Friday, August 21, 2026
HomeGujaratAhmedabadપ્રતિબંધ આવતા હવે દારૂની જેમ રાજસ્થાનથી એનાલોગ પનીર ગુજરાતમાં ઘૂસાડવાનું શરૂ, AMCએ...

પ્રતિબંધ આવતા હવે દારૂની જેમ રાજસ્થાનથી એનાલોગ પનીર ગુજરાતમાં ઘૂસાડવાનું શરૂ, AMCએ 408 કિલો જથ્થો પકડ્યો

- Advertisement -

Large Quantity of Banned Analogue Paneer Seized : ગુજરાતમાં એનાલોગ પનીરને લઈને સરકાર ઐતિહાસિક નિર્ણયો લઈ ચૂકી છે. અગાઉ એનાલોગ પનીર વેચાણના બોર્ડ મારવાની સૂચના આપી અને પછી 6 ઓગસ્ટ 2026થી રાજ્ય સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ (Complete ban on analogue paneer, cheese and butter) ફરમાવી દીધો. જેના પગલે હવે પાડોશી રાજ્યમાંથી એનાલોગ પનીરનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાનું શરૂ થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટે (AMC Food Department) કાંકરિયાના દેડકી ગાર્ડન પાસે આવેલા પાર્કિંગ પ્લોટમાં પાર્ક બે લકઝરી બસમાંથી 408 કિલો એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. નરોડા અને મણીનગર વિસ્તારના બે શખસ આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા હાલમાં પનીરનો જથ્થો જપ્ત કરી અને સેમ્પલ માટે લેબ ટેસ્ટમાં મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં પકડાયેલા એનાલોગ પનીરના જથ્થાનો રાજ્યમાં કદાચ આ પ્રથમ કેસ છે

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે છતાં પાડોશી રાજ્યોમાંથી પ્રતિદિન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ એકબીજાના સહકારથી ઘૂસાડવામાં આવે છે. ક્યારેક નાની-મોટી કારમાં, ક્યારેક લકઝરી બસોમાં તો ક્યારેક ટ્રેલર અને ટેન્કરોમાં… આવી જ રીતે પ્રતિબંધિત એનાલોગ પનીરની હેરફેર શરૂ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક એનાલોગ પનીરનું વેચાણ ગુજરાતમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલ્યું આવ્યું. એક તબક્કે એનાલોગ પનીરના વેચાણ માટે બોર્ડ મારવાની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી. ત્યાર પછી સરકારને અચાનક જ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે બ્રહ્મજ્ઞાન લાધ્યું અને 6 ઓગસ્ટ 2026ના રોજ એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિબંધની જાહેરાત થતાંની સાથે જ ગુજરાત પોલીસ અને ફૂડ વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ. રાજ્યભરમાં અનેક દરોડા પડ્યા અને શહેર તેમજ ગામડાઓમાં બનતા-વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના જથ્થાને જપ્ત કરાયા અને નાશ પણ કરી દેવાયો. આજે પણ સરકારી તંત્ર એનાલોગ પનીર સહિતનો અખાદ્યપદાર્થ શોધવા સતત પ્રયત્નશીલ રહે છે. જેનો એક કિસ્સો 21 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક આવેલા AMCના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં પડેલી બે લક્ઝરી બસમાંથી 408 કિલો એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરી સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular