત દુ:ખ હોતા હૈ. મૈંને પહલે ઐસા કભી નહીં દેખા કિ હમારી હી પુલિસ હમેં પકડને કે લિયે ઇતની મેહનત કરે.” મહેશે તેની વાતમાં સૂર પુરાવતાં પહેલાં આજુબાજુ જોઈ ધીમા અવાજે કહ્યું, “સર, હમારે વછરાજાની સા’બ બડી બડી બાતેં કરતે હૈં, ગૃહમંત્રી સે લેકર મુખ્યમંત્રી સે બાત કરતે હૈં, લેકિન અબ જબ હમારી જેલ જાને કી બારી આયી તો વો ક્યા કરતે હૈ, મુઝે સમજ નહીં આતા.” બંને ઇન્સ્પેક્ટરોની ચિંતા જોઈ, નાયરની ચિંતામાં વધારો થયો.

- Advertisement -

નાયરે વિચાર કરીને કહ્યું, “મુઝે લગતા હૈ, હમેં વછરાજાની સા’બ કો સાફ સાફ પૂછ લેના ચાહિયે કી વો ક્યા કર રહે હૈં.” વિનય અને મહેશને પણ તે વાત સાચી લાગી. ત્રણે ઊભા થયા અને વછરાજાનીની ચેમ્બરમાં દાખલ થયા. તેમને જોતાં જ વછરાજાની બોલ્યા, “ક્યા બાત હૈ? બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એક સાથ આયે?!” પણ વછરાજાનીની આ ટિપ્પણીની કોઈ અસર ત્રણેના ચહેરા ઉપર થઈ નહીં. વછરાજાની સમજી ગયા કે કોઈ ગંભીર વાત લઈ તેઓ આવ્યા છે.

નાયરે ખુરશીમાં બેસતાં જ કહ્યું, “સર, એક જરૂરી બાત કરની હૈ.” વછરાજાની જોઈ રહ્યા. નાયરે સીધી વાત ઉપર આવતા કહ્યું : “નિઝામ કેસ મેં ક્યા હો રહા હૈ? સરકાર કૈસે પૂરે કેસ મેં સાક્ષી બનકે દેખ રહી?! હમ જેલ જાયે ઔર આપ કુછ નહીં કરેંગે!” નાયર ચિંતા અને ગુસ્સામાં ઘણુંબધું બોલી ગયા હતા. આવું બોલાઈ જશે તેની નાયરને પણ કલ્પના ન હતી અને વછરાજાની માટે પણ અન્અપેક્ષિત હતું, કારણ કે નાયરે ક્યારેય આવી રીતે ઊંચા અવાજમાં વાત કરી ન હતી. વછરાજાનીએ તેમને શાંત કરતાં કહ્યું, “કૂલડાઉન દિનેશ. કિસને બતાયા કિ આપ જેલ મેં જાયેંગે, ઔર કિસને બતાયા કિ સરકાર ઔર મૈં કુછ નહીં કર રહે. યે મેરી જિમ્મેવારી હૈ, કિ મેં આપકે સાથ ખડા રહૂં, ક્યોંકિ મેરે કહને પે, મેરે ઑર્ડર સે આપ સોલાપુર ગયે થે, તો મૈં આપ કા સાથ કૈસે છોડ દૂં?” નાયર શાંત થઈ ગયા, કંઈ બોલ્યા નહીં. વછરાજાનીએ ત્રણે સામે જોતાં કહ્યું, “મંત્રી અમર ઠાકોર ખુદ પૂરે મામલે કો મૉનિટર કર રહે હૈં. ઇસી લિયે વિવેક પંત કો હટાકે અક્ષય જૈન સા’બ કો સીઆઇડી મેં રખા ગયા હૈ. સબ ઠીક હો જાયેગા. મેરે પે ભરોસા રખો.”

સાંજ થઈ ગઈ હતી, છતાં વિનોદ પરમાર પોતાની ઑફિસમાં કામ કરી રહ્યા હતા. જે રીતે કૉન્સ્ટેબલ અનિલ, અરવિંદ અને ચિંતને જવાબો આપ્યા તે જોઈ પરમાર સમજી ગયા હતા કે, હવે પછીનું ઇન્વેસ્ટિગેશન અઘરું થતું જશે. હમણાં સુધી જે સાક્ષીઓ મળ્યા છે, તે ટ્રાયલ દરમિયાન હોસ્ટાઇલ થઈ શકે છે અને ટ્રાયલમાં આખો કેસ સાક્ષીઓના અભાવે બેસી જાય તો બધા જ આરોપી છૂટી જાય. તેમણે હમણાં સુધી જે સાક્ષીઓ મળ્યા હતા, તેમાં કૉન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, ફાર્મહાઉસનો વૉચમૅન નાગજી, ફાર્મહાઉસના માલિક નેમચંદ શાહ, સોલાપુરનો બસ-ડ્રાઇવર મોહન કાળે, બસના મુસાફર મિસ્ટર ઍન્ડ મિસિસ ગોડબોલેનું મૅજિસ્ટ્રેટની સામે ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૬૪ હેઠળનું નિવેદન નોંધી લેવાનો નિર્ણય કર્યો હતો. એક વખત સાક્ષી મૅજિસ્ટ્રેટની સામે નિવેદન આપી દે પછી તેનું મૃત્યુ પણ થઈ જાય અથવા તે સાક્ષી તરીકે પોલીસને આપેલું નિવેદન ફેરવી નાખે તોપણ ૧૬૪ હેઠળ મૅજિસ્ટ્રેટ સામે આપેલું નિવેદન મહત્ત્વનું સાબિત થાય છે.

- Advertisement -

ત્યારે વિનોદ પરમારે કોર્ટને ઉદ્દેશી એક પત્ર લખવાની શરૂઆત કરી, જેમાં તે પોતાના સાક્ષીઓનાં નિવેદન નોંધવા માગે છે તેની જાણકારી અને નામ મોકલી આપ્યા હતા. હવે જ્યારે કોર્ટ મંજૂરી આપે ત્યારે તમામ સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરી મૅજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધવાની કાર્યવાહી કરવાની હતી. પરમાર જાણતા હતા કે, આરોપી તરીકે જેમનાં નામ છે તેઓ સાક્ષીઓને ધમકાવી, ડરાવી અથવા લાલચ આપી તેમનાં નિવેદન ફેરવી નાખવાનો પ્રયત્ન કરશે.

પરમારના ધ્યાનમાં હતું કે, હજી એક મહત્ત્વનો સાક્ષી રહી જાય છે અને તે સોલાપુરના આઇપીએસ અધિકારી નવીન કુલકર્ણી હતા. જ્યારે ક્રાઇમ-બ્રાન્ચની ટીમ સોલાપુર પહોંચી ત્યારે તેને લૉજિસ્ટિક સપૉર્ટ આપનારા આ અધિકારી હતા. સંભવત: નિઝામની હત્યા કરવાની છે, તે વાતથી તેઓ અજાણ હોવાની સંભાવના વધુ હતી, છતાં તેમનું નિવેદન નોંધવું જરૂરી હતું. અને જો તેમની જાણમાં આખું ઑપરેશન થયું હોય તો તે પણ આરોપી જ હતા, છતાં એક વખત તેમની સાથે વાત કરવી જરૂરી હતી, પરમારે તેમને ફોન જોડ્યો. “નમસ્તે સર, મૈં ઇન્સ્પેક્ટર પરમાર, ગુજરાત સે બોલ રહા હૂં. આપ ઇજાજત દે તો દો મિનિટ બાત કર સકતા હૂં?” કુલકર્ણીએ કહ્યું, “જી, બતાઇયે પરમાર, મૈં આપકી ક્યા સહાયતા કર સકતા હૂં?”

નવીન કુલકર્ણી આઇપીએસ અધિકારી હતા અને પરમાર ઇન્સ્પેક્ટર હતા એટલે પ્રોટોકૉલ પ્રમાણે પણ પરમારે તેમની સાથે પૂરી અદબ સાથે વાત કરવાની હતી અને તે પ્રમાણે જ પરમાર વાત કરી રહ્યા હતા. પરમારે કહ્યું, “સર, સુપ્રીમ કોર્ટ કે ઑર્ડર સે હમ નિઝામ ઍન્કાઉન્ટર કેસ કા ઇન્વેસ્ટિગેશન કર રહે હૈં. હમેં જો જાનકારી મિલી, ઔર વિટનેસ ભી હૈ જિન્હોંને બતાયા કિ નિઝામ સોલાપુર આયા થા, ઔર હુબલી જાતે હુવે, ઉસે ગુજરાત પુલિસને પિક કિયા થા. સર… સૉરી ટુ સે… લેકિન એકોર્ડિંગ ટુ વિટનેસ પિકઅપ કે વક્ત સોલાપુર પોલીસ ભી સાથ મેં થી. ઇસ સિલસિલે મેં આપસે બાત કરની થી. આપ પરમિટ કરે તો મૈં સોલાપુર આ જાઉં.” કુલકર્ણીએ કહ્યું, “અરે પરમાર, ડોન્ટ સે સૉરી. જબ મેરે ધ્યાન મેં નિઝામ કેસ આયા તબ સે મૈં સોચ રહા થા, કિ અભી તક હમેં ક્યોં કિસીને નહીં બુલાયા? યહ બાત સચ હૈ, સોલાપુર પોલીસ ગુજરાત પોલીસ કો આસિસ્ટ કર રહી થી, લેકિન ઉનકે ઑપરેશન કે મોટિવ કે બારે મેં માલૂમ નહીં થા. આપ મેરા સ્ટેટમેન્ટ લેના ચાહતે હૈં, કોઈ બાત નહીં. આપ કી જગહ મૈં હોતા તો ભી મુઝે યહી કરના પડતા. લેકિન આપ કો સોલાપુર આને કી જરૂર નહીં, અગલે હપતે મુઝે રાજસ્થાન જાના હૈ, તબ મૈં ગુજરાત હો કે, કાર્યવાહી પૂરી કરૂંગા, અગર આપ કો પરેશાની ના હો તો.”

- Advertisement -

પરમારની અપેક્ષા કરતાં અધિકારીનો વ્યવહાર સારો હતો, તેમણે કહ્યું. “સર, કોઈ પરેશાની કી બાત નહીં. આપ આને કે બાદ મુઝે કૉલ કરના; મૈં ખુદ આપકો મિલને આ જાઉંગા, સો નાઇસ ઑફ યુ સર.” પરમાર વિચાર કરવા લાગ્યા કે, કુલકર્ણી આઇપીએસ અધિકારી હોવા છતાં અત્યંત નમ્ર અને સાલસ હતા. તેમણે એક આઇપીએસ અધિકારી તરીકે દિનેશ નાયરને મદદ કરી હતી, પણ તે વાત તેમણે છુપાવવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો. પરમાર આખી તપાસ ફુલ- પ્રૂફ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની ઉપર અક્ષય જૈનનું સુપરવિઝન હોવા છતાં તે કંઈ કરી શકતા ન હતા. જ્યારે માણસ ગુમાવવાની ચિંતા છોડી દે ત્યારે તેને ડરાવવો અઘરો થઈ જતો હોય છે. આવું વિનોદ પરમાર અને વિવેક પંત જેવા અધિકારીઓ સાથે થઈ રહ્યું હતું. આ બંને અધિકારીઓ પાસે ગુમાવવા જેવું કંઈ જ હતું નહીં. તેના કારણે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની મુશ્કેલીઓ વધી રહી હતી. કેટલાક પોલીસ-અધિકારીઓ પરમારને એવી સલાહ આપતા કે તેમની કામગીરી પોલીસનું મોરલ તોડી રહી છે ત્યારે પરમાર કહેતા કે, મોરલ હોત તો આવાં કામ કરત જ નહીં.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular