Siddharth Jawabhar case USA tailor swift: અમેરિકામાં ભારતીય મૂળના બિઝનેસમેન અને ફાઇનાન્શિયલ એડવાઇઝર સિદ્ધાર્થ જવાહરને 35 મિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે 336 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સિદ્ધાર્થ જવાહરે કથિત રીતે પોન્ઝી સ્કીમ ચલાવીને 64 રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું હતું. આ રોકાણકારોમાં અમેરિકન પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ ટ્રેવિસ કેલ્સે પણ રોકાણ કર્યું હતું.
મિસૂરીના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની ઓફિસ અનુસાર, સિદ્ધાર્થ જવાહરને મંગળવારે સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે તેને ટ્રેવિસ કેલ્સે સહિત અન્ય રોકાણકારોને કુલ 3.13 કરોડ અમેરિકન ડોલર પરત કરવાનો પણ આદેશ આપ્યો છે.

38 વર્ષીય સિદ્ધાર્થ જવાહર ટેક્સાસ સ્થિત કંપની સ્વિફ્ટઆર્ક કેપિટલના સહ-સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર હતા. ટ્રેવિસ કેલ્સે પણ આ કંપનીમાં રોકાણ કર્યું હતું. કોર્ટના દસ્તાવેજો અનુસાર, આ છેતરપિંડીની પ્રવૃત્તિ વર્ષ 2016થી ચાલી રહી હતી.

કોર્ટમાં રજૂ થયેલી વિગતો અનુસાર, સિદ્ધાર્થ જવાહરે રોકાણકારો પાસેથી મળેલા લગભગ સમગ્ર નાણાં પાકિસ્તાનની તમાકુ કંપની ફિલિપ મોરિસ પાકિસ્તાન (PMP)માં રોક્યા હતા. PMPના શેરના ભાવમાં ઘટાડો શરૂ થયો ત્યારે તેણે રોકાણકારોને વાસ્તવિક સ્થિતિની જાણ કરી નહોતી. તેના બદલે રોકાણમાંથી નફો થઈ રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
સિદ્ધાર્થ જવાહરે કેટલાક રોકાણકારોને તેમના નાણાં અલગ-અલગ રોકાણોમાં મૂકવામાં આવ્યા હોવાનું પણ કહ્યું હતું અને ત્યાંથી વળતર મળ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે, કોર્ટના દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ વાસ્તવમાં તેણે આ રોકાણોમાં નાણાં મૂક્યા જ નહોતા.
કેસની સુનાવણી દરમિયાન જજ જૈકરી એમ. બ્લૂસ્ટોને છેતરપિંડી લાંબા સમય સુધી ચાલી હોવા, તેમાં મોટી રકમનું નુકસાન થયું હોવા અને નુકસાન ભોગવનારા રોકાણકારોને નાણાં પરત કરવાનું શરૂ ન કરાયું હોવા જેવા મુદ્દાઓને સજા નક્કી કરતી વખતે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
કોર્ટના દસ્તાવેજો અનુસાર સિદ્ધાર્થ જવાહર વર્ષ 2005થી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. રોકાણકારો પાસેથી મેળવેલા નાણાંનો ઉપયોગ તેણે પોતાના ખર્ચ માટે પણ કર્યો હોવાનું જણાવાયું છે. હવે કોર્ટે તેને 11 વર્ષની જેલની સજા ફટકારી છે અને રોકાણકારોને 3.13 કરોડ ડોલર પરત કરવાનો આદેશ આપ્યો છે.








