Amritsar terror attack on Police or murder case: અમૃતસરમાં ડ્યૂટી દરમિયાન એક ASIની ગોળી મારીને હત્યા કરવામાં આવતા પોલીસ તંત્રમાં ચકચાર મચી છે. મૃતક ASIનું નામ હરજીત સિંહ છે. ઘટનાની જવાબદારી આતંકી સંગઠન તરીકે ઓળખાતા ‘તહરીક-એ-તાલિબાન હિંદુસ્તાન’ (TTH) દ્વારા લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પંજાબ પોલીસે આ ઘટનામાં આતંકવાદી એંગલ હોવાનો ઇનકાર કર્યો છે.
મળતી માહિતી મુજબ, હરજીત સિંહ ડ્યૂટી પર હતા ત્યારે હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ હરજીત સિંહને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભગવંત માને મૃતક ASIના પરિવારને સરકાર તરફથી ₹1 કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત HDFC બેંક તરફથી પણ ₹1 કરોડના વીમાની રકમ મળવાની માહિતી આપવામાં આવી છે.
ઘટનાને લઈને પંજાબમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના નેતા તરુણ ચુઘે AAP સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પંજાબમાં 22 પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલા, ભાજપ કાર્યાલય પર ગ્રેનેડ હુમલો, પંજાબ પોલીસ હેડક્વાર્ટર પર રોકેટ લોન્ચર હુમલો અને પોલીસ કર્મચારીઓ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો છે.
શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પણ પોલીસ સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ત્રણ ASIના મોત થયા છે અને જો પોલીસ જ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની સુરક્ષાને લઈને શું સ્થિતિ છે તેવો પ્રશ્ન કર્યો છે.
આ અગાઉ 30 ઓગસ્ટે ASI પવન કુમાર શર્મા સ્કૂટર સાથે થયેલી ટક્કરમાં ઘાયલ થયા હતા. 12 દિવસ બાદ તેમનું મોત થયું હતું. ત્યારબાદ 11 સપ્ટેમ્બરે અજનલાના ભલ્લા પિંડ નજીક ASI જસવંત સિંહ પર હુમલો થયો હતો, જેમાં ગોળી તેમના માથાને અડીને નીકળી ગઈ હતી. હવે 17 સપ્ટેમ્બરે ASI હરજીત સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.








