Surat Nasirnagar demolition case in High Court: સુરતના નાસિર નગર વિસ્તારમાં જૂન મહિનામાં હાથ ધરાયેલી કથિત ગેરકાયદે ડિમોલિશન કાર્યવાહીમાં ઘર ગુમાવનારા રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ગંભીર રજૂઆત કરી છે. રહેવાસીઓનો આરોપ છે કે પુનર્વસન માટે હવે જે મકાનો આપવામાં આવી રહ્યા છે, તે અત્યંત ખરાબ અને જર્જરિત હાલતમાં છે.
નાસિર નગરના અસરગ્રસ્ત રહેવાસીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવારે જસ્ટિસ નીખિલ એસ. કરિયલની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. રહેવાસીઓએ એવો પણ આરોપ લગાવ્યો કે શરૂઆતમાં તેમને એક સ્થળે મકાનો આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં કોઈ પૂર્વ જાણ કર્યા વગર પુનર્વસનનું સ્થળ બદલી દેવામાં આવ્યું હતું.
રહેવાસીઓ તરફથી રજૂઆત કરતા સિનિયર એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જહાંગીરપુરા વિસ્તારમાં મકાનો આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર રહેવાસીઓએ જહાંગીરપુરા ખાતે જઈને મકાનોની સ્થિતિ પણ જોઈ હતી અને તે રહેવા યોગ્ય હોવાનું જણાતા તેમણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. સમગ્ર પ્રક્રિયા એ સમજૂતીના આધારે આગળ વધી હતી કે તેમને જહાંગીરપુરામાં મકાનો ફાળવવામાં આવશે.
જોકે, બાદમાં રહેવાસીઓને કોઈ પૂર્વ જાણ કર્યા વગર અડાજણ અને ભેસ્તાન વિસ્તારમાં મકાનો સ્વીકારવા માટે કહેવામાં આવ્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. રહેવાસીઓના વકીલે કોર્ટ સમક્ષ પ્રસ્તાવિત મકાનોના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા અને તેમની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વકીલના જણાવ્યા મુજબ રહેવાસીઓને એક બેડરૂમ અને એક હોલ ધરાવતું મકાન આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ હવે તેમને માત્ર એક રૂમ અને નાનું રસોડું ધરાવતું મકાન આપવામાં આવી રહ્યું છે અને તેની હાલત પણ જર્જરિત હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
સુરત મહાનગરપાલિકા તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે અરજદારો દ્વારા આશરે 100 પાનાનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે અને તેનો જવાબ આપવા માટે સમયની જરૂર છે. રહેવાસીઓ તરફથી રજૂઆત કરતા સિનિયર એડવોકેટે પણ આગામી સુનાવણી સુધી મામલાને ચાલુ રાખવાની વિનંતી કરી હતી. બંને પક્ષોની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે મામલાની વધુ સુનાવણી માટે સમય નક્કી કર્યો છે અને મહાનગરપાલિકાને એફિડેવિટનો જવાબ રજૂ કરવા સમય આપ્યો છે.
આ સમગ્ર કેસ જૂન મહિનામાં સુરતના નાસિર નગર વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી સાથે સંબંધિત છે. અગાઉ હાઈકોર્ટે આ મામલે પ્રાથમિક અવલોકન કરતાં મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે જો પોલીસ બંદોબસ્ત સીમાકન અથવા ડિમાર્કેશનની કાર્યવાહી માટે માંગવામાં આવ્યો હોય અને તેની આડમાં મહાનગરપાલિકા દ્વારા મકાનો તોડી પાડવામાં આવી રહ્યા હોય, તો સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓની ફરજ હતી કે તેઓ હસ્તક્ષેપ કરીને આવી કાર્યવાહી અટકાવે.
આ કેસમાં અગાઉ રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના સંબંધિત કમિશનરની બદલી કરીને તેમને અન્ય પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને એવો સવાલ પણ કર્યો હતો કે જ્યારે આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી હતી, ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને તેમના પદ પર શા માટે યથાવત રાખવામાં આવ્યા હતા. આ મામલે હવે આગામી સુનાવણી 11 સપ્ટેમ્બર, 2026ના રોજ હાથ ધરાશે.








