Wednesday, September 30, 2026
HomeGujaratપોસ્ટિંગ માટે નેતાઓનાં તળવાં પણ ચાટી આવતા DIG ને PI એ મોંઢે...

પોસ્ટિંગ માટે નેતાઓનાં તળવાં પણ ચાટી આવતા DIG ને PI એ મોંઢે જવાબ આપ્યો…| શતરંજ-44

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-44, નવજીવન ન્યૂઝ): ઇન્સ્પેક્ટર વિનોદ પરમારે સોલાપુરથી હુબલી જવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે પૅસેન્જર-લિસ્ટ પ્રમાણે મોટા ભાગના પૅસેન્જરો હુબલીના જ હતા. પણ હુબલી જતાં પહેલાં તેમણે ગાંધીનગર પોતાની ઑફિસે ફોન કરી કૉન્સ્ટેબલને સૂચના આપી કે, “અમદાવાદ આરટીઓ ઑફિસમાં જઈ એક નંબરની તપાસ કરવાની છે, તે કોનો છે? તે નંબર છે, જીજે-૦૧-૩૨૪૦.” મોહન કાળેને એક જ નંબર યાદ હતો, જે તેણે પરમારને કહ્યો હતો. પરમાર તેની સાથે આવેલા કૉન્સ્ટેબલની સાથે હુબલી જવા રવાના થયા. અમદાવાદ આરટીઓના રેકર્ડ પ્રમાણે પરમારે આપેલો નંબર સન ઑઇલ કંપનીના નામે હતો. કૉન્સ્ટેબલે કંપનીનું નામ અને સરનામું નોંધી પરમારને તેનો એસએમએસ પણ કરી દીધો હતો.

હુબલી પહોંચ્યા પછી વિનોદ પરમારે ફરી લિસ્ટ ચેક કર્યું હતું. સીટનંબર ૩-૪ ઉપર મિસ્ટર ઍન્ડ મિસિસ ગોડબોલે હતા. તેમનો નંબર પણ હતો. તેના કારણે તેમની સાથે ફોન ઉપર વાત કર્યા પછી પરમાર તેમના ઘરે પહોંચ્યા. પરમારે પ્રથમ તો સુપ્રીમ કોર્ટમાં થયેલી પિટિશનની જાણકારી આપી, પોતે કયા કામે આવ્યા છે, તે જણાવ્યું હતું. પરમારની વાત સાંભળી તરત મિસિસ ગોડબોલે બોલી ઊઠ્યાં, “હા સા’બ, આપકી બાત સચ હૈ. વો ઔરત કિતની રોતી થી! લેકિન પુલિસવાલે માને હી નહીં. ઉસે ઔર ઉસકે સાથ જો થા, ઉસે લેકે ઉતર ગયે છે.” પરમારે તરત પૂછ્યું, “જિનકો ઉતારા ગયા, ઉનકા ચહેરા આપને દેખા થા?” ગોડબોલે બોલ્યાં, “સા’બ, હમારી બાજુ કી સીટ મેં હી બૈઠે થે. મેરી બીવી કો ખાંસી આતી થી. તબ ઉન્હોંને અપને પાસ કી પાની કી બૉટલ ભી દી થી, ઇસી લિયે મદદ કરનેવાલે કા ચહેરા કૈસે ભૂલ સકતે હૈં?” પરમારના કૉન્સ્ટેબલોએ પોતાની પાસે રહેલા નિઝામ અને રૂપાના ફોટોગ્રાફ બતાવ્યા કે તરત પતિ-પત્ની બોલી ઊઠ્યાં, “બસ, યહી કપલ થા”. ડ્રાઇવર મોહન કાળે સિવાય પૅસેન્જર પણ સમર્થન આપતા હતા, કે નિઝામ અને રૂપાનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેનો અર્થ… નિઝામના કહેવાતા ઍન્કાઉન્ટર પહેલાં ગુજરાત એટીએસ પાસે નિઝામ અને રૂપાની કસ્ટડી હતી.

- Advertisement -

પરમારે ત્યારે જ કાળેની એક વાત યાદ આવતાં, ગોડબોલેને પૂછ્યું, “સર, બસ મેં સે કોઈ તીસરા આદમી નીચે ઉતારા ગયા થા?” ગોડબોલે પણ જાણે કહેવાનું ભૂલી ગયો હોય તેમ કહ્યું, “અરે હા સા’બ, વો તો બતાના હી ભૂલ ગયા. એક તીસરે આદમી કો ભી નીચે ઉતારા થા, લેકિન વો અજીબ થા. કુછ બોલતા હી નહીં થા. પુલિસ બોલી નીચે ઉતરો તો ઉતર ગયા.” અહીં ફરી પાછી કોઈ ત્રીજી વ્યક્તિની વાત આવતી હતી, પણ ત્રીજી વ્યક્તિ કોણ તેની ખબર પડતી ન હતી. નૂરુની પિટિશનમાં પણ તેનો ઉલ્લેખ ન હતો. ગોડબોલે દંપતી સાઠ-પાંસઠ વર્ષનાં હશે, પણ તેમને બધું જ યાદ હતું. જ્યારે પરમારે તેમને નિઝામની હત્યા થઈ હોવાની અને હજી સુધી રૂપા ગુમ હોવાની વાત કરી ત્યારે તેમણે ગુસ્સામાં કહ્યું હતું, “ઐસે પુલિસવાલે કો તો ફાંસી લગાની ચાહિયે.” આ મોકાનો લાભ લેતાં પરમારે કહ્યું, “સર, આપને જો બાત બતાઈ વો સ્ટેટમેન્ટ કે તૌર પે રેકર્ડ કર સકતા હૂં?” પરમારને હતું કે હવે તે ના પાડશે? પણ ગોડબોલે બોલ્યા : “સર, મૈં પૂરી જિંદગી શિક્ષક રહા, અપને બચ્ચોં કો સિખાતા રહા કિ સચ બોલો, ઔર કિસી સે ડરના મત, અબ મૈં પીછે હટ જાઉંગા તો મેરી શિક્ષા કા કોઈ મતલબ નહીં.” પતિ-પત્ની બંનેએ તેમણે જે કંઈ જોયું તેનું નિવેદન આપ્યું હતું. પરમાર સોલાપુર પાછા આવ્યા. તેમણે ડ્રાઇવર મોહન કાળેનું સ્ટેટમેન્ટ લેવાનું બાકી હતું. કાળેએ પણ અક્ષરસહ પોતાની વાત નિવેદનમાં લખાવી.

પરમાર અમદાવાદ આવવા નીકળ્યા. રસ્તામાં તેમનું મન તપાસમાં જ પરોવાયેલું હતું. પહેલાં રૂપાને શોધવાની હતી, પછી ત્રીજી વ્યક્તિ કોણ તેની તપાસ કરવાની હતી. હવે તો તે પણ નક્કી હતું કે જે ક્વૉલિસ કારનો ઉપયોગ થયો હતો, તે અમદાવાદની સન ઑઇલ કંપનીના નામે નોંધાયેલી હતી. ૨૦મી નવેમ્બરના રોજ આ કાર કોની પાસે હતી, તે હવે શોધવું મુશ્કેલ ન હતું. પરમાર માની રહ્યા હતા કે એટીએસના જ અધિકારીઓ હોવા જોઈએ. પરમાર એક મૂંઝવણમાં હતા. જે રીતે તપાસમાં હકીકત આવી રહી હતી, તે જોતાં તપાસ ક્યાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ હતું જ અને દબાણ આવવાનું છે, તે તો નક્કી હતું. પણ દબાણને તાબે થવું કે નહીં, તેની અસમંજસમાં હતા.

ગાંધીનગર પહોંચ્યા પછી વિનોદ પરમાર ડીઆઇજી રાજુ દવેને રિપોર્ટ કરવા પહોંચ્યા હતા. પરમારને જોતાં રાજુ દવેએ પૂછ્યું, “પરમાર, શું નીકળે છે તપાસમાં?” પરમારે એક ક્ષણ માટે વિચાર કર્યો કે, પોતાનો લેખિત રિપોર્ટ મૂકતાં પહેલાં કંઈ કહેવું યોગ્ય છે કે નહીં. જો વાત ડીજીપી સુધી જશે, તો તપાસ અટકી જશે અથવા પોતાની પાસેથી તપાસ લઈ બીજા કોઈને આપી દેવામાં આવશે. રાજુ દવે તેમના અધિકારી હતા, એટલે તેમની જાણ બહાર કંઈ કરવું પરમારને પણ યોગ્ય લાગ્યું નહીં. પરમારે મોઘમ જ જવાબ આપતાં કહ્યું, “સાહેબ, મામલો સિરિયસ છે. પિટિશનમાં એલિગેશન કરવામાં આવ્યાં છે, તે સાચાં છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયેલો છે. મને લાગે છે આપણી તરફથી બધું ફેર થવું જોઈએ.” પરમારનું તીર નિશાના ઉપર વાગ્યું હતું. દવે સરકારની અત્યંત નજીકના અધિકારી હતા અને પોસ્ટિંગ માટે નેતાઓનાં તળવાં પણ ચાટી આવતા હતા. જોકે અત્યંત ડરપોક હતા. જો પોતાના ગળામાં ગાળિયો આવતો હતો, તે ગાળિયો કાઢી બીજાના ગળામાં નાખી દેવામાં માહિર હતા. પરમારે જેવી સુપ્રીમ કોર્ટની વાત કરી તેની સાથે જ તે બોલ્યા : “સાલાઓ બીજા ખોટું કરે અને આપણે તેમને બચાવવાના! કાગળ ઉપર કંઈ ખોટું કરાય નહીં. જે હોય તે તમે બ્લૅક ઍન્ડ વાઇટમાં મૂકજો. આપણે સુપ્રીમ કોર્ટની બબાલમાં પડવું નથી.” દવે એટલા સ્વાર્થી હતા કે તપાસનાં તથ્યો ક્યાં છે તે જાણવાની તસ્દી પણ તેમણે એક પોલીસ-અધિકારી તરીકે લીધી નહીં. જાણવું નહીં અને દાઝવું નહીં, તેવું તે માનતા હતા.

- Advertisement -

પરમારે પોતાની તપાસનો દોર આગળ વધાર્યો અને બીજા દિવસે સીજી રોડ ઉપર આવેલી સન ઑઇલ કંપનીની ઑફિસમાં પહોંચ્યા. ત્યાં જઈ તેમણે મૅનેજરની કારનો નંબર આપી પૂછપરછ કરી. પહેલાં તો મૅનેજરે કહ્યું, “સાહેબ, પોલીસવાળા તો અમારી ગાડી ઘણી વાર લઈ જાય છે. અમને તો પોલીસની સેવા કરવામાં આનંદ થાય છે. તમારે પણ જરૂર હોય તો કહેજો ને! ડ્રાઇવર સાથે ગાડી મોકલી આપીશ.” પરમાર નારાજ થઈ ગયા. તેમણે મૅનેજરને લાલ આંખ કરતાં કહ્યું, “તમારી સેવા લેવા માટે આવ્યો નથી. તમારી ગાડી ૨૦ નવેમ્બરના રોજ કોણ લઈ ગયું હતું, તેનો જવાબ આપો.” મૅનેજરને લાગ્યું કે કંઈક ભૂલ થઈ ગઈ છે. તેણે માફી માગતાં, તરત પોતાનો રેકર્ડ ચેક કર્યો અને પાંચ જ મિનિટમાં જવાબ આપ્યો : “સાહેબ, એક ગાડી નહીં બે ગઈ હતી. ક્રાઇમ-બ્રાન્ચના ઇન્સ્પેક્ટર વિનય તોમરનો ફોન હતો, એટલે ડ્રાઇવર સાથે ડીઝલ ભરાવી મોકલી હતી.” વિનોદ પરમારને આંચકો લાગ્યો. તેનો અર્થ… નિઝામનું ઑપરેશન એકલા રાજસ્થાન પોલીસ અને ગુજરાત એટીએસનું નહોતું, પણ ત્રીજી એજન્સી પણ હતી અને તે અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચ હતી. પરમારે ક્વૉલિસ લઈ ગયેલા બંને ડ્રાઇવરોને પોતાની ઑફિસે મોકલી આપવાની સૂચના આપી.

આખી તપાસ અભિમન્યુના કોઠા જેવી હતી. જેમ જેમ આગળ જતા જાવ તેમ તેમ નવા રસ્તાઓ ખૂલતા હતા. કયા રસ્તે આગળ વધવું તે નક્કી કરવું મુશ્કેલ હતું. વર્ષો પછી પરમાર પાસે સારી કહી શકાય તેવી તપાસ આવી હતી. જોકે હજી સુધી ઍન્કાઉન્ટરમાં સામેલ એક પણ અધિકારીએ વિનોદ પરમારને ફોન કરી તપાસમાં શું થઈ રહ્યું છે અથવા તપાસ કેવી રીતે કરવાની તેની સૂચના આપી ન હતી. તેનું કારણ એવું હતું, કે બધા જ અધિકારીઓ પોતાને એટલા શક્તિશાળી માનવા લાગ્યા હતા કે, તેમનો એવો ભ્રમ થઈ ગયો હતો. કે સીઆઇડી ક્રાઇમનો એક સામાન્ય ઇન્સ્પેક્ટર કઈ રીતે પોતાના જ સિનિયર અધિકારીઓની સામે રિપોર્ટ કરે? આ ઉપરાંત વછરાજાની એવું પણ માનતા હતા કે, પરમાર જેવા અધિકારી બુદ્ધિના બારદાન છે. તેમને ખબર નથી પડતી તો આપણે શા માટે તેને ફોન કરી તેનું મહત્ત્વ વધારવું જોઈએ.

બીજા દિવસે સન ઑઇલ કંપનીના બંને ડ્રાઇવરો ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં આવ્યા. કાન્તિ અને લક્ષ્મણ બંને રાજસ્થાની હતા. છેલ્લાં પંદર વર્ષથી સન ઑઇલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેમની કામગીરીમાં કંપનીના વીઆઇપી મહેમાનોને લઈ બહારગામ જવાનું હતું, જેમાં પોલીસ-અધિકારીઓ પણ વીઆઇપીમાં જ ગણાતા હતા. બંને આવ્યા ત્યારે ખૂબ ડરેલા હતા. વિનોદ પરમારે તેમને આશ્વાસન આપી ડરવાની જરૂર નથી એ જણાવી સીધું જ તેમનું નિવેદન લેવાની શરૂઆત કરી હતી. તેઓ અમદાવાદથી નીકળ્યા ત્યાંથી લઈ અમદાવાદ પાછા આવ્યા ત્યાં સુધીના પ્રશ્નો પૂછવાની શરૂઆત થઈ હતી. કાન્તિ અગાઉ પણ પોલીસ-અધિકારીઓની સાથે ગયો હોવાને કારણે તે બધાને નામજોગ ઓળખતો હતો. સોલાપુર જનારા અધિકારીઓમાં વિનય તોમર, મહેશ રાવ અને દિનેશ નાયરના નામ પણ આપ્યાં હતા. પરમારની હાલત માછલી પકડવા નાખેલી જાળમાં મગરો આવી ગયા હોય તેવી હતી. હવે જો મગરને તે ના પકડે તો મગરો તેને ખાઈ જાય તેમ હતું. હવે શરૂ થયો ખરાખરીનો જંગ, પણ જંગનું રિમોટ હજી પણ ઇન્દ્રસિંહ જાડેજાના હાથમાં હતું.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular