Police Constable Rajdeepsinh Gohil on Remand in Bhavnagar Lattha Kand Case : ગુજરાત પોલીસ પર કલંક સમાન ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં આરોપી બનેલા 41 વર્ષીય હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ બાદ 10 દિવસના રિમાન્ડ સ્ટેટ મોનિટરિંગ સેલે મેળવ્યા છે. રિમાન્ડ મેળવવા માટે અપાયેલા કારણોએ સૌને ચોંકાવી દીધા છે. આરોપી કોન્સ્ટેબલ રાજદીપે છુપાવી રાખેલો મોબાઈલ ફોન કબજે લેવા Team SMC ધમપછાડા કરી રહી છે. વરતેજ પોલીસ સ્ટેશન (Vartej Police Station) ની હદમાં ઝેરી દારૂ બનાવનારા લિસ્ટેડ બુટલેગર ગૌતમ વિરમભાઈ સોલંકી સાથે બે વર્ષમાં કોન્સ્ટેબલ રાજદીપ ગોહિલ મોબાઈલ ફોન પર 257 વખત વાતચીત કરી ચૂક્યો છે. લિસ્ટેડ બુટલેગર ગૌતમ સોલંકી (Bootlegger Gautam Solanki) ઉપરાંત તેના સાળા જતીન કાંબડ (લઠ્ઠાકાંડનો આરોપી) સાથે પણ કોન્સ્ટેબલ રાજદીપ સંપર્કમાં હતો. લઠ્ઠાકાંડની જાહેરાત થતાં બુટલેગરોએ તેમની પાસે રહેલા ઝેરી દારૂના મુદ્દામાલનો નાશ કરી દીધો હતો. પુરાવાનો નાશ કરી દેવાની જાણકારી બુટલેગર ગૌતમને કોણે આપી તે એક મોટા સવાલનો જવાબ મેળવવાનો હજુ સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) માટે જરૂરી છે.
લઠ્ઠાકાંડ કેસમાં પોલીસની પડદા પાછળની ભૂમિકા
ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 પ્યાસીઓના મોત માટે જવાબદાર મોટા ભાગના આરોપીઓને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો ઝડપી ચૂકી છે. બે સપ્તાહથી ચાલી રહેલી આ ચકચારી કેસની તપાસમાં એસએમસી મુખ્ય સૂત્રધારો સહિત 38 આરોપીના રિમાન્ડ પણ મેળવી ચૂકી છે. બુટલેગરો અને મિથેનોલ સપ્લાય કરનારા આરોપીઓની ધરપકડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ કાંડમાં પડદા પાછળની ભૂમિકા ભજવનારી ભ્રષ્ટ પોલીસની તપાસ શરૂ કરી છે. એસએમસીના એસપી મયૂર ચાવડા (Mayur Chavda) ની આગેવાનીમાં ચાલી રહેલી તપાસમાં સિનિયર આઈજી ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir) ની એન્ટ્રી થતા ભાવનગર જિલ્લા પોલીસનો વારો પડી ગયો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ગગનદીપ ગંભીરે અનેક વખત પૂછપરછ કર્યા બાદ સોમવારે રાતે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની એસએમસીએ ધરપકડ કરી હતી. કોન્સ્ટેબલની ધરપકડ બાદ હવે કોનો વારો આવશે તેને લઈને ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી વળ્યો છે.
બુટલેગર સાથે કોન્સ્ટેબલનો ગાઢ સંબંધ, ઉચ્ચ અધિકારી અજાણ?
ભાવનગરના ફુલસર રોડ પર આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ ગોહિલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Rajdeepsinh Gohil APC) હોવા છતાં વર્ષોથી મહત્વના સ્થાન પર ફરજ બજાવતો આવ્યો છે. વેળાવદર ભાલ સનેશ પોલીસ સ્ટેશનમાં નિમણૂક ધરાવતો હથિયારી કોન્સ્ટેબલ વર્ષ 2026ની શરૂઆતથી ગત 20 ઓગસ્ટ સુધી ભાવનગર ગ્રામ્ય એએસપી ઘનશ્યામ ગૌતમના સ્કવોડમાં ફરજ બજાવતો હતો. એએસપી ઘનશ્યામ ગૌતમે (Ghanshyam Gautam IPS) પોતાના તાબામાં એક નાસતા ફરતા સ્કવોડ બનાવ્યો હતો અને તેમાં એટેચ તરીકે રાજદીપ ગોહિલને રાખ્યો હતો. રાજદીપ ગોહિલ વર્ષ 2022થી બુટલેગર ગૌતમના સંપર્કમાં હતો. કોન્સ્ટેબલ રાજદીપ અને બુટલેગરની કોલ હિસ્ટ્રી તપાસતા બંને વચ્ચે 257 વખત વાતચીત થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાજદીપ ગોહિલ લઠ્ઠાકાંડ કેસમાં બુટલેગર ગૌતમ સોલંકીને છાવરતો હોવાની ચોંકાવનારી બાબત પોલીસ તપાસમાં સામે આવી છે.








