Wednesday, July 15, 2026
HomeGujarat'ફોટો-વીડિયોગ્રાફીથી સાબિત કરો'- છતા નુકસાનીના 'ન' જેટલું મળશે સુરતી વેપારીઓને સહાય પેકેજ

‘ફોટો-વીડિયોગ્રાફીથી સાબિત કરો’- છતા નુકસાનીના ‘ન’ જેટલું મળશે સુરતી વેપારીઓને સહાય પેકેજ

- Advertisement -

Surat Flood Relief Package: સુરત (Surat)માં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ (Relief Package) જાહેર કર્યું છે. પૂરના પાણીથી નુકસાન ભોગવનાર વેપારીઓને રૂ. 7,500થી લઈને રૂ. 1 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે. ઉપરાંત વેપારીઓ ફરી ધંધો શરૂ કરી શકે તે માટે રૂ. 30 લાખ સુધીની લોન (Loan) અને વ્યાજ સહાય (Interest Subsidy)ની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે વેપારીએ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે પૂરના કારણે જે દુકાનો અને મકાનોમાં નુકસાન થયું છે, તેમને એક વર્ષ માટે મહાનગરપાલિકા (Municipal Corporation)ના વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય માત્ર સુરત પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લાગુ પડશે. સુરત કલેક્ટર કચેરી (Surat Collector Office) આગામી બે દિવસમાં સહાય માટેના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરશે.

- Advertisement -

ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વગર નુકસાન સહન કરનારા નાના-મોટા વેપારીઓ અને ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે આ વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. કેબિનેટ (Cabinet) બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તમામ પ્રકારના વેપારીઓને આ પેકેજનો લાભ મળશે.

સરકારે પૂરગ્રસ્ત વેપારીઓને ફરીથી વ્યવસાય શરૂ કરવામાં મદદરૂપ થવા માટે રાહત દરે લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરી છે. સરકારના અંદાજ મુજબ આ યોજના માટે આગામી ત્રણ વર્ષ દરમિયાન આશરે રૂ. 550 કરોડનો આર્થિક બોજ રાજ્ય સરકાર ઉપાડશે.

ભારે વરસાદથી અસરગ્રસ્ત રહેણાંક મકાન, દુકાન અથવા વેપાર સ્થળોમાં પાણી ભરાયું હોવાનું ફોટોગ્રાફી (Photography) અથવા વીડિયોગ્રાફી (Videography) દ્વારા સાબિત થશે તો આવા તમામ એકમોને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આગામી 48 કલાકમાં અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને જિલ્લા કલેક્ટર માર્ગદર્શિકા જાહેર કરશે.

- Advertisement -

સરકારે જણાવ્યું છે કે વરસાદ પીડિતો માટે જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે. સુરતમાં પૂર અને પાણી ભરાવાના કારણોનું મૂલ્યાંકન કરવા માટે શહેરી વિકાસ વિભાગ (Urban Development Department)ની વિશેષ ટીમે પ્રાથમિક અહેવાલ આપ્યા બાદ સરકાર દ્વારા રૂ. 500 કરોડના વિકાસ અને નિવારણ કાર્યોની પણ જાહેરાત કરવામાં આવી છે. જરૂર પડશે તો વધારાની રકમ પણ ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ (Cash Dole) અને ઘરવખરી સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પ (Medical Camp) અને વિશેષ સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરી હોવાનું જણાવ્યું છે. પ્રથમ માળે રહેતા અને પાણી ન ભરાયા હોવા છતાં રોજગાર પર અસર થતાં નોકરીએ જઈ શક્યા ન હોય તેવા લોકોને પણ સહાય આપવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે.

- Advertisement -

વેપારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે ખૂબ મોટું પેકેજ જાહેર કર્યું છે. વેપારીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટૂંકા સમયમાં લેવાયેલો આ નિર્ણય વેપારીઓને મોટી રાહત આપશે.

ટેક્સટાઈલના વેપારીઓનું કહેવું છે કે જણાવ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજનો લાભ છેલ્લા ત્રણ મહિનાનું GST ભરનારા વેપારીઓને મળશે. તેમના જણાવ્યા મુજબ ટેક્સટાઈલ માર્કેટના મોટાભાગના વેપારીઓ નિયમિત GST ભરતા હોવાથી નુકસાન ભોગવનાર મોટા ભાગના વેપારીઓને આ યોજનાનો લાભ મળી શકશે. જોકે ઘણા વેપારીઓનું માનવું છે કે નુકસાની લાખોમાં છે ત્યારે આ પેકેજમાંથી ખરા અસરગ્રસ્ત વેપારીઓને કેટલું, કેવું અને કેટલા સમયમાં રાહત પેકેજ પુરું પડશે? તે જોવાનું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular