પ્રશાંત દયાળ (શતરંજ-22, નવજીવન ન્યૂઝ): અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચની બહાર એક વ્યક્તિ ક્યારની અંદરથી જવાબ આવે તેની રાહ જોઈ રહી હતી. લગભગ બે કલાક પછી એક કૉન્સ્ટેબલ દરવાજાની બહાર આવ્યો. તેણે આજુબાજુ જોઈ મોટેથી પૂછ્યું : “રાઘવભાઈ?” તરત સફેદ લેંઘો-ઝભ્ભો પહેરેલી એક વ્યક્તિ આવી. કૉન્સ્ટેબલ સામે આવી ઊભી રહી. કૉન્સ્ટેબલે તેને પૂછ્યું : “તમે?” પેલી વ્યક્તિએ માથું હલાવી હા પાડી, તેણે પોતાની સાથે આવવાનો ઇશારો કર્યો. રાઘવભાઈ તેની પાછળ ચાલતા ચાલતા ડીસીપી વછરાજાનીની ચેમ્બર સુધી પહોંચ્યા. કૉન્સ્ટેબલે દરવાજો ખોલી તેમને અંદર જવા કહ્યું. વછરાજાનીએ તેમને જોતાં પોતાની ખુરશીમાંથી ઊભા થઈને કહ્યું : “આવો આવો રાઘવભાઈ, સૉરી; તમારે રાહ જોવી પડી. હું તો કંટાળી ગયો છું. હવે બદલી થાય તો સારું છે.” તરત રાઘવે તેમની સાથે હાથ મિલાવતાં કહ્યું : ના ના સાહેબ, તમારા જેવા દયાળુ માણસો અહીંયાં બેઠા છે, તો લોકોનું ભલું થાય છે.” વછરાજાનીએ બંને હાથ ઉપર કરી કહ્યું : “આપણે તો નિમિત્ત છીએ, ઈશ્વર જ બધું કરે છે.” વછરાજાનીએ ચા મંગાવી. ચા પીવાનું પૂરું થયું પછી રાઘવના ધંધા અને પરિવારના સમાચાર પૂછ્યા. પછી વછરાજાનીએ કહ્યું : “બોલો રાઘવજી! શું આદેશ છે અમારા માટે?”
“સાહેબ, આદેશ કરવામાં તો અમે બહુ નાના છીએ. વિનંતી કરી શકીએ.” તેમ કહેતા રાઘવજીએ પોતાની વાત શરૂ કરતાં કહ્યું, “તમે તો જાણો છો, સાહેબ. અમે મૂળ વસઈના. ઉત્તર ગુજરાતનાં. અમારા ગામમાં છગનલાલનું બહુ મોટું નામ અને કામ. બહુ ભલા માણસ. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાનનો માણસ. હવે તો રહ્યા નથી. દસ વર્ષ પહેલાં ગુજરી ગયા. તેમણે અમદાવાદ માણેકચોકમાં પોતાની ‘છગનલાલ ઍન્ડ કંપની’ના નામે આંગડિયા પેઢી શરૂ કરી હતી. તેમના ત્રણ દીકરાઓ પણ તેમની સાથે કામ કરતા હતા.” વછરાજાની બહુ ધ્યાનથી સાંભળતા હતા. તેમને ખબર પડી ગઈ હતી કે વાત કઈ તરફ જઈ રહી છે. છતાં જાણે તેઓ પહેલી વખત કોઈ વાત સાંભળી રહ્યા હોય તેવો તેમનો ચહેરો હતો. રાઘવજીએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું : “તમે થોડા દિવસ પહેલાં છગનલાલના મોટા દીકરા મહેશને બોલાવ્યો હતો, ત્યારથી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે.” આ સાંભળતાં વછરાજાનીના ચહેરા ઉપર કોઈ એચીવમેન્ટ મળી હોય તેવો ભાવ હતો. રાઘવજીએ વિનંતિના સૂરમાં કહ્યું : “સાહેબ, હું તમને ખાતરી આપું છું કે તેમનું આખું ઘર કોઈ ખોટું કામ ના કરે. કંઈક મદદ કરો.”
વછરાજાનીએ લાંબો શ્વાસ છોડતાં કહ્યું : “રાઘવજી, તમે તો મને વર્ષોથી ઓળખો છો. ખોટું કરવામાં માનતો નથી. ઈશ્વરથી ડરું છું પણ તમે તો મને ધર્મસંકટમાં નાખી દીધો. કેવી રીતે મદદ કરું સમજાતું નથી.” રાઘવજી તેમની સામે યાચકભાવે જોઈ રહ્યા. વછરાજાનીએ જ્યોતિષ જોતા હોય તેમ ટેબલ ઉપર પડેલી ફાઈલ ખોલી કંઈક વાંચ્યું, પછી કહ્યું : “બહુ અઘરું છે.” રાઘવજી પણ તૈયાર વેપારી હતા, આવાં કામ તો પહેલાં પણ અનેક વખત કરી ચૂક્યા હતા. પોતે પણ આંગડિયા પેઢી ચલાવતા હતા. તેમણે ધીમા અવાજે કહ્યું… “કંઈ સેવા કરવાની હોય તો કહો… થઈ જશે.” વછરાજાનીને લાગ્યું કે, હવે વાત બરાબર થઈ રહી છે. પોલીસ અને પોલીસ સાથે જેમને રોજ પનારો પડે છે તેમના દ્વારા શોધવામાં આવેલા ‘સેવા’ શબ્દનો અર્થ કંઈક જુદો થતો હતો. તમે કોઈ સરકારી અમલદારને એવું પૂછો કે મારું કામ કરવા માટે ‘તમારો ભાવ કેટલો’ અથવા ‘કેટલી લાંચ લેશો’ તેના બદલે કેટલી સેવા એમ કહો એટલે એનો અર્થ ‘લાંચની રકમ બોલો’ તેવો થતો હતો.
રાઘવજીએ સેવા કરવાની તૈયારી બતાડતાં, વછરાજાનીએ મદદ કરવાની તો ‘હા’ પાડી, પરંતુ કાયદાની મર્યાદાઓ પણ બતાવતાં કહ્યું : “સો ટકા તો મદદ શક્ય નથી, પણ જેટલી થશે તેટલી કરીશ. રાઘવજી, તમને ખબર છે ને કે મને પૈસાનો મોહ નથી?!” રાઘવજી, પણ તેમની સાથે સંમત હોય તેમ કહ્યું : “અરે સાહેબ, તમે ક્યાં બીજા જેવા પૈસા કમાયા છો?” રાઘવજી રાહ જોઈ બેઠા હતા… વછરાજાની કંઈ ફોડ પાડે. પણ આડીઅવળી વાત કરી. તેમણે મંગળને બોલાવ્યો, રાઘવજી તરફ ઇશારો કરતાં કહ્યું : “આમને મળી લેજે.” મંગળ કૉન્સ્ટેબલ જ હતો, પણ પોલીસની ભાષામાં તે વછરાજાનીનો વહીવટદાર હતો. વહીવટદારનો અર્થ એવો થતો કે દરેક પોલીસ-ઇન્સ્પેક્ટર અને ઉપરના અધિકારીઓ પોતાના એક કૉન્સ્ટેબલને આર્થિક કારોબાર સોંપતા હતા જે લોકો પાસેથી લાંચ નક્કી કરવાથી લઈ લાંચ સ્વીકારી સાહેબ સુધી પહોંચાડવાનું કામ કરતો હોય. તરત મંગળ બહાર નીકળ્યો. તેની સાથે રાઘવજી પણ બહાર ગયા. બંને સાથે ચાલતા ચાલતા ક્રાઇમ-બ્રાન્ચની બહાર નીકળી ભાઉના ગલ્લા ઉપર ગયા. મંગળે પોતાના મસાલાનો ઑર્ડર આપ્યો, રાઘવજીએ નમ્રતા સાથે કહ્યું : “ના ના, મને કોઈ વ્યસન નથી.” મંગળે પોતાના વ્યસનના સમર્થનમાં કહ્યું, “શું કરીએ? સાલી નોકરી જ એવી છે. જમવા કરતાં મસાલા વધારે થાય છે.” રાઘવજીએ મસાલાના પૈસા આપવા પાકીટ કાઢ્યું ત્યારે મંગળે તેમને રોકતાં કહ્યું : “અરે હોય! તમે તો મહેમાન છો.”
પછી તેમની વાત કોઈ સાંભળે નહીં તે માટે થોડે દૂર જઈ પીપળના ઝાડ પાસે જતાં મંગળે રાઘવજીના કાન પાસે મોઢું લાવી પૂછ્યું : “કેટલા કહ્યા સાહેબે?” રાઘવજીને આશ્ચર્ય થયું, કારણ કે વછરાજાની સાથે હજી રકમની તો વાત થઈ જ ન હતી. રાઘવજીનો ચહેરો જોઈ મંગળ કહ્યા વગર સમજી ગયો. તેણે તરત વછરાજાનીને ફોન જોડ્યો અને પૂછ્યું : “સાહેબ, કેટલા વાગે મળવાનું છે?” સાહેબનો જવાબ આવ્યો : “ત્રણ વાગે.” આ સાંકેતિક સંવાદ હતો. કેટલા વાગેનો અર્થ થતો કે કેટલી રકમ કહેવાની. મંગળે ફોન મૂક્યો અને ચહેરો ગંભીર કરતાં કહ્યું : “કેસ તો પોટાનો છે. આખી જિંદગી બગડી જશે. આ મિયાંભાઈના રવાડે ક્યાં ચઢ્યા તમે?” રાઘવજીને અંદરથી ગુસ્સો આવી રહ્યો હતો. અત્યારે પૈસાની વાત કરવાની હતી, ત્યારે મંગળ સલાહ આપી રહ્યો હતો. પણ મંગળની વાત સાચી છે તેવું કહેવામાં રાઘવજીને કોઈ વાંધો ન હતો. તેમણે કહ્યું : “અરે સાહેબ, હવે તેમનાથી ભૂલ થઈ ગઈ. પણ તમે હો તો ક્યાં વાંધો છે?” આ સાંભળી મંગળને શેર લોહી ચઢ્યું. જાણે તેણે જ કેસનો નિકાલ કરવાનો હોય તેમ કહ્યું : “ત્રણ ખોખાં થશે… વાત પતી જશે.” ખોખાં શબ્દ સાંભળતાં રાઘવજીનું મોઢું ખૂલી ગયું. તેમણે મંગળ સામે જોયું. મંગળે કેસની ગંભીરતા સમજાવતાં કહ્યું : “પોટા શું છે ખબર છે? આતંકવાદી પ્રવૃત્તિ માટે લાગે છે. અક્ષરધામ હુમલામાં, મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં આ જ કલમ લાગી હતી. હજી જેલમાં સડે છે. કોઈ કોર્ટ જામીન આપતી નથી.” રાઘવજી વિચારમાં પડી ગયા. તેમણે બાજુમાં જઈ કોઈને ફોન કર્યો ત્યાં સુધી મંગળ મસાલો ચાવી રહ્યો હતો.
ફોન પતાવી, રાઘવજી પાછા આવ્યા. કંઈક વાજબી કરવાની વાત કરી. મંગળ નારાજ થઈ ગયો : કેવી વાત કરો છો? શાકભાજી લેવા નીકળ્યા છો? રાઘવજીએ તેને શાંત પાડતાં મહેશ પટેલની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવ્યું. મંગળ પણ વિચાર કરવા લાગ્યો. તે બાજુમાં ગયો. તેણે પણ ફોન કર્યો અને પાછા આવીને કહ્યું : “સાહેબ સાથે વાત થઈ. દોઢ કરતાં ઓછા નહીં.” રાઘવજીએ કચવાતા મને હા પાડી. પેમેન્ટ આવતી કાલે મળી જશે તેની ખાતરી આપી, બંને પાછા ક્રાઇમ-બ્રાન્ચ આવ્યા. મંગળ વછરાજાનીની ચેમ્બરમાં આવી નીકળી ગયો. રાઘવજીએ મોઘમમાં જ કહ્યું : “સાહેબ, વાત થઈ ગઈ.” તેમણે પણ રાઘવજી સામે જોતાં કહ્યું : “ચિંતા કરતાં નહીં, થઈ જશે. રાઘવજી ત્યાંથી નીકળી ગયા. તે જ રાતે વછરાજાનીની ચેમ્બરમાં જુનેદ, તેના દીકરા મકસૂદ તેમજ મુંબઈના જાહીદ અને મુઝબિલને લાવવામાં આવ્યા. અગાઉથી કેટલાંક સ્ટેટમેન્ટ લખેલાં હતાં, તેમની ઉપર તેમને સહી કરવાનો આદેશ આપવામાં આવ્યો. જુનેદે કાગળ હાથમાં લેતાં પ્રશ્નાર્થભાવે પૂછ્યું : “ક્યા લિખા હૈ?” તરત વછરાજાનીએ એક લાફો જુનેદને ઝીકી દીધો. જુનેદ જમીન ઉપર પડી ગયો. તેની આંખમાં આંસુ હતાં. તે જોઈ મકસૂદ પણ ડરી ગયો અને રડવા લાગ્યો. તેણે જમીન ઉપર પડેલા પોતાના પિતાને ઊભા કર્યા. જુનેદે પહેલી વખત વછરાજાનીનું આ સ્વરૂપ જોયું હતું. જુનેદની હાલત જોયા પછી ખુદ જુનેદ સહિત બધાએ તેમને જે કાગળો આપ્યા તે બધા ઉપર સહી કરી દીધી.
એટલે તેમને લઈ આવેલા કૉન્સ્ટેબલો તેમને લઈ રોજ જે હૉલમાં રાખતા હતા, તેના બદલે ક્રાઇમ-બ્રાન્ચની પૂર્વ દિશામાં આવેલા લૉકઅપ તરફ લઈ ગયા. બહાર બેઠેલા એસઆરપી જવાને પોતાના રજિસ્ટરમાં તેમના ચારેના નામની એન્ટ્રી કરી. તે દિવસે ૨૦મી નવેમ્બર હતી. લોખંડી દરવાજો ખોલી, તેમને અંદર મોકલી આપ્યા હતા. હવે તેઓ અટકાયતી ન હતા, પરંતુ આરોપી બની ગયા હતા. ક્રાઇમ-બ્રાન્ચના પોલીસ સ્ટેશન-ઑફિસરે ઇન્સ્પેક્ટર વિનય તોમરની ફરિયાદ નોંધી. જુનેદ, મકસૂદ, જાહીદ અને મુઝબિલ સામે લશ્કર-એ-તોઇબાના ઇશારે દેશમાં ભાંગફોડનું કાવતરું ઘડવાનો અને દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે લૉકઅપમાં રહેલી ચારે વ્યક્તિઓને હજી ખબર ન હતી કે તેમને કયા ગુના માટે પકડવામાં આવ્યા છે. જોકે જુનેદના પરિવારને ફોન કરી ક્રાઇમ-બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હોવાની સત્તાવાર જાણ કરી દીધી હતી.
બીજી તરફ સોલાપુરથી અમદાવાદ આવવા માટે દિનેશ નાયર પોતાની ટીમ સાથે નીકળી ગયા. સાથે નિઝામ, રામ અને રૂપા પણ હતાં. નાયર રસ્તામાં સતત વછરાજાનીના સંપર્કમાં હતા. જ્યારે રૂપા તો રસ્તામાં રડી રહી હતી. નિઝામ તેને આંખોના ઇશારે શાંત રહેવા અને હિંમત રાખવા માટે સમજાવી રહ્યો હતો. દોઢ દિવસની મુસાફરી બાદ નાયર અમદાવાદ પહોંચ્યા. નારોલ સર્કલ પહોંચ્યા બાદ તેમણે અમદાવાદમાં દાખલ થતાં પહેલા ફોન કરવો તેવી સૂચના હોવાને કારણે નાયરે ફોન કરતાં વછરાજાનીએ સૂચના આપી કે “રામને અલગ વાહનમાં શાહીબાગ એટીએસની ઑફિસમાં જઈ જાવ, જ્યારે નિઝામ અને તેની પત્ની રૂપાને કોબા સર્કલ ગાંધીનગર હાઇવે ઉપર લઈ જાવ, ત્યાં તમને કોઈ એટીએસના અધિકારી મળશે.” નાયરને આખી વાત વિચિત્ર લાગી રહી હતી. તેને જે કંઈ સૂચનાઓ મળી રહી હતી, તે તૂટક તૂટક મળી રહી હતી. તે પોતે આઇપીએસ અધિકારી હોવા છતાં તેનું ચિત્ર સ્પષ્ટ થતું ન હતું, તેમજ તેને લાગી રહ્યું હતું કે તે સમજી રહ્યો છે તેના કરતાં કંઈક જુદી જ વાત છે, જે તેને હજી સમજાઈ રહી ન હતી.
નારોલ સર્કલ આવતાં વાહનો ઊભાં રહ્યાં. તેણે વિનય તોમરને કારની બહાર બોલાવી સૂચના આપી કે, “રામને લઈ એટીએસની ઑફિસે પહોંચો. મારે નિઝામને લઈ બીજે જવાનું છે.” વિનય માટે આ બહુ સહજ વાત હતી. તેને માટે આ એક આદેશ હતો. નિઝામને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે તે વાત સાથે તેને કોઈ નિસબત ન હતી. વિનયની કાર નારોલથી ચંડોળા તળાવ થઈ અમદાવાદમાં દાખલ થઈ, જ્યારે નાયરે પોતાની કારને નારોલથી જમણા હાથે વાળી બાયપાસ રોડ ઉપર ગાંધીનગર લઈ જવાની સૂચના આપી. નિઝામ અને રૂપા બંને બારીના કાચમાંથી અમદાવાદ જોઈ રહ્યા હતા. હજી વહેલી સવાર હતી. ખાસ ટ્રાફિક ન હતો. પરંતુ હિંમતનગર તરફ જતી અને આવતી ટ્રકોની અવરજવર શરૂ થઈ હતી. હવે આપણું શું થશે તે વિચાર બંનેના મનમાં ચાલી રહ્યો હતો. નિઝામ થોડું આગળનું વિચારતો હતો. તેના કારણે તે અંદરથી ધ્રૂજી ગયો હતો. તેની અગાઉ પણ ધરપકડ થઈ હતી, પણ ક્યારેય આવી ગુપચુપ નહીં. તેને ખબર પડતી હતી કે પોલીસ ખુદ તેની ધરપકડને ખાનગી રાખવા માગે છે, તેનું કારણ સમજાતું ન હતું. છતાં છેલ્લાં ત્રણ વર્ષમાં અમદાવાદમાં જે રીતે પોલીસ ઍન્કાઉન્ટરો કરી રહી હતી, એટલે તેને મનમાં શું હતું કે ક્યાંક તેનું ઍન્કાઉન્ટરનું પ્લાનિંગ નથી ને? પણ પછી તે પોતે જ પોતાના નબળા વિચારોને પાછળ હડસેલી ‘થાય ત્યારે જોવાઈ જશે’, તેવું આશ્વાસન પોતાને જ આપતો હતો. તેના વિચારો ચાલુ હતા. ત્યાં તેમની ક્વૉલિસ ધીમી પડી. તેણે બારીમાંથી નજર કરી તો અમદાવાદ-ગાંધીનગર હાઇવેનાં સાઇન બોર્ડ નજરે પડતાં હતાં. તેણે આગળના કાચમાંથી જોયું તો રસ્તાની બાજુમાં પોલીસની એક જિપ્સી પડી હતી. કોઈ સાદાં કપડાં પહેરેલા ઑફિસર ક્વૉલિસને રોકવાનો ઇશારો કરી રહ્યા હતા, જેના કારણે કાર ધીમી થઈ અને ઊભી રહી ગઈ.
ખાનગી ડ્રેસમાં રહેલા ઑફિસર ક્વૉલિસ કાર સુધી દોડી આવ્યા. તે નાયરને ઓળખતો હતો. નાયરે બારીનો કાચ નીચે કર્યો એટલે પેલા ઑફિસરે તરત સાવધાન સ્થિતિમાં ઊભા રહી જયહિંદ કહી પોતાનો પરિચય આપતાં કહ્યું : “સર, ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત એટીએસ.” નાયરે તરત પૂછ્યું : “કેતન, કહાં જાના હૈ?” કેતને હાથનો ઇશારો કરતા કહ્યું : “સર નજદીક હી હૈ. મૈં આગે રહતા હૂં.” આમ કહી તે તરત પોતાની જિપ્સી કાર તરફ દોડ્યો અને જિપ્સી કારના ડ્રાઇવરે જિપ્સી સ્ટાર્ટ કરી. કોબા સર્કલ પાર કરી બે કિલોમીટર પછી જિપ્સી ડાબી તરફ વળી. તેની પાછળ નાયરની કાર હતી. નાયર વિચારી રહ્યા હતા : સાહેબ પણ ખરી જગ્યા શોધી કાઢે છે! લગભગ ત્રણ કિલોમીટર સુધી ધૂળિયા રસ્તા પર પાછા ગયા પછી એક વિશાળ જગ્યા નજરે પડી, જેની ચારે તરફ દસ દસ ફૂટની ઊંચી દીવાલો હતી. બંને કાર એક દરવાજામાં પ્રવેશી. દરવાજાની બહાર ગુજરાતીમાં બોર્ડ હતું, જેનો નાયરે એક એક અક્ષર વાંચ્યો. તેની ઉપર લખ્યું હતું : ‘ગોલ્ડન ફાર્મ’. કાર ઊભી રહેતાં, નાયરે જોયું તે અદ્ભુત જગ્યા હતી… વિશાળ બંગલો, મોટો ગાર્ડન, તેની વચ્ચે ફુવારો. નાયર ફાર્મ હાઉસ જોતો જ રહી ગયો. ઇન્સ્પેક્ટર કેતને નિઝામ તરફ ઇશારો કરતાં કહ્યું : “સર, હવે અમે તેમનું ધ્યાન રાખીશું. આપ થાકી ગયા હશો.” નાયરે કહ્યું : “ઑકે.” ત્યાં બીજા પોલીસવાળા પણ ખાનગી ડ્રેસમાં હતા, તેમણે નિઝામ અને રૂપાને કારમાંથી ઉતાર્યાં અને ફાર્મ હાઉસના બંગલા તરફ ગઈ ગયાં.
(ક્રમશ:)








