Gujarat Police officers must listen to public complaints : ગુજરાત પોલીસના વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (G S Malik HoPF Gujarat Order) કાર્યભાર સંભાળતાની સાથે જ તેમના તેવર બતાવી દીધા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન જી. એસ. મલિક હંમેશા અરજદારો/મુલાકાતીઓને મળવાનો સમય કાઢી લેતા હતા. અરજદારોને પૂરતો સમય આપી શકે તે માટે તેઓ વહેલી સવારે અને રાતે ઘરે સરકારી ફાઈલોનો નિકાલ કરતા હતા. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં મોટાભાગના પોલીસ અધિકારીઓ અરજદારોને મુલાકાત જ નથી આપતા. આથી દરેક કચેરીમાં અરજદારોની વિગતો નોંધવા વિશેષ રજિસ્ટર રાખવાની પણ સૂચના અપાઈ છે. કોગ્નીઝેબલ ગુનો બન્યો હોવાનું સામે આવે તો તાત્કાલિક FIR નોંધવાની અને કાર્યવાહી શરૂ કરવા ડીજીપીએ સૂચના આપી છે.
કેમ આવો આદેશ કરવો પડ્યો ?
પોલીસ સ્ટેશન હોય કે કમિશનર ઑફિસ કે પછી જિલ્લા/રેન્જ વડાની કચેરી તમામ સ્થળે એક જ સમસ્યા છે અને તે છે સાહેબ સાંભળતા નથી કે મળતા જ નથી. આ કારણે અરજદારોને રજૂઆત કરવા માટે ગાંધીનગર DGP ઑફિસ કે પછી સચિવાલય સુધી લાંબા થવું પડે છે. આ જ કારણસર Gujarat DGP જી.એસ. મલિકને PI થી લઈને CP સુધીના અધિકારીને આદેશ આપવો પડ્યો છે.
અરજદારો માટેનો સમય તેમજ અરજી નિકાલની અવધિ નક્કી
DGP Gyanender Singh Malik એ રાજ્યના તમામ પોલીસ કમિશનર તેમજ તેમના તાબાના IPS અધિકારી અને જિલ્લા/રેન્જના વડા તથા ACP કક્ષાના અધિકારીઓને રોજ બપોરે 12થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહીને મુલાકાતીઓને સાંભળવા પડશે. જ્યારે પોલીસ સ્ટેશન કક્ષાએ PI ઓ માટે સાંજે 4થી 6 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. પોલીસ વિભાગમાં થયેલી અરજીઓ લાંબા સમય સુધી તપાસ અધિકારી પડતર રાખતા હોય છે. આથી આર્થિક ગુનાઓ, વૈવાહિક અને પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ 6 સપ્તાહમાં કરવાનો રહેશે. જ્યારે અન્ય પ્રકારની સામાન્ય અરજીઓનો નિકાલ પખવાડીયાની અંદર કરવાનો રહેશે. જી.એસ. મલિકે તમામ અધિકારીઓને દરેક અરજીની તપાસ તટસ્થતા અને ન્યાયસંગત રીતે થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે.








