Lucknow Fire, Coaching Centre Fire: રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અનેક લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટનાએ સુરતમાં બનેલી આગની ઘટનાની યાદ તાજી કરી દીધી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ તાત્કાલિક ઘટનાનો સંજ્ઞાન લીધો છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તરત જ સ્થળ પર પહોંચવા તેમજ રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા સૂચના આપી છે. સાથે જ ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક (Brajesh Pathak)એ જણાવ્યું હતું કે હાલ ઉપરના માળે કોઈ વ્યક્તિ હોવાની માહિતી નથી. પ્રથમ માળની દિવાલ તોડીને કર્મચારીઓ અંદર પ્રવેશ્યા છે. ઇમારતમાં ધુમાડો વધુ હોવાથી એક-એક રૂમની તપાસ કરવામાં આવી રહી છે. તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા પર પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈનાત છે.
પ્રાથમિક માહિતી અનુસાર અહીં કોઈ આઈટી કંપની અથવા ટ્રેનિંગ સેન્ટર કાર્યરત હતું, જ્યાં બાળકો તાલીમ લેતા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અંદર 10થી 12 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગી છે. ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ સ્થળ પર પહોંચી ગયા છે.
ઘટનાના એક પ્રત્યક્ષદર્શી અમને જણાવ્યું કે અહીં લાઇબ્રેરી અથવા કમ્પ્યુટર કોર્સનું સંસ્થાન ચાલતું હતું. તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇમારતમાંથી ભારે ધુમાડો નીકળી રહ્યો હતો. તેમણે અને અન્ય લોકોએ મળીને 5થી 6 લોકોને બચાવ્યા હતા. આગ લાગ્યા બાદ એક વ્યક્તિ ઇમારતમાંથી નીચે કૂદી પડ્યો હતો, જેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે.
ઘટનાસ્થળે પહોંચેલા પ્રભજોત સિંહે જણાવ્યું કે તેમનો પુત્ર સુખમણી સિંહ અહીં ગેમિંગ પ્રોક્સ સાથે જોડાયેલું કામ કરતો હતો. બપોરે લગભગ સવા બે વાગ્યે પુત્રએ જ ફોન કરીને આગ લાગ્યાની જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે ઓફિસમાં અંદાજે 20થી 22 લોકો કામ કરતા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની સતત દેખરેખ રાખવા તેમજ રાહત અને બચાવ કામગીરીમાં કોઈ કચાશ ન રહે તેની સૂચના આપી છે. ઘાયલોને યોગ્ય સારવાર મળે અને તમામ સ્તરે સતર્કતા જાળવવામાં આવે તે માટે પણ વહીવટી તંત્રને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે.








