Amreli News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં આવેલા આરોગ્ય સબ-સેન્ટરના નબળા બાંધકામનો મામલો સામે આવતા રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ચમારડી ગામના સરપંચ દ્વારા બાંધકામમાં રહેલી ક્ષતિઓ અંગે પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવ્યા બાદ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નિર્દેશથી જવાબદાર એન્જિનિયરને શૉ-કૉઝ નોટિસ ફટકારવામાં આવી છે.
ફરિયાદ મળતા જ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામની ગુણવત્તા ધોરણ મુજબ ન હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર એન્જિનિયર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રજાના કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રના માળખાગત વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા ભવનોના નિર્માણમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ભ્રષ્ટાચાર અથવા ગુણવત્તા સાથેની બાંધછોડ બિલકુલ સહન કરવામાં આવશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને સુરક્ષિત, મજબૂત અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. જાહેર નાણાંનો એક-એક રૂપિયો યોગ્ય રીતે અને નિયમો અનુસાર ખર્ચાય તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિકાસકામોમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ પર કામ કરી રહી છે.
મંત્રી પાનશેરીયાએ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને ચમારડી આરોગ્ય સબ-સેન્ટરના સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક તપાસ કરવાના કડક આદેશ આપ્યા છે. સાથે જ જ્યાં પણ બાંધકામમાં ક્ષતિઓ જણાય ત્યાં નિર્ધારિત ધોરણો અને ગુણવત્તા મુજબ નવેસરથી બાંધકામ કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે.








