Police Constable Arrested in Bhavnagar Lattha Kand Case : ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ બનાવનાર સહિત 13 પ્યાસીઓના મોત થઈ ચૂક્યા છે. ચકચારી લઠ્ઠાકાંડ કેસની તપાસ ચલાવી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) બે સપ્તાહના ગાળામાં એક પછી એક એમ કુલ 38 આરોપીઓને ઝડપી લીધા છે. સોમવારે રાતે લઠ્ઠાકાંડના કેસમાં ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના એક પોલીસ કર્મચારીની ધરપકડ કરાતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. એએસપી ઘનશ્યામ ગૌતમ (Ghanshyam Gautam IPS) ના સ્કવોડમાં ફરજ બજાવતા રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કર્યા બાદ આજે મંગળવારે તેના રિમાન્ડ મેળવવા તપાસ અધિકારીએ કાર્યવાહી આરંભી છે.
તપાસમાં પોલીસ-બુટલેગરની સાંઠગાંઠ સામે આવી
ગત ઓગસ્ટ મહિનાના મધ્યમાં ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન (Vartej Police Station) માં સર્જાયેલી લઠ્ઠાકાંડની ઘટનાએ રાજ્યભરની પોલીસને દોડતી કરી દીધી હતી. રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે (G S Malik) લઠ્ઠાકાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપતા એક પછી એક બુટલેગરોની ધરપકડનો દોર શરૂ થયો હતો. દારૂ બનાવનાર, મિથેનોલ મોકલનાર-મેળવનાર, ઝેરી દારૂ વેચનાર એમ અત્યાર સુધીમાં કુલ 38 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ સમગ્ર તપાસની વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલના સિનિયર આઈજી ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir) ની એન્ટ્રી થતાં ભાવનગર જિલ્લા પોલીસ ફફડી ઊઠી હતી. છેલ્લાં એકાદ સપ્તાહથી ગગનદીપ ગંભીરે બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ-અધિકારીઓની તપાસ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં એએસપી ઘનશ્યામ ગૌતમના સ્કવોડમાં એટેચ તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ ગોહિલની સંડોવણી સામે આવી હતી.
હથિયારી કોન્સ્ટેબલને ASPએ અટેચમાં રાખ્યો હતો
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એસ.એમ. જાડેજા (S M Jadeja PI) એ સોમવારે રાતે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની લઠ્ઠાકાંડ કેસમાં ધરપકડ કરી છે. લઠ્ઠાકાંડ કેસના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે રાજદીપ ગોહિલ સતત સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. રાજદીપ ગોહિલ વેળાવદર ભાલ સનેશ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અને અટેચમાં ASP Ghanshyam Gautam ના સ્કવોડમાં તૈનાત હતો. ઘનશ્યામ ગૌતમે બનાવેલા નાસતા ફરતા સ્કવોડમાં હથિયારી કોન્સ્ટેબલને એટેચમાં રાખવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર રાજદીપ ગોહિલ અને બુટલેગર ગૌતમ સોલંકી વચ્ચે 200થી વધુ વખત વાતચીત થઈ છે.








