Friday, September 4, 2026
HomeNational‘હું દોષી નથી, પણ ટ્રાયલનો સામનો નહીં કરું’: સરલા ભટ હત્યા કેસમાં...

‘હું દોષી નથી, પણ ટ્રાયલનો સામનો નહીં કરું’: સરલા ભટ હત્યા કેસમાં યાસીન મલિકે TADA કોર્ટ પાસે મોતની સજા માગી

- Advertisement -

Yasin Malik Sarla Bhat Murder Case: જેલમાં બંધ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકે 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના અપહરણ અને હત્યામાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. સાથે જ તેણે શ્રીનગરની વિશેષ TADA/POTA કોર્ટને જણાવ્યું છે કે હવે તે ટ્રાયલની કાર્યવાહીનો વધુ સામનો નહીં કરે. તેના બદલે તેણે કોર્ટને સીધી મોતની સજા આપવાની માંગ કરી છે.

યાસીન મલિકે પોતાના 25 પાનાના હલફનામામાં સ્પષ્ટ કર્યું છે કે ટ્રાયલનો સામનો ન કરવાનો તેનો નિર્ણય કોઈ ગુનો સ્વીકારવાનો કે પ્રોસિક્યુશન દ્વારા કરવામાં આવેલા આરોપોને માન્યતા આપવાનો નથી. તેના જણાવ્યા મુજબ, ઘટનાના ત્રણ દાયકાથી વધુ સમય બાદ તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

- Advertisement -

આ હલફનામું સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) દ્વારા જૂન 2026માં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના જવાબમાં રજૂ કરવામાં આવ્યું છે. કેસ શૅર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS)માં નર્સ તરીકે કામ કરતી સરલા ભટના અપહરણ અને હત્યાથી જોડાયેલો છે. એપ્રિલ 1990માં તેમની હત્યા કરવામાં આવી હતી. SIAએ યાસીન મલિકને આરોપીઓમાં સામેલ કરીને હત્યાની સાજિશમાં તેની ભૂમિકા હોવાનો આરોપ મૂક્યો છે.

મલિકે જણાવ્યું છે કે ત્રણ દાયકાથી વધુ સમય પછી પોતાનું નામ આરોપી તરીકે સામે આવવું તેને આશ્ચર્યજનક અને અવિશ્વસનીય લાગે છે. તેણે દાવો કર્યો છે કે આ કાર્યવાહી રાજકીય પરિસ્થિતિઓ અને નિર્ણયોનું પરિણામ છે અને તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે.

મલિકે પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. ખાસ કરીને ઘટના સ્થળેથી મળેલા JKLFના નામના કથિત હાથથી લખાયેલા નોટને લઈને તેણે વાંધો વ્યક્ત કર્યો છે. તેના હલફનામા મુજબ, આ નોટમાં હત્યાની જવાબદારી સ્વીકારવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તેમાં જાવેદ મીર, શેખ અબ્દુલ હામિદ અને મોહમ્મદ યાસીન મલિકના નામનો ઉલ્લેખ હતો.

- Advertisement -

મલિકે જણાવ્યું છે કે 2 અને 3 જૂન, 2026ના રોજ સક્ષમ કોર્ટના આદેશથી SIAના ત્રણ અધિકારીઓ તિહારની સેન્ટ્રલ જેલ નંબર-7માં તેની મુલાકાતે આવ્યા હતા. તેના મુજબ, અધિકારીઓએ બે મુખ્ય મુદ્દા તેની સામે મૂક્યા હતા. એક, કથિત હાથથી લખાયેલ JKLF નોટ અને બીજું, પ્રોસિક્યુશનનો એવો દાવો કે સરલા ભટ પર સુરક્ષા દળોને માહિતી આપવાનો શંકા હતો અને મલિકે તેમની હત્યાનો આદેશ આપ્યો હતો.

મલિકે બીજા આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. તેના જણાવ્યા મુજબ સરલા ભટ નિર્દોષ નાગરિક હતા અને તેઓ સુરક્ષા દળો માટે ગુપ્ત રીતે કામ કરતા હતા એવો દાવો ખોટો છે. તેણે 8 એપ્રિલ, 1990ના રોજ નરવારા વિસ્તારમાં થયેલી રેડ માટે સરલા ભટ જવાબદાર હતા તે વાત પણ નકારી છે. બદલો લેવા માટે તેમની હત્યાનો આદેશ આપ્યો હોવાનો આરોપ પણ તેણે સ્વીકાર્યો નથી.

મલિકના બચાવમાં તેની તત્કાલીન શારીરિક સ્થિતિને પણ મહત્વ આપવામાં આવ્યું છે. તેણે દાવો કર્યો છે કે 8 એપ્રિલ, 1990ના રોજ એક સુરક્ષા ઓપરેશન દરમિયાન પાંચમા માળેથી પડી જતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે લાંબા સમય સુધી બેભાન રહ્યો હતો. તેના જણાવ્યા મુજબ તે સમયે તેની મોતની અફવાઓ પણ ફેલાઈ હતી.

- Advertisement -

મલિકનો દાવો છે કે 19 એપ્રિલ, 1990ના રોજ સરલા ભટની હત્યાનો આદેશ તેણે આપ્યો હતો એવી પ્રોસિક્યુશનની થિયરી તેની તે સમયની તબીબી સ્થિતિ સાથે મેળ ખાતી નથી. તેણે કહ્યું છે કે તે વખતે તે હોસ્પિટલમાં હતો અને ગંભીર ઈજાઓમાંથી સારવાર લઈ રહ્યો હતો.

તેના હલફનામામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરલા ભટની હત્યા અંગે તેને પહેલીવાર 21 ફેબ્રુઆરી, 1991ના રોજ જાણ થઈ હતી, જ્યારે તે ન્યાયિક કસ્ટડીમાં હતો. તેના મુજબ તે તારીખ પહેલાં તેણે સરલા ભટ વિશે સાંભળ્યું નહોતું અને ઘટનાની પણ તેને કોઈ જાણ નહોતી.

મલિકે હલફનામામાં એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે 1990ના દાયકામાં જ્યારે તેને અને JKLFના અન્ય સભ્યોને ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે સરલા ભટ કેસમાં તેનું નામ કેમ લેવામાં આવ્યું નહોતું અને તેના સામે કાર્યવાહી શા માટે કરવામાં આવી નહોતી.

તેનો દાવો છે કે પ્રોસિક્યુશનની હાલની કહાની ઘટનાના ઘણા વર્ષો બાદ તૈયાર કરવામાં આવી છે અને તે સમયના રેકોર્ડ અથવા તપાસ એજન્સીઓની કાર્યવાહીમાંથી તેની સામે કોઈ પુરાવો જોવા મળતો નથી. જોકે આ તમામ દાવા યાસીન મલિકના બચાવનો ભાગ છે અને કોર્ટનો અંતિમ નિર્ણય નથી. SIAની ચાર્જશીટમાં કરવામાં આવેલા આરોપો પર હજી ફોજદારી કાર્યવાહી ચાલુ છે.

હલફનામાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ટ્રાયલ અંગેના મલિકના નિર્ણય સાથે જોડાયેલો છે. તેણે લખ્યું છે કે પોતાની વ્યક્તિગત પરિસ્થિતિ અને ગંભીર વિચારણા બાદ હવે તે ટ્રાયલની કાર્યવાહીનો વધુ સામનો નહીં કરે. જોકે તેણે ફરીથી સ્પષ્ટ કર્યું છે કે તેનો આ નિર્ણય કોઈપણ રીતે પ્રોસિક્યુશનના આરોપોને સ્વીકારવાનો નથી.

આ સાથે મલિકે કોર્ટ પાસે મોતની સજા આપવાની માંગ પણ કરી છે. હલફનામામાં તેના રાજકીય જીવન અને વિવિધ રાજકીય તેમજ ગુપ્તચર અધિકારીઓ સાથે થયેલી જૂની ચર્ચાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં અટલ બિહારી વાજપેયીની સરકારના સમયમાં થયેલી બેઠકો અને ભારત-પાકિસ્તાન શાંતિ પ્રક્રિયા સાથે જોડાયેલી કેટલીક ચર્ચાઓનો પણ ઉલ્લેખ છે.

હલફનામાના અંતિમ ભાગને મલિકે પોતાની “અંતરાત્માની જાહેરાત” તરીકે રજૂ કર્યો છે. તેમાં તેણે લખ્યું છે કે તે કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ રાખતો નથી અને પોતાની વાત, યાદો તથા અંતરાત્માની સ્થિતિ કોર્ટ સમક્ષ મૂકી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular