Gujarat Weather Updates Bhadarwa summer 2026: ગુજરાતમાં ચોમાસું આવ્યું જ ક્યારે અને કેટલું? ચોમાસું હોવા છતા તેનો અનુભવ ના થયો તેવા ઘણા વિસ્તારો છે જ્યાં લોકો સામાન્ય વરસાદનો આનંદ માણી શક્યા અને હવે વિદાય લેશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ભાદરવો ચાલી રહ્યો છે ત્યારે જ એવું કહેવાય કે ભાદરવો ભરપૂર જ હોય, પણ આ વર્ષે ભાદરવો ગરમીથી ભરપૂર એવું કહેવું પડે તો પણ નવાઈ નહીં.
ગુજરાતમાં ભાદરવામાં જ્યાં કેડ સમા પાણી પણ જોવા મળતા હોય છે ત્યાં પણ હવે સુકું ભટ જોવા મળે છે. ભાદરવામાં આ વખતે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થયો પણ તે સિવાય બાકીના ભાગો મોટાભાગે સુકા રહ્યા. ભાદરવામાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી તાપમાન વધ્યું છે. ભૂજ અને ડીસા સૌથી ગરમ શુક્રવારે હતા. તે દિવસે 38.6 ડિગ્રી તાપમાન રહ્યું. અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં બપોરે નીકળો તો ભાદરવામાં ચામડી દાજે તેવો તાપ જોવા મળે છે.
કેટલાક ડેટામાં પણ એવું જોવા મળી રહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી સંભાવનાઓ છે. જોકે આને લઈને તમારા મનમાં એવું થાય કે ગુજરાતમાં ચોમાસું હતું જ ક્યારે? જે વિદાય લેવાનું? હવામાન વિભાગ કહે છે, આગામી 7 દિવસમાં દીવ, દમણ અને દાદરાનગર હિવેલી સહિત ગુજરાતમાંથી હવામાન સુકું રહે તેવી સંભાવનાઓ છે. આ દરમિયાન વરસાદ થાય તેવી સંભાવનાઓ નથી.
આમ પણ આ વર્ષે ચોમાસામાં 11 ટકા વરસાદ ઘટ્યો છે. ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 24 ટકા વરસાદ ઓછો થયો છે. આવા સંજોગોમાં ચોમાસાની વિદાયના સમાચાર આવી રહ્યા છે, હવે આગામી એક વર્ષ રાહ જોવાની છે. આ દરમિયાન ખેડૂતો અને લોકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડશે તે વિચાર બહારનું છે. બીજું રાજકીય વિપક્ષો પણ દુષ્કાળ જાહેરાતની માગ કરી રહ્યા છે પરંતુ સરકાર આ વાત માનશે કે કેમ? તે પણ હજું વિચાર બહાર છે. કારણ કે દુષ્કાળ જાહેરાત માટેના કેટલા પેરામિટર્સ ફુલફિલ થાય છે તે સરકારને જ સમજવાનુ બાકી હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અલ નીનોની અસર અંગે ઘણા તજજ્ઞો વાત કરી ચુક્યા છે કે તેની અસરને કારણે તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે. તો એવા સંજોગોમાં ચોમાસાની વિદાય લોકો ને ગમે તેવા સમાચાર નથી.








