Wednesday, August 19, 2026
HomeGujaratખુદ ACP અને PI બુટલેગર અબ્દુલના વખાણ કરતા થાકતા નહોતા | શતરંજ-...

ખુદ ACP અને PI બુટલેગર અબ્દુલના વખાણ કરતા થાકતા નહોતા | શતરંજ- 2

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ ભાગ 2, નવજીવન ન્યૂઝ): ઇન્સપેક્ટર મહેશ રાવ માટે આ ઑપરેશન કંઈ પહેલું ન હતું, અગાઉ પણ આવાં ચાર ઑપરેશન સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા હતા. પિતા પોલીસમાં હતા, કૉન્સ્ટેબલથી લઈ નિવૃત્તિ વખતે જમાદાર સુધી પહોંચેલા. તેના કારણે રાવની જિંદગી પોલીસલાઇનમાં જ પસાર થઈ હતી. ખાખી પ્રત્યે પહેલેથી જ લગાવ હતો. પિતા અત્યંત પ્રામાણિક હતા. રાવને બીજા બે મોટા ભાઈઓ હતા. આમ કુલ પાંચ વ્યક્તિનો પરિવાર હતો, જેના કારણે પિતાના ટૂંકા પગારમાં પૂરું થવું મુશ્કેલ હતું. પોલીસલાઇનમાં રહેતા અન્ય પોલીસવાળાને ત્યાં થતી ઉપરની કમાણી રાવની મા જોતી. ઘણી વખત ઘરમાં પૈસાની તંગી હોય ત્યારે મા-બાપ વચ્ચે તકરાર પણ થતી. રાવના પિતા પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરતા કે કોઈના નિસાસાનો પૈસો ઘરમાં આવશે તો ક્યારેય સુખ નહીં મળે. રાવની માતાને પણ આ વાત સમજાતી હતી, પણ જ્યારે પોતાનાં સંતાનોને પૈસાના અભાવે તકલીફમાં જોતી ત્યારે તેનો ગુસ્સો ફાટી પડતો. ત્યારે ઘરમાં ખૂબ ઝઘડો થતો. ક્યારેક તો રાવના પિતા ગુસ્સામાં આવી હાથ પણ ઉપાડી બેસતા હતા. જોકે થોડી વાર પછી પિતા ખુદ પણ રડી પડતા હતા. મહેશ તે આખી વાતને સમજવાનો પ્રયત્ન કરતો. મહેશનાં માતા-પિતાને ત્યારે આઘાત લાગ્યો જ્યારે મહેશના બંને મોટા ભાઈઓ ભણીને નોકરીએ લાગી ગયા અને તેઓ જુદા રહેવા જતા રહ્યા. મહેશને નોકરી મળે તેની પિતાને ચિંતા હતી, કારણ કે હવે તેઓ નિવૃત્ત થવાના હતા. પૈસાની તકલીફ તો પડવાની હતી. વળી છ મહિનામાં પોલીસલાઇનનું મકાન પણ ખાલી કરવાનું હતું. ત્યારે સબ-ઇન્સપેક્ટર તરીકેની ભરતી આવી. જ્યારે મહેશે પિતાને પૂછ્યું કે તે એપ્લાય કરે? — ત્યારે તેમનો મિશ્ર પ્રતિભાવ હતો. આટલાં વર્ષો પોલીસમાં નોકરી કર્યા પછી તેમનું મન તેમને કહેતું હતું કે, દીકરો પોલીસ ખાતામાં ના જાય તો સારું છે. બીજી તરફ આખી જિંદગી પોતાના ઉપરી-અધિકારીઓને સલામો મારી હોવાને કારણે પિતાને થતું કે મારો દીકરો પણ પોલીસ-અધિકારી હોય અને તેને પણ પોલીસવાળા સલામ કરતા હોય. આખરે તેમણે પોલીસમાં જવાની મંજૂરી આપી.

મહેશ રાવ સબ-ઇન્સપેક્ટર તરીકે ભરતી થયા બાદ ટ્રેનિંગમાં ગયા. જ્યારે રેગ્યુલર પોસ્ટિંગ મળ્યું અને મહેશ યુનિફૉર્મ પહેરી ઘરે આવ્યો ત્યારે પિતાની આંખમાં આંસુ હતાં. તેમનો પુત્ર હવે સબ-ઇન્સપેક્ટર મહેશ રાવ બની ગયો હતો. તેમણે મહેશને કહ્યું : “લોકો હવે મને જમાદાર રાવ કહીને નહીં પણ સબ-ઇન્સપેક્ટર મહેશના પિતા તરીકે બોલાવશે.” થોડીક મિનિટોની શાંતિ પછી તેમણે પોતાના પુત્ર મહેશને સલાહ આપતાં કહ્યું : “બેટા, તને લાગતું હશે કે, મેં ક્યારેય બીજી રીતે પૈસા કમાવવાનો પ્રયત્ન ના કર્યો, પણ તે વાત સાચી નથી. પૈસા તો મારે પણ કમાવવા હતા, પણ કોઈની આંતરડી કકળાવી મારે તમારું પેટ ઠારવું ન હતું. મારી તને એટલી જ સલાહ છે કે, પોલીસમાં થાય એટલી કોઈને મદદ કરજે અને બને એટલું ઓછું ખોટું કરવાનો પ્રયત્ન કરજે. કારણ કે એક વખત આ ચક્રમાં દાખલ થયા પછી દરેક વખતે તારી ઇચ્છા હોય કે ના હોય પણ તારે તે કરવું પડશે.” પિતાની આ સલાહ જ્યારે પણ મહેશ રાવને યાદ આવે ત્યારે તે ડિસ્ટર્બ થઈ જતો. આજે પણ તેવું જ બન્યું હતું. તેને સમજાતું ન હતું કે તેને જે કામ નથી કરવું તે શું કામ કરી રહ્યો છે. ત્યારે વડોદરા તરફથી આવી રહેલી કારની લાઇટોએ તેના મનમાં ચાલી રહેલા ઘમસાણને ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો. પરમાર અને રાવ ઍલર્ટ થઈ ગયા. તે કારમાં વિનય હતો. પરમારે ચારે તરફ નજર ફેરવી જોઈ લીધું કે, આજુબાજુ પોલીસ સિવાય કોઈની હાજરી તો નથી ને! પરમાર અને રાવની જીપની દિશા વડોદરા તરફ હતી, જ્યારે વિનયની સફેદ કલરની કારનું મોઢું અમદાવાદ તરફ હતું. વિનયે કાર ઊભી રાખી, લાઇટ ઑફ કરી તેના કારણે ફરી અંધારું થઈ ગયું. ડ્રાઇવર-સાઇડ તરફથી ઇન્સપેક્ટર વિનય તોમર નીચે ઊતર્યા. યુનિફૉર્મ વગર પોલીસ-અધિકારી સલામ આપે તે રીતે સાવધાનમાં ઊભા રહી પોતાના બંને હાથ પાછળ તરફ ખેંચતાં કહ્યું : “જયહિંદ સર.” એસીપી પરમારે વળતો જવાબ આપતાં પૂછ્યું : “જયહિંદ. ક્યાં છે પેલો?” વિનયે પાછળની સીટ તરફ ઇશારો કરતાં કહ્યું : “અહીંયાં.” આદેશ મળ્યો… “બહાર લાવ.” ઇન્સપેક્ટર વિનયે બૂમ પાડતાં ડ્રાઇવર-સીટની પાછળ તરફથી અને વિરુદ્ધ દિશામાં બે કૉન્સ્ટેબલો નીચે ઊતર્યા. તેમણે પાછળની સીટમાં વચ્ચે બેઠેલી કોઈ વ્યક્તિને નીચે ઊતરવાનો આદેશ આપ્યો. પણ કૉન્સ્ટેબલના હાવભાવ ઉપરથી એટલો અંદાજ આવતો હતો કે કારમાં બેઠેલી વ્યક્તિ નીચે ઊતરવા તૈયાર ન હતી. વિનયે જોરથી બૂમ પાડી : “ઉતાર સાલાને.” ડ્રાઇવર-સાઇડે ઊભો રહેતો કૉન્સ્ટેબલ નીચે નમ્યો અને અર્ધે સુધી કારમાં જઈ તેણે અંદર રહેલી વ્યક્તિને બહાર ખેંચવાની શરૂઆત કરી. બીજી તરફ ઊભા રહેલા કૉન્સ્ટેબલે પણ કારની અંદર જઈ વિરુદ્ધમાં પેલી વ્યક્તિને ધક્કો મારવાની શરૂઆત કરી. આ દૃશ્ય જોઈ રહેલા ડ્રાઇવર ભીમા, ઑપરેટર મૂળરાજ અને કમાન્ડો ગણેશને અંદાજ આવી ગયો હતો કે, હવે શું થવાનું છે. ગણેશનો હાથ પોતાની એ. કે. ૪૭ના ટ્રિગર પાસે જ હતો.

- Advertisement -

આખરે કારમાં રહેલી પેલી વ્યક્તિને પોટલું બહાર ખેંચતા હોય તેમ ખેંચી કાઢી. પેલી વ્યક્તિ કારમાંથી બહાર નીકળતાં રસ્તા ઉપર ફસડાઈ પડી. તેની નજર એસીપી પરમાર તરફ ગઈ. તેણે જમીન ઉપર પડ્યા પડ્યા હાથકડી બાંધેલા બંને હાથ ભેગા કરી પગે લાગતો હોય તે રીતે હાથ જોડી આંખમાં આંસુ સાથે કહ્યું : “સા’બ મુઝે છોડ દો. આપ બોલો તો ગુજરાત છોડ કે દૂર કહીં ચલા જાઊંગા, ફિર લોટ કે કભી નહીં આઉંગા.” પણ વર્ષોથી પોલીસની નોકરી કરતા પરમારના ચહેરા ઉપર કોઈ હાવભાવ બદલાયા નહીં. કદાચ તેમને ગુસ્સો આવી રહ્યો હતો. તેમને લાગ્યું કે મોડું થઈ રહ્યું છે. પરમારે ઇન્સપેક્ટર મહેશ રાવ સામે જોયું, તે વાત સમજી ગયા. તે રોડ ક્રૉસ કરી વિનયે કાર ઊભી રાખી હતી, તે તરફ ગયો. તેણે રોડ ઉપર પડેલી અને વિનંતી કરી રહેલી વ્યક્તિનો નીચે વળી કૉલર પકડ્યો અને તેને ઊભો કરતાં કહ્યું : “ચલ અબ્દુલ ઊભો થા. તને કેટલી વખત સમજાવ્યો હતો કે, તારો ધંધો બંધ કર. પણ તું માન્યો નહીં.” પેલી વ્યક્તિએ રીતસર મહેશ રાવના પગ પકડી લીધા અને કહ્યું : “સા’બ આપ મુઝે કિતને સાલસે જાનતે હો, મૈંને આપકે લિયે ભી કામ કિયા, એક મૌકા ઔર દો. અબ મૈં કભી આપકો નજર નહીં આઉંગા,” …તે જ વખતે મહેશ રાવે પોતાની ડોક પાછળ ફેરવી પરમાર સામે જોયું. તેને અંદાજ આવી ગયો કે પરમાર સાહેબ ખિન્ન છે. રાવે પોતાના સાથી ઇન્સપેક્ટર વિનયને કહ્યું : “ચલ લે લે ભાઈ ઇસકો.” રાવ અને વિનયે મળી તેને બાવડાથી પકડ્યો અને ઊભો કરી રીતસર ખેંચતાં કારની ડાબી તરફ આવેલી ઝાડી તરફ લઈ ગયા. અંધારું હોવાને કારણે કંઈ દેખાતું ન હતું, પણ અબ્દુલની મદદ અને વિનંતી માટે આજીજી સંભળાતી હતી.

અબ્દુલ મૂળ સુરતનો વતની હતો. તેના પિતાનું ગૅરેજ હતું. તેમની ઇચ્છા હતી કે, પોતે તો ના ભણી શક્યો પણ તેમનો દીકરો ભણે, પણ અબ્દુલનું ધ્યાન ભણવામાં ન હતું. નાનપણથી તેને ટપોરી થવાનો શોખ હતો. તેની ગુનાઇત જિંદગીની શરૂઆતમાં… સુરતના કિન્નરી થિયેટર બહાર ટિકિટના કાળા-બજાર કરતો હતો. પછી તો અબ્દુલને જ લાગ્યું કે ટિકિટના કાળાબજાર બહુ નાનું કામ કહેવાય, એટલે તે અમદાવાદ આવ્યો. અહીંયાં આવી તેણે બુટલેગર મહંમદના અડ્ડા ઉપર નોકરીની શરૂઆત કરી અને પહેલી વખત અમદાવાદ પોલીસની નજર તેની ઉપર પડી. પછી તો દારૂના અનેક કેસ પણ તેની ઉપર થયા. પોલીસ અને અબ્દુલનો નાતો આમ તો સારો કહેવાય તેવો હતો. ઘણી વખત અબ્દુલે અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચને મહત્ત્વની માહિતી પણ આપી હતી. ત્યારે આ જ એસીપી પરમાર અને ઇન્સપેક્ટર મહેશ રાવ તથા વિનય તોમર તેના વખાણ કરતા થાકતા ન હતા. પોલીસ સાથેના નાતાને કારણે અબ્દુલની હિંમત પણ વધી હતી. દારૂના ધંધા બાદ તે પોતાનું સામ્રાજ્ય વધારવા માગતો હતો. ખુદ અબ્દુલને જ ખબર નહીં રહી હોય કે તેનો ટ્રૅક ક્યારે બદલાઈ ગયો. તેણે હવે લોકોના બાકી નીકળતા પૈસા કઢાવી આપવાનું કામ પણ લેવાની શરૂઆત કરી હતી. જોકે આ ધંધામાં ડર જરૂરી હોય છે. પાતળો બાંધો અને પાંચ ફૂટ હાઇટ ધરાવતા અબ્દુલને જોઈ કોઈને ડર લાગે તેમ ન હતો, તેની તેને પણ ખબર હતી. તેથી તેણે પૈસા આપવાની ના પાડે તેનું અપહરણ કરી, જરૂર પડે તો માર મારી, ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે તેની નોંધ અખબારોએ પણ લેવી પડે તેવી તેની હેસિયત થઈ ગઈ હતી.

ફરિયાદ થતાં તે સામે ચાલીને પોલીસ સામે હાજર થતો અને પોલીસ પ્રેસ-કૉન્ફરન્સમાં જાહેરાત કરાતી કે ખૂંખાર અબ્દુલ મજીદ પઠાણને પોલીસે જુહાપુરામાંથી ઝડપી લીધો છે. અબ્દુલને પોતાના કામનું ગૌરવ હતું. તે કહેતો, “સા’બ, કોઈ આદમી અપને પૈસે કે લિયે કોર્ટ મેં જાતા, વહાં બરસોં નિકલ જાતે હૈં; ઔર મૈં વહી કામ કુછ દિનોં મેં કરતા તો કૌનસા ગુના કરતા? મહેનત કા પૈસા લેતા હું. કોર્ટ ઑર્ડર કરતી તો કાનૂન બનતા હૈ, મૈં કરતા તો ગુના બનતા હૈ.” ક્યારેક અબ્દુલ ખોટી જગ્યાએ હાથ પણ નાખી દેતો. રાજકારણી અને પોલીસ-અધિકારી સાથે સંબંધ હોય ત્યાં પણ ખંડણી માગવા પહોંચી જતો. આવા વખતે તેને પોલીસ ખૂબ મારતી. છતાં તે બહાર નીકળી પોલીસ-અધિકારીના વખાણ જ કરતો. છેલ્લા એક મહિનાથી તેને કોઈએ જોયો ન હતો. અબ્દુલની હિંદુ પત્ની રિયાએ અબ્દુલ સાથે નિકાહ પઢ્યા બાદ રઝિયા નામ ધારણ કર્યું હતું. રઝિયા પોતાના બાર વર્ષના દીકરા અને પંદર વર્ષની દીકરીને લઈ પોલીસ-સ્ટેશનના ધક્કા ખાતી હતી. કારણ કે અબ્દુલનો કોઈ પત્તો ન હતો. તે ક્રાઇમ-બ્રાન્ચમાં આવી એસીપી પરમારને પણ મળી હતી. તેમણે પણ અબ્દુલ ગુમ થયો તે વાતને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. રઝિયાની સામે જ દરિયાપુર પોલીસને ફોન કરી રઝિયાની ફરિયાદ નોંધવાની સૂચના આપી હતી. જતી વખતે તેમણે રઝિયાને દસ હજાર રૂપિયા આપી કહ્યું : “ચિંતા કરતી નહીં, હું અબ્દુલને શોધી લાવીશ.” જ્યારે એસીપી પરમાર અબ્દુલ વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે તે રઝિયા સામે જોયા વગર વાત કરી રહ્યા હતા. આ અગાઉ પણ રઝિયા પરમારને મળી હતી. પણ કેમ જાણે આ વખતે પરમારનો વ્યવહાર વિચિત્ર લાગતો હતો. તે કંઈક છુપાવી રહ્યા હોય તેવું લાગતું હતું, પરંતુ રઝિયા પાસે પોલીસ ઉપર ભરોસો કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. રઝિયાએ એક મહિના પહેલાં જ અબ્દુલ ગુમ થયાની ફરિયાદ પોલીસમાં આપી હતી.

- Advertisement -

ઇન્સપેક્ટર મહેશ અને વિનય અબ્દુલને લઈ ઝાડીમાં પહોંચ્યા. તેના રડવાનો અવાજ દૂર જતો હોય તેવું લાગી રહ્યું, ત્યાં અચાનક ફાયરિંગનો ધડાકો સંભળાયો. અબ્દુલની આજીજીઓ શાંત થઈ ગઈ. ફાયરિંગના અવાજ પછી રસ્તા ઉપર ઊભા રહેલા તમામ પોલીસ-કર્મચારીઓ એકબીજા સામે જોવા લાગ્યા. કંઈ પણ બોલ્યા વગર બધું સમજાઈ ગયું હતું. ફરી પાછા બે રાઉન્ડ ફાયરિંગનો અવાજ આવ્યો. ઠંડી હતી છતાં એસીપી પરમારના કપાળ ઉપર ઊપસી આવેલી પરસેવાની બુંદો તેમણે હાથ ફેરવી લૂછી નાખી. થોડી વારમાં અંધારા તરફથી મહેશ અને તોમર હાથમાં રિવૉલ્વર સાથે બહાર આવ્યા. તોમરે પોતાની પીઠ તરફ પૅન્ટમાં ખોસી રાખેલી એક દેશી રિવૉલ્વર બહાર કાઢી જેને હાથ-રૂમાલથી પકડી, તેની સાથે જ એસીપી પરમાર અને તેમનો સ્ટાફ જીપથી ખાસ્સો દૂર જતો રહ્યો. વિનય તોમરે દેશી રિવૉલ્વરમાંથી બે રાઉન્ડ ગોળી પરમારની જીપ ઉપર છોડી. એક ગોળી હેડલાઇટ ઉપર અને બીજી ફ્રન્ટ ગ્લાસ ઉપર વાગતાં કાચ ફૂટી ગયા. વિનયે બાજુમાં ઊભા રહેલા કૉન્સ્ટેબલને હાથરૂમાલ સાથે રિવૉલ્વર આપતાં કહ્યું : “અબ્દુલની બૉડી પાસે મૂકી આવ.” કૉન્સ્ટેબલ ઝાડી તરફ રિવૉલ્વર અને ટૉર્ચ સાથે ગયો. રસ્તા ઉપર હજી ગોળીબાર થવાના હતા. પરમાર, વિનય અને મહેશ પોતાની રિવૉલ્વર કાઢી કાર તરફ મોઢું કરી ઊભા રહ્યા. ત્રણેએ પોતાની સર્વિસ રિવૉલ્વરમાંથી બે-બે રાઉન્ડ ગોળીઓ અબ્દુલને જે કારમાં લાવ્યા હતા તેની ઉપર અલગ અલગ છોડી. પરમારે કમાન્ડો ગણેશને બોલાવ્યો. તે પણ સમજી ગયો. તેણે પોતાની રાઇફલમાંથી બે ગોળી પાછળના ટાયર ઉપર મારતાં ટાયર ફાટી ગયું.

પરમારે ખિસ્સામાંથી હાથ-રૂમાલ કાઢી મોઢું સાફ કર્યું. વિનય અને મહેશને જરૂરી કાગળો કરવાની સૂચના આપી. પંદર મિનિટથી રોકી રાખેલો ટ્રાફિક ખુલ્લો કરવાની સૂચના આપી. ટ્રકો પસાર થવા લાગી હતી. ટ્રક-ડ્રાઇવરો કૌતુક સાથે શું બન્યું તે જોઈને જાણવાનો પ્રયત્ન કરતા હતા. પણ પોલીસને જોઈ, કશું પૂછવાની હિંમત કરતા ન હતી. પરમાર સ્થળ ઉપરથી રવાના થયા ત્યારે સવારના પાંચ થવા આવ્યા હતા. ટેલિવિઝન ઉપર સ્ક્રોલ ફરવા લાગ્યા હતા કે, મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતાની હત્યા માટે આવેલો લશ્કર-એ–તોઇબાનો આતંકવાદી પોલીસ અથડામણમાં માર્યો ગયો. એસીપી રામસિંહ પરમાર પોતાના સ્ટાફ સાથે ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસે પરત ફરી રહ્યા હતા, ત્યાં તેમના મોબાઇલ ફોનની રિંગ વાગી. તેમણે ફોન-સ્ક્રીન ઉપર નંબર જોયો. સ્ક્રીન ઉપર નામ આવી રહ્યું હતું. આદેશ. તેમના ચહેરા ઉપર એકસાથે અનેક ભાવ ઊપસી આવ્યા. પહેલાં તો એવું લાગ્યું, હવે આદેશ અનેક સવાલો પૂછશે, તેના કેટલાય સવાલોનો જવાબ પણ નહીં હોય, ત્યારે શું કહેવું? બીજી તરફ ગુસ્સો આવતો હતો કે આદેશે આટલી જલદી ફોન કરવાની શી જરૂર હતી. આદેશ છેલ્લાં વીસ વર્ષથી અમદાવાદમાં પત્રકાર તરીકે કામ કરતો હતો. તેના કારણે તમામ સ્તરે તેના સંપર્કો સારા હતા. લોકોમાં પોલીસ માટે જે કહેવત કહે છે તે પોલીસ આદેશ માટે કહેતી : ‘આદેશ સાથે મિત્રતા પણ ન થાય અને દુશ્મની પણ નહીં.’ તે ખણખોદિયો પત્રકાર હતો. પોલીસ જે છુપાવવાનો પ્રયત્ન કરતી તે શોધી કાઢવાનું કામ તેનું હતું. તે ઘણીબધી બાબતો બિટ્વીન ધ લાઇન્સ સમજી જતો. જો તેને કોઈ પોલીસ-અધિકારી વિશ્વાસમાં લઈ સાચી વાત કહે તો તે વિશ્વાસ તોડતો પણ નહીં. તેની ઓળખ તે પોતે હતો. તે કયા અખબારમાં કામ કરે છે તે ગૌણ બની જતું હતું.

હજી પરમારના ફોનની રિંગ વાગી રહી હતી. પરમાર તેનો ફોન કટ કરી આદેશને નારાજ કરવા માગતા ન હતા. બીજી તરફ હમણાં તેની સાથે વાત કરવાની તૈયારી પણ ન હતી. સતત રિંગ વાગી રહી હતી. એટલે આગળની સીટમાં બેઠેલા ઑપરેટર મૂળરાજે સાહેબ ફોન કેમ નથી ઉપાડતા તે જોવા માટે પાછળ તરફ મૂંડી ગુમાવી ત્યારે પરમારે ફોનની રિંગ સાઇલેન્ટ કરી દીધી. પરમાર જે ઑપરેશન પાર પાડી આવ્યા હતા, તે કોઈ મોટી વાત ન હતી. હાથકડી બાંધેલી કોઈ પણ વ્યક્તિને ગોળી તો કૉન્સ્ટેબલ પણ મારી શકે. આમ છતાં પરમાર જ્યારે પોલીસમાં જોડાયા ત્યારે મંત્રી રાવળે જે કહ્યું કે : “પોલીસ પણ દેશસેવાનું જ કામ કરે છે.” એટલે પરમાર પોતાનાં તમામ ખોટાં કામને પણ જસ્ટિફાય કરવા તેને દેશસેવાનો ટેગ લગાડી દેતા હતા. અબ્દુલને મારવાની વાત પણ દેશસેવા જ કહેવાય.

- Advertisement -

એસીપી પરમારે ખૂબ વિચાર કર્યા પછી એક નંબર ડાયલ કર્યો. સ્ક્રીન પર નામ આવ્યું ‘ડીસીપી’… પરમારના ઉપરી-અધિકારી ડેપ્યુટી પોલીસ-કમિશનર જે. કે. વછરાજાનીનું હતું, જે ગુજરાતી આઇપીએસ અધિકારી હતા. તેમના રાજકીય સંબંધો ખૂબ સારા કહી શકાય તેવા હતા. તેના કારણે જ ક્રાઇમ-બ્રાન્ચના ડીસીપી તરીકે તેમનું પોસ્ટિંગ થયું હતું. ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોરના અંગત મિત્ર માનવામાં આવતા હતા. લાંબી રિંગ પછી વછરાજાનીએ ફોન ઉપાડતાં પરમારે કહ્યું : “ગુડ મૉર્નિંગ સર; ઑપરેશન ઇઝ ઓવર.” સામે છેડેથી જવાબ આવ્યો, ‘તમને અને તમારી ટીમને કૉંગ્રૅચ્યુલેશન’.
(ક્રમશઃ)

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular