Surat PCB team arrests accused wanted for 24 years : સુરત પીસીબી ટીમે વર્ષોથી ફરાર એવા એક આરોપીને ઝડપી પાડ્યો છે. વરાછા પોલીસ સ્ટેશન (Varachha Police Station) માં મારામારીના ગુનામાં 24 વર્ષથી ફરાર આરોપી ઉપેન્દ્ર મહતોને ઝડપી લઈ પીસીબી ટીમે સ્થાનિક પોલીસને સોંપ્યો છે. સુરત પીસીબી ટીમ છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 10 વર્ષથી વધુ સમયથી ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા કુલ 55 આરોપીઓને ઝડપી ચૂકી છે.
વર્ષ 2002માં વરાછા જૂની શક્તિવિજય સોસાયટી ખાતે રહેતા ઉપેન્દ્ર મહતો (મૂળ રહે. બિહાર) અને હરિકિશોર રાય નામના વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં ઉપેન્દ્ર હરિકિશોરને માથામાં લાકડાના ફટકા મારી ફરાર થઈ ગયો હતો. છેલ્લાં 24 વર્ષથી ફરાર ઉપેન્દ્ર મહતો સુરતના કીમ ચાર રસ્તા વિસ્તારમાં રહેતો હોવાની માહિતી પીસીબી ટીમને મળી હતી. જે માહિતી આધારે એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ, હસમુખભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીએ કીમ ચાર રસ્તા દાલમીલ કમ્પાઉન્ડ મસ્જીદ પાસેથી ઉપેન્દ્રને ઝડપી પાડ્યો હતો.
પોલીસ ધરપકડથી બચવા ઉપેન્દ્ર મહતો છેલ્લાં બે દસકાથી દિલ્હી અને આસામમાં નોકરી કરી છુપાતો ફરતો હતો. છેલ્લાં પાંચેક મહિનાથી ઉપેન્દ્ર સુરત ખાતે આવ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. સુરત પીસીબી ટીમે તાજેતરમાં હત્યા કરી લૂંટ ચલાવવાના એક કેસમાં 12 વર્ષથી ફરાર આરોપી (મૂળ રહે. ઉત્તરપ્રદેશ) ને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો છે.








