PSI absconded after accepting bribe : લાંચ કેસનો એક આરોપી લાંચની રકમ સાથે ભાગી જતા Team ACB ધંધે લાગી છે. આવી જ એક ઘટના કચ્છના ભુજ શહેરમાં બની છે. કચ્છ-પશ્ચિમના વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આઈ.આર.ગોહિલ (PSI I R Gohil Kutch) લાંચ પેટે મેળવેલા 40 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. Gujarat ACB ના ઇતિહાસમાં આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે.
કચ્છ-પશ્ચિમના વાયોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ફેક્ટરીના ભાગીદારો વચ્ચે થયેલા ઝઘડા અને મારામારીની ઘટનામાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં મારામારીનો આરોપ જેમના પર લાગ્યો હતો તે કેસમાં પરેશાન નહીં કરવા અને રાહત આપવા પીએસઆઈ ગોહિલે એક લાખ રૂપિયા પડાવ્યા હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ ફેક્ટરીમાં નીકળતા કાર્બનને લઈને પીએસઆઈ ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલે ફેક્ટરી માલિકને દમ માર્યો હતો. મહિને 50 હજારનો હપ્તો નહીં આપે તો ફેક્ટરી બંધ કરાવી દેવાની PSI I R Gohil એ ધમકી આપી હતી. રકઝકના અંતે પીએસઆઈ ગોહિલ 40 હજારની રકમ લેવા માટે તૈયાર થયા હતા. ફેક્ટરી માલિક લાંચ આપવા નહીં માગતા હોવાથી એસીબી ટોલ ફ્રી નંબર (ACB Toll Free Number 1064) પર આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારબાદ એસીબી અધિકારીને રૂબરૂ મળી ફેક્ટરી માલિકે પીએસઆઈ ગોહિલ સામે ફરિયાદ આપતા ACB Trap ની ગોઠવણ થઈ હતી. પીએસઆઈ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ભુજ ગાયત્રી મંદિર પાસે કાર લઈને 6 જૂનની રાતે લાંચ લેવા આવ્યા હતા. લાંચની રકમ આક્ષેપિત પીએસઆઈએ મેળવી લીધા બાદ એસીબીના ફરિયાદીએ ઇશારો કરવામાં વિલંબ કર્યો હતો. પીએસઆઈ ગોહિલને શંકા લાગતા તેઓ કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લાંચની રકમ સાથે આરોપી ફરાર થઈ ગયો હોવાની જાણ એસીબીના ઉચ્ચ અધિકારીઓને થતાં આરોપીને ઝડપી લઈ લાંચની રકમ કબજે લેવા દોડધામ કરી મુકી છે.








