Mastermind arrested in Surat SBI robbery case : ગણતરીની મિનિટોમાં સુરતની એસબીઆઈમાંથી 50 લાખના ચકચારી લૂંટ કેસમાં મુખ્ય ભેજાબાજ કુંદન કુમારની સુરત શહેર પોલીસે ધરપકડ કરી (Surat city police arrested Kundan Kumar) છે. ગત 27 એપ્રિલના રોજ વરાછા રોડ પર આવેલી SBI માં પિસ્તૉલ સહિતના હથિયારો સાથે ત્રાટકેલી ટોળકીએ બેંક સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી લાખોની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીની ધરપકડ કરતા મુખ્ય સૂત્રધાર કુંદનનું નામ સામે આવતા તેની પોલીસે કસ્ટડી મેળવી છે. બિહારની જેલમાં બેઠા બેઠા કુંદને સુરતની સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પટના એનઆઈએ કોર્ટ (NIA Court Patna Bihar) ની મંજૂરી મળતા કુંદનનો બિહારની જેલમાંથી કબજો મેળવવામાં આવ્યો છે.
બિહારની પટના જેલમાં કેદ કુંદન કુમાર સામે આઠ જેટલાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આર્મ્સ સ્મગલીંગ, NDPS, ખંડણી સહિતના ગંભીર અપરાધોમાં સામેલ છે. કુંદન આર્મ્સ સ્મગલીંગના કેસમાં પકડાયો ત્યારે તેની પાસેથી AK 47 રાયફલ મળી આવી હતી. સુરત બેંક લૂંટ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે અન્ય અપરાધીઓ હજુ પણ પોલીસની પહોંચ બહાર છે. બેંક લૂંટનો જેલમાં બેઠા બેઠા પ્લાન બનાવનારા કુંદન કુમારની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી પોલીસને આશા છે. એસબીઆઈ લૂંટ કેસ બાદ સુરતના વરાછામાં આવેલી અન્ય એક બેંકમાંથી હીરા અને સોનાની લૂંટ ચલાવવાનો વધુ એક પ્લાન કુંદને બનાવ્યો હતો. ડાયમંડ અને ગોલ્ડની રૉબરીને અંજામ અપાય તે પહેલાં બેંક લૂંટ કેસમાં સુરત શહેર પોલીસ કુંદન સુધી પહોંચી ગઈ હતી.








