Six murders in one night in Telangana : તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં પોક્સો કેસમાં જામીન પર છૂટેલા આરોપીએ એક જ રાતમાં 6 લોકોની હત્યા (Accused in POCSO case commits 6 murders) કરી નાંખી છે. રૂવાંડા ઉભા કરી દે તેવી ઘટનાના પગલે પોલીસની અનેક ટીમ માથા ફરેલા હત્યારાની શોધમાં લાગી ગઈ છે. રાજુ કુમાર નામના શખસે પોક્સો કેસમાં ભોગ બનનારી સગીરા, તેની માતા અને નાનીની હત્યા કરી નાંખી છે. આ હત્યાકાંડ બાદ રાજુએ પોતાની પત્ની અને બે માસૂમ બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા છે.
35 વર્ષીય રાજુ કુમાર સામે સગીર છોકરીનો પીછો કરવા બદલ ગત મે મહિનામાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસમાં રાજુ કુમાર જામીન મુક્ત થયા બાદ શુક્રવારે મોડી રાતે આરોપી પોતાના ગામથી 6 કિલોમીટર દૂર સગીર પીડિતાનો પરિવાર રહેતો હતો તે ગામ શહાબાદ પહોંચ્યો હતો. જ્યાં તેણે પીડિતાની 42 વર્ષીય માતા અને સૂઈ રહેલી 60 વર્ષીય નાનીની હત્યા કરી નાંખી હતી. જોકે, ઘરમાં હાજર પીડિતાની 20 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ બહેનને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. બે હત્યા કર્યા બાદ આરોપી રાજુ કુમાર સગીર પીડિતાનું કારમાં અપહરણ કરી ગામના છેવાડે આવેલા તળાવની પાળ પર લઈ ગયો અને ત્યાં ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ રાજુ પોતાના ઘરે ગયો હતો અને 31 વર્ષીય પત્ની, 4 વર્ષનો દીકરો અને 18 મહિનાના દીકરાની હત્યા કરી દીધી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ પોતાના પિતાને ફોન કરી રાજુ કુમારે બંને પરિવારને પતાવી દીધા હોવાની જાણ કરી પોતે આપઘાત કરવા જઈ રહ્યો છે તેવી જાણ કરી હતી.








