Sunday, August 30, 2026
HomeGujaratગુજરાત સરકારે ઉદ્યોગપતિને કરેલી જમીનોની લહાણીની કહાની મંત્રીએ હાઈ-કમાન્ડને કહેતા… | શતરંજ-...

ગુજરાત સરકારે ઉદ્યોગપતિને કરેલી જમીનોની લહાણીની કહાની મંત્રીએ હાઈ-કમાન્ડને કહેતા… | શતરંજ- 13

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-13, નવજીવન ન્યૂઝ): મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા સવારથી ગુસ્સામાં હતા. સવારે કૅબિનેટ મિટિંગમાં તેમનો મૂડ સારો ન હતો. ત્યાર બાદ કેટલીક ચર્ચા કરવા આવેલા આઇએએસ અધિકારીઓને પણ તેમણે ખખડાવી નાખ્યા હતા. સીએમ ઑફિસમાં બધાની વચ્ચે મુખ્યમંત્રીના ગુસ્સાની જ ચર્ચા હતી. જોકે કારણની કોઈને ખબર ન હતી. મુખ્યમંત્રીના અંગત સચિવ તોરલ મહેતાએ મંત્રી અમર ઠાકોરને ત્રણ વખત ફોન કર્યો હતો, પણ તેમનો ફોન સ્વિચ ઑફ આવતો હતો. ઠાકોર દિલ્હી ગયા હતા, ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ચોથી વખત તોરલે પ્રયત્ન કર્યો ત્યારે અમર ઠાકોર સાથે સંપર્ક થયો. તેણે મુખ્યમંત્રી યાદ કરે છે તેવી સૂચના આપી તે સાથે જ તેમનો ફોન-કૉલ સીએમને ટ્રાન્સફર કરી આપ્યો. અડધો કલાકમાં જ અમર અમદાવાદ ઍરપૉર્ટ ઉપર લેન્ડ થયા હતા. તેમની સરકારી કારની સાથે પાઇલોટ અને ઍસ્કોર્ટ કાર હાજર હતી. ઍરપૉર્ટ ઉપરથી અમર ઠાકોર સીધા ગાંધીનગર સચિવાલય જવા રવાના થયા. રસ્તામાં તેમના ફોન સતત ચાલુ હતા. ટાલ પડી ગઈ હોવાને કારણે વિશાળ કપાળ ઉપર થતો પરસેવો લૂછતા હતા. ડ્રાઇવરનું ધ્યાન જતાં તેણે તરત એસીની સ્પીડ વધારી.

અમર ઠાકોર આવી રહ્યા છે તેની જાણકારી હોવાને કારણે સચિવાલયના ગેટ ઉપર હાજર સિક્યૉરિટી સ્ટાફે લિફ્ટ રોકી રાખી હતી. કારમાંથી ઊતરી ઉતાવળે તેઓ લિફ્ટમાં દાખલ થઈ ગયા, મુખ્યમંત્રીની ઑફિસમાં પણ મુખ્યમંત્રીને બાદ કરતાં કોઈ ન હતું. તેમની તમામ મિટિંગો કૅન્સલ કરી દેવામાં આવી હતી. અમર ઠાકોર સીધા ગોવિંદરાયની ચેમ્બરમાં દાખલ થયા. સીએમના ચહેરા ઉપર ચિંતા અને નારાજગી બંને દેખાતી હતી. તેમણે ઠાકોરને જોતાં ગુસ્સામાં ધીમેથી કહ્યું : “તમને હજાર વખત કહ્યું કે, કે કિરણ ઉપર નજર રાખો. તમે તમારા પોલીસવાળાના ભરોસે બેસી રહો છો. મેં તમને પહેલાં પણ અનેક વખત પૂછ્યું હતું. ત્યારે તમે મને કહેલું કે, “કિરણ હવે શાંત થઈ ગયો છે. કોઈને મળતો નથી અને તેની કોઈ પ્રવૃત્તિ નથી.” તેમ કહેતા મુખ્યમંત્રીએ પોતાના ટેબલ ઉપર પડેલી એક ફાઈલ અમર ઠાકોર સામે રીતસર ફેંકી અને કહ્યું : “કરો હવે આનો જવાબ.” પછી મુખ્યમંત્રી ઊભા થઈ ચેમ્બરમાં ચક્કર મારવા લાગ્યા. અમર ઠાકોરે ફાઈલ હાથમાં પકડી અને એક પછી એક પાનાં ફેરવવા લાગ્યો. ખાસ્સી જાડી ફાઈલ હતી. તેમાં અનુક્રમણિકા હતી, જેની ઉપર લખેલું, નર્મદા યોજના. પૉર્ટ, રેવન્યૂ અને ઉદ્યોગ સહિતનાં ખાતાંઓની વિગતો હતી; ક્યાં કેવી રીતે કોણે ભ્રષ્ટાચાર કર્યો તેની તર્કસંગત માહિતી હતી. માહિતી સચોટ હતી, તેમાં જે કંઈ આક્ષેપો હતા તેનો ઇનકાર કરી શકાય તેમ ન હતો; કિરણ ત્રિવેદી દ્વારા રાજ્યમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની વિગતો દેશી જનતા પાર્ટીની માતૃસંસ્થા ‘ભારતીય’ની કાનપુર ઑફિસમાં મોકલી આપી હતી, જ્યાંથી આ અંગે જવાબ પૂછવામાં આવ્યો હતો. અમર ઠાકોર પણ ફાઈલ વાંચી શાંત થઈ ગયા. કિરણ ક્યારે કાનપુર ગયો તેની કોઈ માહિતી પોલીસ દ્વારા પૂરી પાડવામાં જ આવી ન હતી. જેના કારણે ઠાકોરને વછરાજાની ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડના વડા તરીકે ગામમાં રુઆબ મારતા ડીએસપી ઇન્દ્રસિંહ જાડેજા પણ અંધારામાં રહી ગયા. સામાન્ય રીતે ઇન્દ્રસિંહનો દાવો હોય છે કે તેમને વછરાજાની કરતાં વધુ ખબર હોય છે અને તેમનું ઇન્ફર્મેશન નેટવર્ક ખૂબ સારું છે. જોકે ઠાકોર પાસે અત્યારે તેમની સાથે વાત કરવાનો સમય ન હતો, હમણાં તેમના મનમાં કઈ રીતે આ ફાઈલને દફતરે કરી દેવી જોઈએ તેની ગડમથલ ચાલી રહી હતી.

- Advertisement -

અમર ઠાકોરને ફાઈલમાં જોતા જોઈ મુખ્યમંત્રીએ પૂછ્યું : “જોયું? હવે કોઈ રસ્તો શોધો. મને ખુલાસો કરવાનો વખત આવે તે જરા પણ પસંદ નથી.” અમર ઠાકોરે તેમને શાંત પાડતાં કહ્યું : “ચિંતા ના કરો, હું જોઈ લઈશ. બહુ જલદી તમને પરિણામ મળી જશે, જરૂર પડે તો હું કાનપુર જઈ આવીશ, તમારે ટેન્શન લેવાની જરૂર નથી.” જોકે ખાલી કહી દેવાથી ટેન્શન જાય તેવું પણ ન હતું. મુખ્યમંત્રીના પદ સુધી પહોંચવા માટે ગોવિંદરાય મહેતાએ કેટલાયે કાવાદાવા કર્યા હતા, કેટલીયે રાજ-રમતો અને મેલી-રમતો રમ્યા હતા અને હજી તો તેમને વડાપ્રધાન પદ સુધી જવાનું હતું. પ્રજા અને હાઇ-કમાન્ડમાં રહેલી તેમની પ્રામાણિકતાની છાપ કોઈ રગદોળી નાખે તે તેમને હરગિજ મંજૂર ન હતું. અમર ઠાકોર હજી નજીકનું વિચારતા હતા, જ્યારે ગોવિંદરાય લાંબું વિચારતા હતા, કઈ રીતે આંખમાં કણાની જેમ ખૂંચતા કિરણ ત્રિવેદીની દવા થાય તેના વિચારોમાં હતા. રોજ દવા લેવી તેના કરતાં દર્દ જ જતું રહે તેવું કંઈક કરવું પડશે તેવું તે માની રહ્યા હતા.

રાતના આઠ થવા આવ્યા હતા. મંત્રીઓના નિવાસ સ્થાનના ગેટ ઉપર એક ઓડી કાર આવી ઊભી રહી. પોલીસ-બૅરિકેડ હોવાને કારણે કારના ડ્રાઇવર માટે કાર રોકવી જરૂરી હતી. સલામતીનો વિષય હોવાને કારણે તરત કાર પાસે સફારી પહેરેલો પોલીસ જવાન આવ્યો. કારના ડ્રાઇવરે આગળની સીટ તરફના કાચ થોડો નીચે કર્યો. પરિચય આપ્યો અને કોને ત્યાં જઈ રહ્યા છે તેની જાણકારી આપી. તરત પોલીસ જવાન પાછો સિક્યૉરિટી કૅબિન તરફ ગયો. તેણે અગાઉ જાણકારી આપનાર મહેમાનોનું લિસ્ટ ચેક કર્યું. મંત્રી અમર ઠાકોરના બંગલે ફોન લગાડ્યો અને બૅરિકેડ હટાવવાની સૂચના આપતાં કાર સીધી મંત્રીના બંગલાના પોર્ચમાં દાખલ થઈ. તેની સાથે જ મંત્રી અમર ઠાકોર બહાર આવ્યા અને કારની પાછળની સીટમાંથી ઊતરેલા શૂટમાં સજ્જ મહાનુભાવનું સ્વાગત કરતાં કહ્યું : “આવો આવો, નૌતમભાઈ.” બંને બંગલામાં દાખલ થયા. નૌતમ ભાલાણી ગ્લૉબલ ઇન્ડસ્ટ્રીના માલિક હતા. દસ વર્ષ પહેલાં પ્લાસ્ટિકની ફૅક્ટરી હતી અને તેમનો કારોબાર ગુજરાત સુધી સીમિત હતો. પણ ગોવિંદરાયના શાસનમાં સરકારી સહાયો અને સબસીડીને કારણે ફૅક્ટરી ગ્લૉબલ ઇન્ટરનૅશનલ ઇન્ડસ્ટ્રિઝમાં રૂપાતંરિત થઈ હતી. તેમના સંબંધો દેશી જનતા પાર્ટી સહિત આક્રોશ પાર્ટી સાથે ઘનિષ્ઠ હતા. જાહેરમાં નૌતમ ભાલાણીને ‘સરકારી જમાઈ’ કહી ગાળો ભાંડનારા આક્રોશ પાર્ટીના નેતા પૂરવ પટેલના દીકરાના નામે ટ્રાન્સપૉર્ટનો કૉન્ટ્રાક્ટ આપ્યો હતો. નૌતમભાઈને કોઈ વાતનું ખોટું લાગતું ન હતું, તેમને કોઈ ગાળ આપે તો તે તેમને ધંધાનો ભાગ જ માનતા હતા.

અમર ઠાકોર અને નૌતમભાઈ વાતો કરતા હતા ત્યાં બંગલામાં રસોઈ કરતા મહારાજે જમવાનું તૈયાર છે તેવું કહેતાં અમર અને નૌતમ ડાઇનિંગ ટેબલ ઉપર જમવા આવી ગયા. થાળીમાં ભાખરી, કઢી, ખીચડી અને રીંગણાં-બટાકાનું શાક હતું. થાળી સામે જોતાં અમરે પૂછ્યું : “નૌતમભાઈ, જમવાનું ફાવશે ને?” નૌતમે પણ પોતાની સાદાઈ દેખાડતાં કહ્યું : “ત્રીસ વર્ષ પહેલાં ગામમાં રહેતો હતો ત્યારે પણ આ જ જમતો હતો. આજે ત્રીસ હજાર કરોડની કંપનીનો માલિક હોવા છતાં આ સાદું ભોજન જ ફાવે. કંપનીનાં ફંક્શનો ફાઇવ સ્ટાર હોટલોમાં થતાં હોવાને કારણે ત્યાં જવું પડે અને જમવું પડે તે જુદી વાત છે. પણ ઘરે ભાખરી-શાક ના જમું ત્યાં સુધી પેટ ભરાયું હોય તેવું લાગતું નથી.”

- Advertisement -

જમવાનું પતાવી બંને પાછા સોફા ઉપર ગોઠવાઈ ગયા. તેની સાથે તરત મંત્રીના પટાવાળાએ નૌતમ સામે પાન ધર્યું. પાન જોતાં નૌતમના ચહેરા ઉપર કોઈ ટેન્ડર લાગ્યું હોય તેવી ખુશી પ્રગટી. તેમણે મંત્રીનો આભાર માનતાં કહ્યું : “અમરભાઈ, તમારું કહેવું પડે, તમે અમારી નાની નાની વાતોનું ધ્યાન રાખો છો.” વાત બહુ જ સહજ હોય તેમ મંત્રીએ કહ્યું : “મિત્રતા થાય એટલે તેનું પૂરું ધ્યાન રાખવાનું. મને ખબર છે, તમે દિવસે પાન ખાતા નથી કારણ કે મિટિંગોમાં પાન ખાઈને જવાનું તમને પસંદ નથી.” નૌતમ ભાલાણી રાજી થયા કે ‘મંત્રીને તેમની અંગત વાતોની પણ કેટલી ખબર છે!’ મોઢું ખોલી પાન ખાવાનું ચાલુ હતું ત્યારે જ મંત્રી અમર ઠાકોરે ચહેરા ઉપર ગંભીર ભાવ સાથે કહ્યું : “કિરણનું હવે વધારે પડતું થઈ રહ્યું છે.” નૌતમનું પાન ચાવવાનું બંધ થયું. હજી વાત શું છે તેનો અંદાજ ન હતો, પણ કિરણ અને ગોવિંદરાય વચ્ચે ચાલતા શીત યુદ્ધનો અંદાજ હતો.

નૌતમે કહ્યું : “અમરભાઈ, હું સામે ચાલી કિરણભાઈને મળવા ગયો હતો. મેં તેમને સમજાવ્યા અને કહ્યું પણ ખરું કે પાર્ટીને નુકસાન થાય તેવું કામ શું કામ કરો છો?” ત્યારે તેમણે મને સવાલ પૂછ્યો કે મારે મોઢું બંધ કરી બધું જોયા કરવાનું?! મેં તો ત્યાં સુધી કહ્યું કે, તમારા અને સીએમ સાહેબ વચ્ચે કોઈ પ્રૉબ્લેમ હોય, તો આપણે ત્રણેય મિટિંગ કરી લઈએ. પણ તે માન્યા નહીં. મેં તેમને ઑફર પણ કરી. હવે તેમનો દીકરો એન્જિનિયર થઈ ગયો છે તે થયું કે તેમના નામે મારી કંપનીની કોઈ એજન્સી આપી દઉં. તો તેમણે કહ્યું : તેને જે કરવું હોય તે કરે, મારે તેની સાથે કોઈ નિસબત નથી. કોઈ વાત અને કોઈ રીતે તે માનવા તૈયાર જ નથી.”

મંત્રી અમર ઠાકોરે વાત અટકાવતાં કહ્યું : “જુઓ વાત જરા ગંભીર છે.” તેમ કહેતાં મુખ્યમંત્રીને મળેલી ફાઈલ બતાવતાં કહ્યું : “તમારી ઇન્ડસ્ટ્રિઝને ફાયદો કરાવવા માટે અમે તમને સસ્તામાં જમીન આપી, ટૅક્સ-માફી આપી. આ ઉપરાંત ખબર નહીં કે કેવાં કેવાં ખોટાં કામ અમે કર્યાં છે તેવા આક્ષેપો સાથે આ ફાઈલ તેણે કાનપુર મોકલી આપી હતી.” જાણે અમર ઠાકોર કે મુખ્યમંત્રીને કિરણની આ હરકતનો કોઈ ફર્ક પડતો નથી તેવું બતાડતા અમરે કહ્યું : “આ બધું તો રાજકારણમાં ચાલ્યા કરે. મુખ્યમંત્રીએ તો મને કહ્યું : ડસ્ટબિનમાં ફાઈલ ફેંકી દેજે. પણ મેં કહ્યું : વારંવાર ખોટું બોલાય તો સાચું લાગવા માંડે, તેનો ખુલાસો તો થવો જ જોઈએ. અને માટે જ તમને મેં બોલાવ્યા છે.”

- Advertisement -

નૌતમ ભાલાણી મંત્રી સામે જોઈ રહ્યા હતા. તે વેપારી માણસ હતો. તેને ખબર પડતી કે હવે પછી સૂચનાના સ્વરૂપમાં જે હશે તે આદેશ હશે, તેની તેમણે તૈયારી કરી લીધી હતી. મંત્રી અમર ઠાકોરે નૌતમની આંખોમાં જોતાં કહ્યું : “મને લાગે છે કે આવતી કાલે આપણે બંને કાનપુર જવું જોઈએ. તમે પણ લાંબા સમયથી અમારા રાજાભાઉને મળ્યા નથી, તો મને લાગે છે મળી લઈએ, તમે થર્ડ પાર્ટી તરીકે રાજાભાઉ સાથે વાત કરશો તો ફેર પડશે તેવું મને લાગે છે.” આમ કહી, મંત્રીએ આંખ મિચકારી અને નૌતમ સમજી ગયા.

બીજા દિવસે સવારે અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ગ્લોબલ ઇન્ટરનૅશનલ ઇન્ડસ્ટ્રિઝનું ચાર્ટર પ્લેન તૈયાર હતું. મંત્રી અમર ઠાકોર અને નૌતમ ભાલાણી તેમાં ગોઠવાઈ ગયા હતા. ઍર ટ્રાફિક કંટ્રોલરે ટેક-ઑફ કરવાની મંજૂરી આપતાં થોડીવારમાં વિમાન વાદળોની પાછળ ચાલ્યું ગયું. બંને કાનપુર ઍરપૉર્ટ ઉપર ઊતર્યા ત્યારે મંત્રી અમર ઠાકોરના હાથમાં એક ફાઈલ હતી, જ્યારે નૌતમ ભાલાણીના હાથમાં એક ઍટેચી હતી. કાનપુરમાં દેશી ઢબની ‘ભારતીય’ની ઑફિસમાં મિટિંગ શરૂ થઈ. રાજાભાઉ સહિત તમામ શેતરંજી ઉપર બેઠા હતા, નૌતમ ભાલાણીએ તો પહેલાં કિરણ ત્રિવેદીનાં જ વખાણ કર્યાં… પછી તેમની કેટલીક છોકરમતની વાત કરી. મંત્રી અમર ઠાકોરના હાથમાં ફાઈલ હતી, તેનું એક એક પાનું ફેરવી સ્પષ્ટતા કરતા હતા. રાજાભાઉના ચહેરા ઉપરના ભાવ સ્થિર હતા. પછી ભોજન લીધું.

જતી વખતે અમર ઠાકોરને રાજાભાઉએ એટલું જ કહ્યું : “ગોવિંદરાયને કહેજો કે જેટલું સારું કામ થાય તે કરતા રહે, આપણે રાષ્ટ્ર માટે હજી ઘણું કામ કરવાનું બાકી છે. ‘ભારતીય’ના કાર્યાલયમાંથી નીકળી બંને સીધા કાનપુર ઍરપૉર્ટ ઉપર આવ્યા ત્યારે મંત્રી ઠાકોરના હાથમાં ફાઈલ હતી, પરંતુ નૌતમ ભાલાણીની ઍટેચી તેમની સાથે ન હતી. પ્લેનમાં બેસતાં પહેલાં મંત્રી અમર ઠાકોરે ગોવિંદરાય મહેતાને ફોન કરી જે કાંઈ બન્યું તેની જાણકારી આપી. ઠાકોર વાત કરી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા ઉપર એક પ્રકારની ખુશી હતી. નૌતમ ભાલાણી પણ વિમાનમાં બેઠા પછી બારીની બહાર જોઈ રહ્યા હતા, તેમના ચહેરા ઉપરનો ભાવ એવો હતો કે, ધરતીની ઉપર અને આકાશની નીચે સમગ્ર વિશ્વમાં તેનું જ શાસન છે.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular